મને પણ ખબર છે ભૈઈલા, કે વિષય વાંચીને તમારાં ભવાં ચઢવાનાં છે અને બોલવાના છો કે, એના કપાળમાં કાંદા ફોડું, રામ નવમી ને હનુમાન મહોત્સવના તહેવાર આવવાના ટાંકણે આ ખજૂરે હોળી-ધૂળેટીની રામાયણ કાઢી? વાત ખોટી નથી. લેખ છપાશે ત્યારે હોળી હવન જેવી બની ગઈ હશે. ક્યાં તો ટાઢી થઇ ગઈ હશે ને ધૂળેટીનું પીલ્લું વળી ગયું હશે. સખા(ખી)ઓની ‘રંગાઈ જા ને રંગમાં’ ની ગુંજ ગાયબ થઇ ગઈ હશે. પેટછૂટી વાત કરું તો, આ વાત ઉપર લખવાનો ઉભરો તો મને વસંત પંચમીથી આવેલો. પણ એવું થોડું છે કે, માણસને જ ગ્રહણો નડે? તહેવારોને પણ નડે.! આકાશી ગ્રહણ તો પાળીએ, એટલે ટાઢું પડે, માણસના ગ્રહણ તો આકાશી ગ્રહણ કરતાં પણ ખતરનાક.! એમાં જો વાઈફનું ગ્રહણ લાધ્યું તો ખલ્લાસ.! લીંબુ- મરચુંની પોટલી પણ આડી નહિ આવે.
છમ-છમાછમ અવસર ટાણે, ચંદ્રગ્રહણનો વેધ ભરાય તે પહેલાં, એકની એક પત્ની શૈલીએ એવી હોળી સળગાવી કે, પાદરની હોળીએ નાળિયેર ચઢાવવાની નોબત જ નહિ આવી. ઘરમાં જ હોમાઈ ગયો! અંગત વાતની પબ્લીટીટી (સીટી) તો નહિ કરવી જોઈએ, પણ જે લોકો એમ કહે કે, ‘ધાર્યું ધણીનું થાય છે’ એ વાત ખોટી.! ક્યાંક ધાર્યું ધણિયાણીનું પણ થાય દાદૂ.! ત્યારે આકાશી ગ્રહણ કરતાં સંસારના ગ્રહણની આડ અસર વધારે લાધે! જો કે, તમારે આવા Havi પ્રોબ્લેમ ના હોય એ હું સમજુ છું. પછી તો જેવી જેની વાઈફ! બાકી ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું વાસવા બેઠો છું, એ વાતમાં તથ્ય તો છે! ચોખવટ પૂરી!
કહેવાય છે કે, સમય અને સ્મૃતિના મામલે, અમારું આખું ખાનદાન મૂળથી જ માર ખાતું આવેલું! જનમવામાં પણ હું મોડો પડેલો અને પૈણવાની તારીખને બદલે, બે દિવસ મોડો કન્યાને માંડવે પહોંચેલો, ત્યારે લગનના માંડવા પણ છૂટી ગયેલા ને કન્યા પણ બીજે ગોઠવાઈ ગયેલી. મારે લીલા તોરણે Return થવું પડેલું બોસ! ફરી વાર પીઠી ચઢાવવી પડેલી તે બોનસ! એમ આ લેખ લખવામાં પણ મોડો પડ્યો.! હોળી-ધૂળેટી પણ ચાલી ગઈ. બાકી આ હોળી-ધૂળેટી મને ગમે બહુ. ભણતાં ત્યારથી આ બંને તહેવારોએ મારો પીછો મૂક્યો નથી. ગુજરાતી-હિન્દીના પેપરમાં હોળી કે ધૂળેટીનો નિબંધ ના પૂછાય તો, પ્રશ્નપત્ર કાળ-પત્રિકા જેવું લાગતું. વગર લગને અમે ‘વિધુર’ થઇ ગયા હોય એવા બેહાલ બની જતા.કારણ કે માર્ક્સનું વધારેમાં વધારે ઉત્પાદન, અમને નિબંધમાંથી જ મળતું.
શિક્ષકોને પણ આ નિબંધ વધારે ફાવતા. એ પણ માનતા કે માર્ક્સમાં બરકત લાવવી હોય તો, હોળી-ધૂળેટીના જ નિબંધ પુછાય.! (રખે માનતા કે, બરકતી શબ્દનો પ્રયોગ પૈસા માટે જ થાય, અમારા વખતે ‘માર્ક્સ’ માટે પણ બરકતી શબ્દ વપરાતો !) અમારી પણ એ જ કમાણી ને બોસ.! હોળી કે ધૂળેટીનો નિબંધ આવે એટલે પરીક્ષામાં બેઠા બેઠા ભાંગડા કરતા. રાજીના એવા ‘રેડ’ થતા કે, શમણામાં આવેલી પરી પરીક્ષામાં હાજરાહજૂર થઇ ગઈ હોય, એવી ગલીપચી થતી. ઊર્જાનો એવો ધોધ છૂટતો કે, HK એટલે કે, (હિરણ્યકશ્યપ) થી માંડી, મહોલ્લાના હસુકાકાના બાંકડા સળગાવ્યા સુધીની વાતથી સપ્લીમેન્ટરી ભરી દેતા.
માણસની તો ખાસિયત છે કે, એને જીવતર સાથે રોમાંચ જોઈએ જ.! હોળી પછી ધૂળેટીનો આનંદોત્સવ આવે. થોડી થોડી ‘હોળી’ હોતી હૈ, થોડી થોડી ‘ધૂળેટી’ હોતી હૈ, તો, જીવન હરાભરા કબાબ જેવું લાગે. જીના ઉસીકા નામ હૈ મામૂ.! ઉકરડા બાળવાથી હોળીનું પ્રાગટ્ય થતું નથી એમ, જાતે લોટના ડબ્બામાં માથું મારવાથી ધૂળેટીનો આનંદ મળતો નથી. સામે કોઈ જીગરજાન રંગનાર પણ જોઈએ. ધૂળેટી માત્ર રંગ છાંટવાનો તહેવાર નથી, રંગ જમાવવાનો વહેવાર પણ છે. પણ માણસ પૈસાઘેલો એવો થઇ ગયો કે, આજકાલ તો સાલી તહેવારોની મઝામાં પણ મંદી આવી ગઈ. હોળીનું ‘લેટેસ્ટ’ વર્ઝન આવ્યું હોય એમ, ઈરાન, ઈઝરાઈલ, દુબઈ અમેરિકા, બહેરીન, અબુધાબી, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને અમેરિકાએ તો જુદા જ પ્રકારની ‘આકાશ’ માં હોળી ખેલવા માંડી. એમાં પાદરની હોળી ‘વોલ્ટેજ’ વગરની ફિક્કી પડી ગઈ.
કાંઠે પહોંચેલાં ઘણાં વૃધ્ધો બળાપો તો કાઢે કે, “ ક્યાં ગોકુળ વૃંદાવનની હોળી ને ક્યાં આજની આડેધડ રંગોની ધૂળેટી? અમારા જમાનામાં ધૂળેટી આવે એટલે, ગલી-ગલી રંગમંચ બની જતી. રંગાઈને એવા લઠ્ઠ થઇ જતા કે, ૧૨ છોકરા નવડાવીએ ત્યારે માંડ પોતાનું છોકરું મળતું, ‘ઇસ રૂટકી સભી લાઈન વ્યસ્ત હૈ’ જેવી ગલી બની જતી. ખડ્ડૂસો નિર્લેપ રહેતા ખરા, પણ એ બધા કાપડિયાની દુકાન બહાર શોભામાં ઊભેલા પ્લાસ્ટિકના પૂતળા જેવા લાગતા. ધૂળેટીમાં ધીંગામસ્તી નહિ કરે તો, અડધી કાઠીએ ફરકતા ધ્વજ જેવાં લાગતા.સો વાતની એક વાત, જગતને જે કહેવું હોય તે કહે, પણ ભેટીને ભૂલવાનો અવસર એટલે ધૂળેટી!
લાસ્ટ બોલ
ભારતના મહાન વૈજ્ઞાનિકનું નામ બોલ.
આલિયા ભટ્ટ સર.!
શિક્ષકે જેવી ફૂટપટ્ટી કાઢી કે, ચંપુ આડો ફરી વળ્યો.
સર.! એને મારતા નહિ. એને બોલવામાં તકલીફ છે, એટલે ‘આર્યભટ્ટ’ ને બદલે, આપણને ‘આલિયા ભટ્ટ’ સંભળાય છે.!
તારા કપાળમાં કાંદા ફોડું.!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.