સુરત: પોલીસ મથકોમાં વહીવટ સંભાળતા કેશિયરો દ્વારા કેટલાંક કામો માટે ખાનગી વ્યક્તિઓ રાખવામાં આવતા હોવાની વાત સર્વવિદિત છે, પણ શું કોઈ પીઆઇ પોતાનાં કામો માટે કોઈ ખાનગી વ્યક્તિને ડમી પીઆઇ તરીકે રાખતો હોય એવું સાંભળ્યું છે ખરું? જો કે, આવું જ કંઈક અડાજણ પોલીસ મથકમાં જોવા મળ્યું. પીઆઇ સોલંકી દ્વારા એક ખાનગી વ્યક્તિને ડમી પીઆઇ બનાવી દેવાયો હતો. જે સ્ટાફથી માંડીને આરોપીઓ અને ફરિયાદ માટે આવતા લોકો પર પીઆઇ તરીકે રૂઆબ ઝાડતો હતો. જે બાબતની ગંભીર ફરિયાદો આખરે પોલીસ કમિશનર સુધી થતાં મંગળવારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અડાજણ પીઆઇ સોલંકીની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે અને આ સમગ્ર પ્રકરણ હાલ પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.
પોલીસ વિભાગમાં ચર્ચાસ્પદ બનેલા આ કિસ્સા અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ પીઆઇ સોલંકી દ્વારા પોતાના એક અંગત એવા ખાનગી વ્યક્તિને ડમી પીઆઇ બનાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ આ ખાનગી વ્યક્તિ પીઆઇ સોલંકીની ચેમ્બરમાં તેમની બાજુમાં જ ખુરશી નાંખીને બેસતો હતો. પોલીસ મથકોમાં જે પણ અરજીઓ આવતી તે અરજી પણ પીઆઇ સોલંકી નહીં, પણ આ ડમી પીઆઇ જોતો હતો અને આગળની કાર્યવાહી કહો કે વહીવટ તમામ બાબતો અંગે નિર્ણય લેતો હતો. એટલું જ નહીં પીઆઇએ જે રોલ કોલની મહત્ત્વની કામગીરી કરવાની હોય છે તે રોલ કોલની કામગીરી પણ આ ડમી પીઆઇ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ આ ડમી પીઆઇ આરોપીને ધોલધપાટ કરવાની સાથે જ સ્ટાફ અને પોલીસ મથકે આવનારા નાગરિકો સામે પણ પીઆઈની જેમ જ રૂઆબ ઝાડતો હતો.
આખરે પીઆઇ સોલંકી દ્વારા રાખવામાં આવેલા ડમી પીઆઇ અંગે પોલીસ કમિશનર સુધી ગંભીર ફરિયાદો થતાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હરકતમાં આવ્યા હતા અને આ ગંભીર ફરિયાદો બાબતે પ્રાથમિક તપાસ બાદ મંગળવારે પીઆઇ સોલંકીની તાત્કાલિક અસરથી બદલીનો ઓર્ડર જારી કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પીઆઇ જેવા અધિકારી દ્વારા આ રીતે કોઈ ખાનગી વ્યક્તિને પોતાનાં કામો માટે ડમી પીઆઇ બનાવીને રાખ્યો હોય એવી આ પહેલી જ ઘટના સામે આવી છે. ત્યારે આ સમગ્ર મામલો સુરત શહેર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં આ મામલે વધુ તપાસ બાદ પીઆઇ સોલંકી સામે વધુ આકરાં પગલાં લેવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે. ત્યારે આગળ પીઆઇ સોલંકી સામે શું કાર્યવાહી થાય છે અને આ ડમી પીઆઇને હાથો બનાવી પીઆઇ સોલંકીએ કેવા કેવા ખેલ કર્યા હશે તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે.