Vadodara

અમિતનગર સર્કલ પાસે ચાલતી હપ્તાબાજી

વડોદરા: અમિતનગર સર્કલ પાસે હપ્તા ઉઘરાવીને ગેરકાયદે ખાનગી વાહનો ઉભા રાખવામાં આવતા હોવાની ભારે ચર્ચા જાગી છે. વાત એવી પણ ચાલી રહી છેકે માથાભારે ભરવાડો દ્વારા વાહનચાલકો પાસેથી વસૂલેલા રૂપિયામાંથી કેટલીક રકમ ટ્રાફિક કર્મચારીઓ સુધી પહોંચાડવામાં આવતી હોવાની ફરિયાદ વિસ્તારમાં ઉઠી છે. જેથી ટ્રાફિક પોલીસના ડર વિના ચાલકો સર્કલ પર બિન્દાસ્ત વાહનો ઉભા રાખી ધંધો કરે છે.

અમિતનગર સર્કલ પાસે અમદાવાદની જવા માટે ખાનગી વાહનો ગેરકાયદે ઉભા રહે છે. પરંતુ આ વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવીને ઉભા રાખવા દેતા હોવાની ફરિયાદ ઉઠી છે. ભરવાડો દ્વારા વાહન ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવે છે. પોલીસ દ્વારા આ વાહનચાલકો સામે શુધ્ધા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જોકે માથાભારે ભરવાડો દ્વારા વાહનચાલકો પાસેથી ઉઘારવવામાં આવતા હપ્તાની રમકમાંથી કેટલીક રકમનો હિસ્સો પોલીસ કર્મચારીઓ સુધી પહોંચાડવામાં આવતો હોવાની બૂમ પણ ઉઠી છે. આ વિસ્તારમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે માથાભારે ભરવાડો તથા પોલીસની મીલીભગતથી વાહન ચાલકો પાસેથી હપ્તાની રકમ વસૂલ કરવામાં આવે છે.

જેથી જો વાહન અહિયા ઉભુ રાખીને વરદી મારવી હોય તો હપ્તો આપવો જ પડશે તેવી ધમકી પણ આપવામાં આવતી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. માથાભારે ભરવાડોના ડરના કારણે કોઇ તેમની સામે અવાજ ઉઠાવવા રાજી નથી અને પોલીસ તેમની પાસેથી ઉઘરાવવામાં આવતી રકમનો કેટલોક ભાગ લેતી હોવાના કારણે ચૂપકીદી સેવતી હોવાનું પણ વિસ્તારમાંથી જાણવા મળ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આંતરિક રીતે અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે ઉભા રહેતા વાહનોની તપાસ કરવામાં કૌભાંડ બહાર આવે તેમ છે.

ચાર દિવસ થયા છતા હરણી પોલીસ હુમલાખોર ભરવાડોને પકડી શકી નથી
અમિત નગર સર્કલ પાસે 7 ઓક્ટોબરે વાહન નહીં ઉભુ રાખવા મુદ્દે 11 ભરવાડોએ અમદાવાદ વાહનચાલક યુવક પર લાકડીઓથી હુમલકો કર્યો હતો. જેમાં ઈજાગ્રસ્ત યુવકને હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઇ સઘન કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે ચાર દિવસ થવા આવ્યા હોવા છતાં પોલીસ માથાભારે ભરવાડોને પકડવાની વાત દુર તેમની માહિતી શુધ્ધા પણ મેળવી મેળવી શકી નથી. જેના કારણે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હરણી પોલીસ દ્વારા આ માથાભારે ભરવાડો છાવરવામાં આવી રહ્યા હોવાની વાતો પણ વહેતી થઇ છે.

ગેરકાયદે ઉભા રહેતા વાહનો સામે કાર્યવાહી થાય છે
શહેરના અમિતનગર સર્કલ, માણેક પાર્ક, આજવા ચોકડી, વાઘોડિયા ચોકડી, સોમાતળાવ ચાર રસ્તા, સૂસેન ચાર રસ્તા, કિર્તીસ્તંભ સહિતના વિસ્તારોમાં ખાનગી વાહનો ગેરકાયદે જ ઉભા રહે છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહો ઉભા રાખવા માટેની કોઇ પરમિશન આપવામાં આવી નથી છતાં આવા વાહનચાલકો ઉભા રહીને ધંધો કરે છે. અમારી ટીમ દ્વારા ગેરકાયદે ઉભા રહેતા વાહનચાલકો પાસે કાર્યવાહી કરવામાં આવે જ છે.
– જે.આઇ. વસાવા. એસીપી ટ્રાફિક પૂર્વ

Most Popular

To Top