Columns

સુખનું મૂળ

પરિસ્થિતિ ૧
એક શ્રીમંત પરિવારની સ્ત્રી નામ માયા.તેની પાસે લગભગ બધાં જ સુખનાં સાધનો હતાં. ગાડી, બંગલો,કપડાં,દાગીના, નોકર-ચાકર વગેરે. તેણે સમય પસાર કરવા માટે ફેશન બુટીક શરૂ કર્યું.તેની પાસે બધું હતું. તેની બધી સખીઓ તેને કહેતી કે માયા, તું બહુ નસીબદાર છે. તને સુખી થવા માટે જે જોઈએ તે બધું જ છે. તારી પાસે કોઈ વસ્તુની કમી નથી.’માયા આ સાંભળીને અભિમાન સાથે હસતી.પણ મન તેનું અશાંત હતું. તે મનમાં જાણતી હતી કે તે સાચા સુખનો અનુભવ કરી શકતી નથી.

માયા પાસે બધું જ હતું, છતાં તેને સતત વધુ મેળવવાની ઈચ્છા રહેતી;પોતાની પાસે બધું હોવા છતાં તે અન્ય કોઈની નવી ગાડી જુએ કે કોઈનો નવો હીરાનો હાર તો તેનું મન મારી પાસે આવો હાર નથી અને આટલી મોટી ગાડી નથી તેમ વિચારીને દુઃખી થઈ જતું અને આવું થતાં પાસે બધું જ હોવા છતાં તે દુઃખી જ રહેતી અને પોતાની પાસે રહેલા સુખનાં સાધનોમાંથી પણ સુખ મેળવી શકતી નહિ. અહીં સાબિત થાય છે કે મોટા ભાગે સુખ આપણને સાધનોની મદદથી મળે છે.જેટલાં સુખનાં સાધનો વધારે એટલું સુખ વધારે આપણે તેમ માનીએ છીએ પણ હકીકત એ નથી.આપણું કોઈ એક સાધન ઓછું થાય તો પણ મન દુઃખી થઇ જાય છે અને કોઈ બીજાની પાસે એક સાધન વધી જાય તો બધા સુખના સાધન વચ્ચે મન વધુ દુઃખી થઇ જાય છે.

પરિસ્થિતિ ૨
એક મધ્યમવર્ગીય ગૃહિણી નામ છાયા.તેની પાસે જીવનજરૂરિયાત માટે જે જોઈએ તે બધું જ હતું.કયારેક કયારેક વધુ આનંદ માટે જે જોઈએ તે પણ મળી જતું.પતિ અને બાળકો અને કુટુંબીજનો સાથે તે ખૂબ સુખી હતી.તેની પોતાની ઈચ્છા પ્રમાણે જીવતી હતી.કોઈ પાડોશી, મિત્ર કે સ્વજનોના ઘરે નવી વસ્તુ આવે કે કોઈની પ્રગતિ થાય તે દિલથી રાજી થતી.મારી પાસે આ વસ્તુ નથી તેમ વિચારીને છાયા ક્યારેય દુઃખી થતી નહિ.તેના મનમાં કયારેય રાગ,દ્વેષ અને ઈર્ષ્યા ઉત્પન્ન થતાં નહિ અને એટલે જ તેના મનના સુખને કોઈ અસર થતી નથી.તે પોતાની પાસે જે હતું તેમાં ખુશ હતી. તેના મનમાં સંતોષ હતો.એટલે તેની પાસે મર્યાદિત સાધનો હોવા છતાં તે સુખી હતી અને અન્યના સુખમાં પણ સુખી થતી હતી. આ બંને પરિસ્થતિ પરથી સાબિત થાય છે કે સુખ સાધનો પર નહિ, આપણા મનની સ્થિતિ પર આધારિત છે.જે મન સંતોષી છે અને રાગદ્વેષ વિનાનું છે તે ઓછાં સાધનો વચ્ચે પણ સુખી થઈ શકે છે. સુખનું મૂળ આપણું મન છે.ખરું સુખ આપણા મનમાં જ વસે છે.મનને જીતે છે તે સુખ અને દુઃખને જીતી લે છે.મન શાંત,સંતોષી,સરળ,સ્નેહસભર હોય છે ત્યારે જીવનમાં સુખ જ સુખ છવાઈ જાય છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top