Columns

ઓમિક્રોન વેરિયન્ટ જીવલેણ છે; તેવું હજી સુધી સાબિત થયું નથી

Omicron Variant: How Severe And Transmissible Is This Virus?

‘‘વા વાયાથી નળિયું ખસિયું, તે દેખીને કૂતરું ભસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર; પણ તે હતો વાવંટોળ’’આ કહેવત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા શોધવામાં આવેલા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને આબાદ લાગુ પડે છે. કોઈ પણ નવો વાયરસ કે તેનો વેરિયન્ટ શોધાય તે પછી તે કેટલો ચેપી છે કે કેટલો જીવલેણ છે? તેની ખબર પડતાં મહિનાઓ લાગી જતા હોય છે. ઓમિક્રોન વેરિયન્ટને કારણે હજુ સુધી દુનિયામાં એક પણ મરણ થયું હોય તેવા હેવાલ નથી. જે દેશમાં ઓમિક્રોન વેરિયન્ટ શોધાયો છે તે દક્ષિણ આફ્રિકાના મેડિકલ એસોસિયેશનના પ્રમુખ કહે છે કે તેના જેટલા કેસો આવ્યા તે બધા મંદ હતા, તેમાંના કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર પડી નથી. તેમ છતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દુનિયાના દેશોને જે રીતે ડરાવી રહ્યું છે તે જોતાં તેના બદઇરાદાની ગંધ આવ્યા વિના રહેતી નથી. એક બાજુ ઓમિક્રોન વેરિયન્ટનો ભય મીડિયા દ્વારા ફેલાવાઈ રહ્યો છે તો બીજી બાજુ વેક્સિન બનાવતી કંપનીઓ નવા વેરિયન્ટની વેક્સિન બનાવવા સજ્જ થઈ રહી છે. તેમને તો ઓમિક્રોનમાં અબજો ડોલરનો નફો રળવાની તક દેખાય છે.

કોઈ પણ વાયરસથી ત્યારે જ ભય પામવાનું હોય, જ્યારે તે ચેપી હોય અને ઘાતક પણ હોય. જે વાયરસ ઘાતક હોય છે તે ચેપી નથી હોતા; માટે ઝડપથી ફેલાતા નથી હોતા. દાખલા તરીકે ઇબોલા વાયરસ અત્યંત ઘાતક હતો. તેમાં મરણદર ૫૦ થી ૬૦ ટકા જેટલો હતો, પણ તે આફ્રિકાના થોડા ભાગને બાદ કરતાં વિશ્વમાં ક્યાંય ફેલાઈ શક્યો નહોતો. તેથી વિરુદ્ધ કોરોના વાયરસ અત્યંત ચેપી હતો, માટે તે દુનિયામાં ઝડપથી ફેલાઈ ગયો હતો, પણ તે ઘાતક નહોતો. તેનો મરણદર ૦.૦૧ ટકાથી પણ ઓછો હતો. કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ જો વધુ ચેપી હશે તો તે સાર્સ કોવી-૨ કરતાં પણ ઓછો ઘાતક હશે; માટે તેનાથી ડરવાની જરૂર નથી. એમ તો શરદીનો વાયરસ બહુ ચેપી છે, પણ તે જરાય ઘાતક ન હોવાથી આપણે શરદી થાય ત્યારે જરાય રઘવાયા બનતા નથી.

ઓમિક્રોન વેરિયન્ટ બાબતમાં નિષ્ણાતો દ્વારા જ પરસ્પર વિરોધી વાતો પ્રચારમાં મૂકવામાં આવી રહી છે, જેને કારણે સામાન્ય માણસની મતિ મૂંઝાઈ જાય છે. ઓમિક્રોન વેરિયન્ટ શોધાયો ત્યારે કેટલાક નિષ્ણાતો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે તે ખતરનાક છે, કારણ કે તેના પર વેક્સિનની કોઈ અસર થતી નથી. જો ઓમિક્રોન વેરિયન્ટ પર વેક્સિનની કોઈ અસર થતી ન હોય તો હાલ દુનિયાભરમાં ચાલી રહેલી વેક્સિનની ઝુંબેશ અટકાવી દેવી પડે અને કોઈ નવી વેક્સિન આવે તેની રાહ જોવી પડે. તેમ થાય તો અત્યારે જે વેક્સિનનો સ્ટોક કરવામાં આવ્યો છે તેને પણ દરિયામાં પધરાવી દેવો પડે. આ વાતનો ખ્યાલ આવતાં તરત જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યું કે નવા વેરિયન્ટ પર પણ હાલની વેક્સિન કામ કરે છે. જો નવા વેરિયન્ટ પર હાલની વેક્સિન કામ કરતી હોય તો તેનાથી ગભરાવાની શું જરૂર છે? પણ તેવો સવાલ કોઈના મગજમાં આવતો નથી.

સાર્સ કોવી-૨ વાયરસની શોધ થઈ તે પછી તેના કુલ ૧૨ વેરિયન્ટ જોવામાં આવ્યા છે. તેમાંના  ચારને જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વાયરસ ઓફ કન્સર્ન (ચિંતાજનક વાયરસ) નો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ ચાર પૈકી ત્રણ આલ્ફા, બિટા અને ગામા તો અત્યંત નબળા નીકળ્યા હતા. ચોથો ડેલ્ટા વેરિયન્ટ થોડો મજબૂત નીકળ્યો હતો. આ ચારેય વેરિયન્ટ ધ્યાનમાં આવ્યા ત્યારે જેટલો શોરબકોર નહોતો મચાવવામાં આવ્યો તેટલો શોર ઓમિક્રોન બાબતમાં કેમ મચાવાઈ રહ્યો છે. વિજ્ઞાનીઓ કહે છે કે ઓમિક્રોન કેટલો ઘાતક છે, તેનું સંશોધન કરવાનું બાકી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જ કહે છે કે ઓમિક્રોન બાબતમાં વધુ વિગતો આવવાની બાકી છે. જે વાયરસ બાબતમાં હજુ વિગતો આવવાની બાકી છે, તેનો ભય શા માટે ફેલાવવામાં આવી રહ્યો છે?

ઓમિક્રોન વાયરસ માટે કહેવામાં આવે છે કે તે દક્ષિણ આફ્રિકા ઉપરાંત કેનેડા, જર્મની, બ્રિટન, ઇઝરાયલ, ડેન્માર્ક, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, બેલ્જિયમ વગેરે દેશોમાં પણ ફેલાઈ ગયો છે. હવે સવાલ એ થાય છે કે કોરોના વાયરસ આવ્યો ત્યારથી આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કર્યા સિવાય અને વેક્સિન સર્ટિફિકેટ સિવાય કોઈને આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાની છૂટ આપવામાં આવતી નથી. જો તેમ છતાં પણ ઓમિક્રોન ફેલાઈ ગયો હોય તો વેક્સિનનો કોઈ મતલબ રહેતો નથી. વળી જે વાયરસ યુરોપ અને અમેરિકાના દેશોમાં પણ ફેલાઈ ગયો છે, તેને માત્ર આફ્રિકા પર પ્રતિબંધો લાદવાથી ખાળી શકાવાનો નથી. જો પ્રતિબંધો મૂકવા હોય તો જેટલા દેશોમાં વાયરસ ફેલાયો છે તે બધા દેશોમાં મૂકવા જોઈએ. શા માટે આફ્રિકાના દેશોને જ ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે?

કોઈ પણ વાયરસ જ્યારે માનવશરીરમાં પ્રવેશ કરે છે ત્યારે શરીરની ઇમ્યુન સિસ્ટમની સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તે પોતાનું રૂપ બદલે છે, જેને મ્યુટેશન કહેવામાં આવે છે. જો કોઈ મનુષ્યને વેક્સિન આપવામાં આવી હોય તો તેના શરીરમાં વાયરસનો નાશ કરવાની એન્ટિબોડી તૈયાર થઈ ગઈ હોય છે. શરૂઆતમાં તેને કારણે વાયરસ મરી જાય છે, પણ ટૂંક સમયમાં તે જીવંત રહેવા માટે પોતાના જિનેટિક કોડમાં ફેરફાર કરે છે, જેને કારણે વેક્સિન દ્વારા પેદા થયેલી એન્ટિબોડી તેને નુકસાન પહોંચાડી શકતી નથી. આ વાયરસ જ્યારે વેક્સિન લેનારા મનુષ્યના શરીરની બહાર નીકળે છે ત્યારે તેનું સ્વરૂપ બદલાઈ ગયું હોય છે, જેને વેરિયન્ટ કહેવામાં આવે છે. ફ્રાન્સના વિજ્ઞાની લુક મોન્ટેઇનરે ચેતવણી આપી હતી કે તમે જો દુનિયાના તમામ લોકોને વેક્સિન આપી દેશો તો વાયરસના અનેક વેરિયન્ટ પેદા થયા વિના રહેશે નહીં. અત્યારે સાર્સ કોવી-૨ ના જેટલા પણ વેરિયન્ટ જોવા મળે છે તે તમામ યુનિવર્સલ વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કર્યા પછી જોવામાં આવ્યા છે.

જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના સામે લડવા માટે વેક્સિનેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી ત્યારે પણ નિષ્ણાતો દ્વારા સવાલો પૂછવામાં આવ્યા હતા કે જો ભવિષ્યમાં કોરોના વાયરસનું મ્યુટેશન થશે તો તમારી વેક્સિન કામ લાગશે ખરી? જો ભવિષ્યના વેરિયન્ટ સામે વેક્સિન કામ ન લાગવાની હોય તો દુનિયાના કરોડો લોકોને વેક્સિન આપીને શું ફાયદો? તેના જવાબમાં વેક્સિન બનાવતી કંપનીઓ દ્વારા હૈયાધારણ આપવામાં આવી હતી કે તેમની વેક્સિન નવા વેરિયન્ટ સામે પણ સંરક્ષણ આપશે. હવે ભારતના બહુમતી લોકોએ વેક્સિન લઈ લીધી છે ત્યારે તેઓ કહે છે કે જૂની વેક્સિન નવા વેરિયન્ટ સામે કામ આપશે નહીં. તે માટે તો નવી વેક્સિન લેવી પડશે. કેટલીક કંપનીઓ દ્વારા તો નવી વેક્સિન બનાવવાની પ્રક્રિયા ચાલુ પણ કરી દેવામાં આવી છે.

જ્યારે કોરોના વેક્સિનની ઝુંબેશ શરૂ કરવામાં આવી ત્યારે આપણને કહેવામાં આવતું હતું કે વેક્સિનના બે ડોઝ લેવાથી વાયરસ સામે જિંદગીભર સંરક્ષણ મળી રહેશે. ગભરાયેલા લોકોએ સરકારની વાત માનીને બે ડોઝ લઈ લીધા હતા. હવે આપણને કહેવામાં આવી રહ્યું છે કે વેક્સિન દ્વારા પેદા થયેલી ઇમ્યુનિટી સમય જતાં નબળી પડતી જાય છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે તે ૬ મહિના ચાલે છે; તો કેટલાક ૧૨ મહિનાનો સમય આપે છે. કોઈ નિષ્ણાત એક વર્ષ કરતાં વધુ સમય આપતા નથી. તેનો અર્થ એવો થયો કે ભારતની ૧૩૦ કરોડની જનતાને સરકાર દર વર્ષે મફતમાં વેક્સિન આપ્યા કરશે. જો વચ્ચે નવો વેરિયન્ટ આવી જાય તો વધારાનો ડોઝ લેવો પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top