Comments

પેલેસ્ટાઇન મુદ્દો યુરોપિયન યુનિયન, બ્રિટન અને અમેરિકાની ચૂંટણીઓને પ્રભાવિત કરી રહ્યો છે

‘પેલેસ્ટાઇનમાં નરસંહાર અટકાવો’, ‘તમે યુદ્ધના ગુનેગારો છો’ જેવા નારા અને ઉગ્ર દેખાવો અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસ સમક્ષ ચૂંટણીપ્રચારના એક પ્રસંગ દરમિયાન દેખાવકારોના એક જૂથે લગાવ્યા હતા. અહેવાલ મુજબ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસનો ઇન્ટરવ્યૂ એક ટેલિવિઝન શો માટે રેકોર્ડ થઈ રહ્યો હતો તે દરમિયાન આ ટોળું ધસી આવ્યું હતું અને ઇઝરાયલ દ્વારા ગાઝામાં કરવામાં આવી રહેલ નરસંહાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

૭ ઑક્ટોબર, ૨૦૨૩થી અત્યાર સુધીમાં ગાઝાપટ્ટીમાં લગભગ એક લાખ નિર્દોષ નાગરિકો (જેમાં ૭૦,૦૦૦ કરતાં વધુ સ્ત્રીઓ અને બાળકોનો સમાવેશ થાય છે) ઈઝરાયેલના હુમલાને કારણે મૃત્યુ પામ્યાં છે. હમાસ સામેના આ યુદ્ધમાં અમેરિકા ઇઝરાયલને મદદ કરે છે તેની સામે અને પેલેસ્ટાઇનના સમર્થનમાં અમેરિકામાં હવે પ્રેસિડેન્ટ બાઇડેન, તેમની સરકાર તેમજ પાર્ટી સામે ઉગ્ર પ્રદર્શનો થવા માંડ્યાં છે. થોડા સમય પહેલાં અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓના કેમ્પસમાં પણ આવા દેખાવો થયા હતા. આ વિરોધ વધુ ને વધુ ફેલાતો જાય છે. હવે આ પ્રકારનાં પ્રદર્શનો માત્ર અમેરિકા પૂરતાં મર્યાદિત નથી રહ્યાં.

ઇઝરાયલની ક્રૂરતા વિશે યુનિસેફનું કહેવું છે કે, ગાઝામાં ૧૦માંથી નવ બાળકો કુપોષણથી પીડાય છે. ઇઝરાયલે યુનો દ્વારા ચલાવાતી સેન્ટ્રલ ગાઝાની એક સ્કૂલ ૫૨ હુમલો કરીને ૩૭ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધાં છે. યુરોપિયન યુનિયનમાં જે ચૂંટણીઓ થવાની છે તેને પણ ઇઝરાયલના આ પાપનો પડછાયો આભડી ગયો છે. તાજેતરમાં જ ફ્રાન્સમાં દેખાવકારોએ પેલેસ્ટાઇનનો ધ્વજ બનાવતું હ્યુમન ફોર્મેશન થકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સામાન્ય રીતે યુરોપની ચૂંટણીમાં ‘કોસ્ટ ઑફ લિવિંગ’ એટલે કે સામાન્ય જિંદગી જીવવા માટે થતા ખર્ચા, કૃષિ અંગેની નીતિઓ, ક્લાઇમેટ ચેન્જ, તેમજ માઇગ્રેશન એટલે કે સ્થળાંતર ચર્ચામાં કેન્દ્રસ્થાને રહે છે પણ આ અઠવાડિયે જ્યારે યુરોપિયન યુનિયન કેટલાક અત્યંત અગત્યના મુદ્દે મતદાન કરવા જઈ રહ્યું છે ત્યારે એકાએક પેલેસ્ટાઇનનો મુદ્દો અગ્રીમ હરોળમાં આવી ગયો છે અને ૨૭ દેશોનો બનેલો આ યુરોપિયન યુનિયનનો સમૂહ એની વધુ ને વધુ પકડમાં આવતો જાય છે.

યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓને યુક્રેન યુદ્ધ પર વાત કરવી ગમે છે, પણ પેલેસ્ટાઇન એમના એજન્ડામાં નથી આવતું, જે એમનાં બેવડાં ધોરણો બતાવે છે. આ મુદ્દે બ્રસેલ્સમાં ઘણા સિવિલ સર્વન્ટ્સ વિરોધ જગાવવા માટે સડકો ઉપર ઊતરી આવ્યાં છે, જે એક ઐતિહાસિક ઘટના છે. સનદી અધિકારીઓ આ રીતે કોઈ દેખાવો કે પ્રદર્શનોમાં ભાગ લેતાં નથી. પેલેસ્ટાઇનની પરિસ્થિતિ અને એને એક અલગ દેશ તરીકેની માન્યતા આપવાનો મુદ્દો આ ચૂંટણીમાં સારો એવો ગાજી રહ્યો છે.

૪ જુલાઈ, ૨૦૨૪ના દિવસે બ્રિટીશ પાર્લામેન્ટની ચૂંટણી પણ થવાની છે. આખા યુરોપમાં જે મુદ્દો હાવી બન્યો હોય તે મુદ્દાથી બ્રિટન અલિપ્ત રહી શકશે ખરું? આમ, અમેરિકા, યુરોપિયન યુનિયન, બ્રિટન જેવા દેશોમાં પેલેસ્ટાઇનતરફી એક વાતાવરણ ઊભું થયું છે અને ચૂંટણી માથા ઉપર છે. યુરોપિયન યુનિયનની ચૂંટણી તો ૯ જૂન ૨૦૨૪ના રોજ આટોપાઈ જશે. બ્રિટનમાં પણ ઝડપથી ચૂંટણીપ્રચાર ગોઠવાતો જશે. સૌથી છેલ્લે અમેરિકન પ્રમુખની ચૂંટણી થવાની છે. સૌથી વધારે ઉગ્ર પ્રદર્શનો અમેરિકામાં થઈ રહ્યાં છે.

આમ, બાઇડેન અને એની પાર્ટી માટે ઇઝરાયલ ગળાનું બોર બનીને ફસાયું છે. નથી એ આગળ જતું કે નથી બહાર નીકળતું. આ પરિસ્થિતિમાં ઇઝરાયલ અને અમેરિકાના સંબંધો જે અત્યારે મધુર કહી શકાય તેવા તો નથી જ, તે કેટલા વણસશે અને આવનાર અમેરિકન પ્રમુખની ચૂંટણીને એ કેટલી પ્રભાવિત કરશે તેના પર બાઇડેન પોતાના વલણમાં હજુ શું ફેરફાર કરશે તે જોવાનું રહેશે. અમેરિકન ઉપપ્રમુખ સામે થયેલ દેખાવો અને તે પહેલાં યુનિ. કેમ્પસ ઉપર પેલેસ્ટાઇનતરફી વિદ્યાર્થી આંદોલનો જોતાં પ્રમુખ બાઇડેન માટે પેલેસ્ટાઇનનો મુદ્દો શિરોવેદના જેવો બની રહેશે, એમાં કોઈ શંકા નથી.
ડૉ. જયનારાયણ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top