આજકાલ સોનાના ભાવોમાં જે તેજીનો દોર ચાલી રહ્યો છે તે માગ અને પુરવઠા વચ્ચેના અંતરને કારણે પેદા થયેલી તેજી નથી, પણ આવી રહેલી રાજકીય અને આર્થિક આંધીની એંધાણી સમાન છે. તાજેતરમાં દુનિયાના ઘણા દેશોનું અને ખાસ કરીને ઇંગ્લેન્ડનું સોનું વિમાનમાં ભરીને અમેરિકા જઈ રહ્યું છે, તેનું કારણ શું છે? અમેરિકામાં દુનિયાનું સૌથી મોટું કોમોડિટી એક્સચેન્જ કોમેક્સ આવેલું છે, જેમાં સોના અને ચાંદીના સૌથી વધુ સોદાઓ થાય છે. દુનિયાની કોઈ પણ સેન્ટ્રલ બેન્કને સોનું ખરીદવું હોય તો તેના સોદા પણ કોમેક્સ પર થાય છે.
મોટી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેન્કો પણ સોનાના સોદા કોમેક્સ પર પાડે છે. કોમેક્સમાં સોનાનો જેટલો પણ કારોબાર થાય છે, તેમાંનો ૯૬ ટકા કારોબાર કાગળ ઉપર ચાલે છે અને માત્ર ૪ ટકા જ ડિલિવરીના આધારે ચાલે છે. કોમેક્સ પરથી સોનું ખરીદનારને ડિલિવરી ચલણ આપવામાં આવે છે, જેને સોનાની જેમ જ વેચી શકાય છે. કોમેક્સ પર સોનું ખરીદનારને ભરોસો હોય છે કે તેને આ ચલણ સામે જ્યારે જોઈએ ત્યારે સોનાની લગડી મળી રહેશે, માટે તેઓ કાગળ ઉપર જ કારોબાર ચલાવતા હોય છે.
હવે છેલ્લા મહિનાથી પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે, અમેરિકી સરકાર, અમેરિકી ડૉલર અને કોમેક્સમાં લોકોનો વિશ્વાસ ઓછો થઈ ગયો છે, માટે તેઓ કાગળિયાં સામે સોનું માગી રહ્યા છે. કોમેક્સમાં સોનું વેચનારી કંપનીઓ પાસે એટલું સોનું નથી, માટે તેઓ બેન્ક ઓફ ઇંગ્લેન્ડના વોલ્ટમાં પડેલું સોનું અમેરિકામાં લાવીને તેની ડિલિવરી કરી રહી છે, પણ જેટલાં કાગળિયાં આપવામાં આવ્યા છે, તેના ૪ ટકા જેટલું જ સોનું હકીકતમાં દુનિયામાં છે.
આ કારણે કોમેક્સના સત્તાવાળાઓ દ્વારા ડિલિવરીનો પિરીયડ ૧૪ દિવસથી વધારીને ચારથી છ સપ્તાહ કરી દેવામાં આવ્યો છે. જો આ છ સપ્તાહ દરમિયાન ફિઝીકલ ગોલ્ડની માગ વધતી રહી તો કોમેક્સ પર કાગળિયાં દ્વારા સોનું વેચનારી કંપનીઓ હાથ ઊંચા કરી શકે છે. દાયકાઓ સુધી તેમણે કાગળિયાં દ્વારા સોનું વેચીને કૃત્રિમ રીતે સોનાના ભાવો નીચા રાખ્યા હતા. હવે જો તે કાગળિયાં સામે સોનું આપવાની નોબત આવે તો દુનિયાના અર્થતંત્રમાં ભયંકર ઉથલપાથલ પેદા થઈ શકે છે, જેમાં ડિમાન્ડ અને સપ્લાયના નિયમ મુજબ સોનાના ભાવમાં અકલ્પનીય વધારો નોંધાઈ શકે છે.
કોઈ પણ દેશની આર્થિક અસ્થિરતા માટે તેના સોનાના ભંડારને સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જે દેશ પાસે સોનું જેટલું વધુ હશે, તે દેશ આર્થિક રીતે વધુ સ્થિર થવાની શક્યતા છે. ૧૮૦૦ ના દાયકાના અંત અને ૧૯૦૦ ના દાયકાની શરૂઆતમાં સોનાએ વૈશ્વિક અર્થતંત્રમાં સીધી ભૂમિકા ભજવી હતી. તે સમયે, વિશ્વભરના દેશો તેમના ચલણ અને ચોક્કસ માત્રામાં સોના વચ્ચે નિશ્ચિત વિનિમય દર જાળવી રાખીને તેમના કાગળના નાણાંના મૂલ્યને સોનાથી સમર્થન આપતા હતા. વધુમાં, જારી કરાયેલા ચલણના દરેક એકમનું સોનામાં અનુરૂપ મૂલ્ય હતું અને વ્યક્તિઓ આ નિશ્ચિત દરે તેમના કાગળનાં નાણાંને વાસ્તવિક સોનામાં બદલી શકતા હતા. એનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં સોનું હંમેશા મહત્ત્વનું રહ્યું છે. પ્રાચીન કાળની વાર્તાઓમાં પણ સોનું પગાર ચૂકવવા અથવા કોઈને ઈનામ તરીકે આપવામાં આવતું હતું.
૧૯૪૪માં ન્યૂ યોર્કની એક હોટેલમાં બ્રેટન વુડ નામના કરાર થયા, તેમાં બીજા વિશ્વ યુદ્ધમાં જીતનારા દેશોએ પોતાનો આપસનો વેપાર સોનાને બદલે અમેરિકન ડૉલરમાં કરવાનો નિર્ધાર કર્યો હતો, કારણ કે ત્યારે અમેરિકા પાસે સોનાનો સૌથી મોટો જથ્થો હતો અને અમેરિકાની સરકારે ડૉલર સામે જ્યારે જોઈએ ત્યારે સોનું આપવાનું વચન આપ્યું હતું. ૧૯૭૧માં અમેરિકા દ્વારા તે વચન ફોક કરવામાં આવ્યું હતું અને ડૉલરનું સોના સાથેનું જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું.
૧૯૭૧ પછી અમેરિકાએ ખનિજ તેલનું ઉત્પાદન કરનારા આરબ દેશો સાથે કરાર કરીને તેમને ખનિજ તેલનું વેચાણ માત્ર અમેરિકાના ડૉલરમાં કરવાના કરાર કર્યા હતા, જેને કારણે ડૉલરની માગ જળવાઈ રહી હતી. દુનિયાના દેશોએ આંતરરાષ્ટ્રીય વેપાર માટે અને સેન્ટ્રલ બેન્કોએ રિઝર્વ કરન્સી તરીકે સોનાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું, જેને કારણે અમેરિકાને મોકળું મેદાન મળી ગયું હતું. તેણે બેફામ ડૉલર છાપીને પોતાની વેપાર ખાધ ભરપાઈ કરવાની પ્રથા ચાલુ રાખી હતી. હવે અમેરિકાની કરન્ટ એકાઉન્ટની ખાધ ૩૭ ટ્રિલિયન ડૉલર ઉપર પહોંચી ગઈ છે, જે દેવું અમેરિકા ક્યારેય ચૂકવી શકે તેમ જ નથી, કારણ કે તેની પાસે તેટલું સોનું નથી.
વર્ષ ૨૦૨૨માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું ત્યારે અમેરિકાએ રશિયા પર આર્થિક પ્રતિબંધો નાખવા ઉપરાંત તેના ૪૦૦ અબજ ડૉલરના રિઝર્વ ભંડોળને ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો. આ કારણે દુનિયાભરના દેશોનો અમેરિકા અને તેના ડૉલર ઉપરનો વિશ્વાસ ડગમગી જતાં તેમણે ટ્રેડ સરપ્લસ સામે સોનું ખરીદવાનું ચાલુ કર્યું હતું, જેના કારણે સોનામાં તેજીનો વર્તમાન દોર ચાલુ થયો હતો. વૈશ્વિક અર્થતંત્રમાં સોનાનો સીધો ઉપયોગ બંધ થઈ ગયો હોવા છતાં દેશોની તિજોરીમાં રહેલા સોનાનું મહત્ત્વ ઘટ્યું નથી. જો દુનિયાના બધા દેશોની સેન્ટ્રલ બેન્કો તેમની પાસેના ડૉલરના ભંડાર સામે સોનું ખરીદવા બજારમાં આવી જાય તો બજારમાં તેટલું સોનું ન હોવાથી ડૉલરના ભાવો ગગડી જાય અને સોનાના ભાવો આસમાને પણ પહોંચી શકે છે.
આજ સુધીમાં વિશ્વમાં લગભગ ૨,૪૪,૦૦૦ મેટ્રિક ટન સોનું મળી આવ્યું છે, જેમાંથી ૧,૮૭,૦૦૦ મેટ્રિક ટનનું ઉત્પાદન થયું છે અને ૫૭,૦૦૦ મેટ્રિક ટન હાલમાં ભૂગર્ભ ભંડારમાં ખાણોમાં પડેલું છે. મોટા ભાગનું સોનું ફક્ત ચીન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ત્રણ દેશોમાં જ મળી આવ્યું છે. આ ૧,૮૭,૦૦૦ મેટ્રિક ટન પૈકી અમેરિકા પાસે માત્ર ૮,૦૦૦ મેટ્રિક ટન જેટલું જ સોનું છે. ભારતની રિઝર્વ બેન્ક પાસે માત્ર ૮૪૦ મેટ્રિક ટન જેટલું સોનું જ છે, પણ ભારતનાં મંદિરોમાં અને ઘરોમાં મળીને ૬૦,૦૦૦ મેટ્રિક ટન જેટલું સોનું છે, જે દુનિયાના જમીન પરના સોનાના ભંડારનો ત્રીજો ભાગ છે. આ કારણે જ ભારતને સોનાની ચિડીયા કહેવામાં આવે છે.
૨૦૧૬ માં સોનાના ઉત્પાદનમાં અમેરિકા ચોથા ક્રમે હતું. આજે ખાણમાંથી નીકળતું મોટાભાગનું સોનું દાગીનાના ઉત્પાદન ઉપરાંત કમ્પ્યૂટર, સંદેશાવ્યવહારનાં સાધનો, અવકાશયાન, જેટ એરક્રાફ્ટ એન્જિન અને અન્ય ઘણી વસ્તુઓ બનાવવા માટે પણ થાય છે. વિશ્વભરના દેશો ઘણાં કારણોસર સોનાનો ભંડાર રાખે છે. પહેલું કારણ એ છે કે સોનાને સંપત્તિનો સ્થિર અને વિશ્વસનીય ભંડાર માનવામાં આવે છે. સોનું રાખીને કોઈપણ દેશ પોતાની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં હોય તો પણ તેના અર્થતંત્ર અંગે અન્ય દેશોમાં વિશ્વાસ જાળવી શકે છે. નાણાંકીય અનિશ્ચિતતા દરમિયાન સોનાનો ઉપયોગ કરી શકાય છે. સોનાએ ઐતિહાસિક રીતે દેશોના ચલણના મૂલ્યને ટેકો આપવામાં ભૂમિકા ભજવી છે. હાલમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડનો ઉપયોગ થતો નથી, તેમ છતાં કેટલાક દેશો સોનાના ભંડારને ચલણમાં સ્થિરતા જાળવવાનાં સાધન તરીકે જુએ છે.
પ્રાચીન કાળથી સોના અને ચાંદીનો ઉપયોગ ચલણ તરીકે થતો આવ્યો છે. તેમનું મૂલ્ય હંમેશા સ્થિર રહ્યું છે. તેથી તેને સુરક્ષિત રોકાણ ગણવામાં આવે છે. રાજાઓ અને સમ્રાટોના સમયમાં પણ સોનાના સિક્કા સૌથી મૂલ્યવાન માનવામાં આવતા હતા. વૈદિક ધર્મમાં સોના અને ચાંદીને પવિત્ર ધાતુ માનવામાં આવે છે. તેનો ઉપયોગ દેવતાઓ અને મંદિરોની મૂર્તિઓમાં થાય છે. એવું માનવામાં આવે છે કે સોનું સૂર્યનું પ્રતીક છે, જ્યારે ચાંદી ચંદ્રનું પ્રતિક છે. તેથી તેમને દૈવી ધાતુ માનવામાં આવે છે.
એવું પણ માનવામાં આવે છે કે ચાંદીનો જન્મ ભગવાન શિવની આંખોમાંથી થયો હતો. ભારતમાં સોના અને ચાંદીને સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. લગ્ન અને અન્ય શુભ પ્રસંગોએ આ ભેટ આપવી શુભ માનવામાં આવે છે. સોના અને ચાંદીના દાગીનાનું ખાસ મહત્ત્વ છે. ગયા શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ ૮૮,૭૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતો. સ્થાનિક બજારમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ૧ લાખ રૂપિયા હતો. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૧૦ હજાર રૂપિયાથી વધુનો વધારો થયો છે. જો અમેરિકાનો ડૉલર રિઝર્વ કરન્સી તરીકેનું તેનું સ્થાન ગુમાવી દેશે તો આંતરરાષ્ટ્રીય વેપાર માટે તથા રિઝર્વ કરન્સી તરીકે પણ સોનાનો ઉપયોગ થવા લાગશે, જેને કારણે સોનાના ભાવો રોકેટની ઝડપે વધી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
