સુરત(Surat): સુરત મહાનગરપાલિકાની (SMC) કચેરીમાં ભાજપના (BJP) કેટલાંક કોર્પોરેટરો આપની મહિલા સભ્યો સાથે અણછાજતું વર્તન કરી તેઓનું સતત અપમાન કરતા હોવાના મામલે આજે વિપક્ષ આપની (AAP) મહિલા કાર્યકરોએ સુરત મનપા કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓનું માન નહીં જાળવતા ભાજપના કોર્પોરેટરોને બંગડી આપી મહિલાઓએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
- ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ અને ઘનશ્યામ મકવાણા પર સનસનીખેજ આક્ષેપ
- ભાજપના સભ્યો પાલિકા કચેરીમાં વિપક્ષની મહિલાઓનું અપમાન કરે છે
- વિપક્ષે આજે મહિલાઓના અપમાનના વિરોધમાં પાલિકા કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું
આ મહિલા કાર્યકરોનો આક્ષેપ હતો કે, પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવે છે. ભાજપના કોર્પોરેટરોના વર્તનના વિરોધમાં આજે તા. 5 જાન્યુઆરીના રોજ મુગલીસરા ખાતે વિપક્ષ નેતા પાયલ સાકરીયા સહિત નગરસેવકો અને આમ આદમી પાર્ટી મહિલા સંગઠનની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
વિરોધ પ્રદર્શન કરતી મહિલા કાર્યકરોએ કહ્યું કે, સુરત મહાનગરપાલિકાની પાછલી સામાન્ય સભામાં વિપક્ષ ના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા જ્યારે ઉભા થાય ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરી ને ભાજપના સભ્ય વ્રજેશ ઉનડકટ અને ઘનશ્યામ મકવાણા દ્વારા મહિલા નગરસેવક નું અપમાન કરવામાં આવ્યું હતું.
વિપક્ષને ઉશ્કેરવા માટે પ્રયાસો કરાયા હતા અને આ રીતે વારંવાર સામાન્ય સભામાં ભાજપી સભ્યો દ્વારા વિપક્ષની મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવતું હોય છે ત્યારે આજે ગાર્ડન સમિતિની મિટિંગ હતી જેમાં વ્રજેશ ઉનડકટ સભ્ય છે જેઓ મુગલીસરા ખાતે આવતા વિપક્ષ નેતા સહિત મહિલા નગરસેવકો અને સંગઠનની મહિલાઓ દ્વારા વ્રજેશ ઉનડકટનો વિરોધ કરવામાં આવ્યો અને બંગડી આપવામાં આવી અને આગામી સમય માં મહિલાઓની અપમાન બંધ કરવા માટે ચીમકી આપવામાં આવી.