Top News Main

યુક્રેનના બૂચામાં નરસંહાર: મોતનું એવું તાંડવ જેને જોઈ આત્મા કંપી ઉઠે, જુઓ તસ્વીરો

બૂચા: બુચા યુક્રેનનું એક શહેર છે જેનું નામ સાંભળતાં જ લોકો ડરી જાય છે. અહીં મોતનું એવું તાંડવ કરાયું કે કોઈ પણનો આત્મા કંપી જશે. આ નરસંહાર રશિયાના સૌથી ખૂંખાર સૈનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. 40 દિવસ સુધીમાં તો રશિયન સૈનિકોએ આ શહેરને સ્મશાનમાં ફેરવી નાખ્યું છે. અહીંની જે તસવીરો સામે આવી છે એ દર્દનાક છે.

  • રશિયાના ચેચેન સૈનિકોએ આચરેલા અત્યાચારોની હચમચાવનારી વિગતો બહાર આવી
  • યુક્રેનમાં હત્યાકાંડો અંગે પ્રથમ વખત ભારતનું યુએનમાં રશિયા વિરુદ્ધ કડક નિવેદન
  • સુરક્ષા પરીષદમાં બુચામાં નાગરિકોની હત્યા પર ભારતે ચિંતા વ્યક્ત કરી: સ્વતંત્ર તપાસની માંગ

યુક્રેનિયનને હાથ-પગ બાંધીને માથામાં ગોળી મારવામાં આવી હતી. મહિલાઓ પર બળાત્કાર કરવામાં આવ્યા હતા. સમગ્ર શહેરમાં જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલાઓ પડ્યા છે. અત્યાર સુધીમાં 400થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને આ સંખ્યા વધી જ રહી છે. ઘણા મૃતદેહોમાંથી દુર્ગંધ આવી રહી હતી. યુક્રેનનો આરોપ છે કે, રશિયા તરફથી યુદ્ધ અપરાધનું આ સૌથી મોટું ઉદાહરણ છે. જોકે, ક્રેમલિન આ વાતને નકારી રહ્યું છે. આ નરસંહારની કહાની યુક્રેનની રાજધાની કિવથી લગભગ 46 કિલોમીટર દૂર બૂચા શહેરમાં શરૂ થઈ હતી. યુક્રેનની સેનાને અહીંથી 410 મૃતદેહો મળી આવ્યા છે.

જ્યાં જુઓ ત્યાં લાશ જ લાશ
રશિયન સેના કીવમાં ઘુસી તો ન શકી પરંતુ ત્યાં આસપાસનાં વિસ્તારમાં તે વિનાશનો સરંજામ છોડી ગઈ છે રશિયાનાં જવાનોનાં ગયા બાદ યુક્રેનની સેના તમામ સ્થળોની તપાસમાં જોડાઈ ગઈ કે ક્યાંક કોઈ સ્થળ પર રશિયન સેના વિસ્ફોટો તો છોડીને નથી ગઈ ને. સમગ્ર વિશ્વની નજર હાલ ફક્ત બુચા પર છે. પરંતુ યુક્રેન પોતે જ ઘણા બુચાઓમાં સમેટાઈ ગયું છે. આ ગામમાંથી જે વિગતો સામે આવી રહી છે તેણે બધાને અંદર સુધી હચમચાવી મુક્યા છે. અહિયાં જમીનની અંદરથી લાશો મળી રહી છે.

રશિયા સેનાનાં ગયા બાદ લોકો અહિયાં પહોચ્યાં તો જમીનની અંદર દબાઈ ગયેલી લાશોને જોઈને આઘાતમાં સરી પડ્યા હતા. એક સ્થાનિકનાં જણાવ્યા મુજબ, આ ખાડામાં મારા પરિવારનાં સભ્યોની લાશો પડેલી છે. મને નથી ખબર કે તેઓને કેમ મારી નાખવામાં આવ્યા. તેઓ તો સારા લોકો હતા અને શાંતિમાં વિશ્વાસ રાખવાવાળા હતા.

બુચામાં નાગરિકોની હત્યાના અહેવાલો પર ભારતે ચિંતા વ્યક્ત કરી
ભારતે આજે યુક્રેનના બુચામાં નાગરિકોની હત્યાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી અને સ્વતંત્ર તપાસ માટેની હાકલને સમર્થન આપ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરીષદમાં અત્યાર સુધીના સૌથી મજબૂત નિવેદનમાં ભારતના રાજદૂત ટી એસ ત્રિમૂર્તીએ કહ્યું હતું, ‘બુચામાં નાગરિકોની હત્યાના હાલના અહેવાલો પરેશાન કરનાર છે. અમે આ હત્યાઓની સ્પષ્ટપણે ટીકા કરીએ છીએ અને સ્વતંત્ર તપાસ માટેની હાકલનું સમર્થન કરીએ છીએ.’

ભારતે આ સાથે જ હિંસા અટકાવવા અને શત્રુતા સમાપ્ત કરવાની પોતાની હાકલનું પુનરાવર્તન કર્યું હતું. મોટી સંખ્યામાં કબરો અને નાગરિકોનાં મૃતદેહોની તસવીરો સામે આવી હતી, જેના પગલે આખું વિશ્વ રોષે ભરાયું હતું અને રશિયા વિરૂદ્ધ વધુ પ્રતિબંધોની હાકલ અને આંતરરાષ્ટ્રીય આપરાધિક અદાલતમાં કાર્યવાહી કરવાનું વચન લેવામાં આવ્યું હતું.

ભારત ‘બગડતી પરિસ્થિતિ પર ચિંતિત’ રહેશે: ત્રિમૂર્તિ
ભારપૂર્વક જણાવતા કે ભારત ‘બગડતી પરિસ્થિતિ પર ચિંતિત’ રહેશે, ત્રિમૂર્તિએ કહ્યું, ‘ખાસ કરીને કટોકટીની અસર આ પ્રદેશની બહાર અનુભવાઈ રહી છે ખાસ કરીને ઘણા વિકાસશીલ દેશો માટે ભોજન અને ઉર્જાની કિંમતમાં વધારો થયો છે. ‘જ્યારે નિર્દોષ માનવ જીવન જોખમમાં હોય ત્યારે, મુત્સદ્દીગીરી એકમાત્ર સધ્ધર વિકલ્પ તરીકે રહેવી જોઈએ,’ એમ તેમણે ઉમેર્યું હતું. બુચાથી સામે આવેલી વિધ્વંસ તસવીરો યુક્રેનથી આવેલી તસવીરો પૈકી સૌથી વધુ ભયાવહ છે જેના પગલે પશ્ચિમી દેશો રશિયન સૈનિકો પર યુદ્ધ ગુનાનો આરોપ લગાવ્યો હતો. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, અમેરિકા અને નાટોએ આ તસવીરોને ભયંકર ગણાવી હતી.

Most Popular

To Top