વર્ષ ૨૦૨૦ના શરૂઆતના મહિનાઓથી શરૂ થયેલો કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો ખાસ્સો તરખાટ મચાવ્યા બાદ ધીમો પડી રહેલો જણાતો હતો અને ભારત સહિતના દુનિયાના અનેક દેશોમાં સ્થિતિ કંઇક થાળે પડી રહેલી જણાતી હતી ત્યાં તો દક્ષિણ આફ્રિકન દેશોમાં કોવિડનો એક નવો જ વેરિઅન્ટ દેખાયો છે અને તેના કારણે વિશ્વભરમાં ગભરાટ ફેલાઇ ગયો છે અને માંડ આંતરરાષ્ટ્રીય પ્રવાસો ફરી શરૂ થઇ રહ્યા હતા, ત્યાં હવે ફરીથી પ્રવાસ નિયંત્રણોનો દોર ફરી એકવાર શરૂ થઇ ગયો છે. સૌપ્રથમ દક્ષિણ આફ્રિકન દેશ બોત્સવાનામાં દેખાયેલો કોવિડનો નવો વેરિઅન્ટ, જેને હુએ વેરિઅન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો છે અને ઓમિક્રોન નામ આપ્યું છે તે વિશ્વના અનેક દેશોમાં પહોંચી ચુક્યો છે એવો ભય હવે સેવવામાં આવી રહ્યો છે.
આફ્રિકાની બહાર ઇઝરાયેલ અને બેલ્જિયમમાં તો આ વાયરસના કેસ નિકળ્યા જ છે પણ નેધરલેન્ડમાં પણ સાઉથ આફ્રિકાથી આવેલા લોકોમાંથી ૬૧ જણા કોવિડ પોઝિટિવ જણાયા અને તેમને આ નવા વાયરસનો જ ચેપ હોવાનો ભય સાથે શનિવારે તો દુનિયાભરમાં ગભરાટ ફેલાઇ ગયો. યુકેમાં બે કોવિડ-૧૯ના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી ચેપગ્રસ્ત બે લોકો મળી આવ્યા છે એમ યુકે સરકારે જાહેર કર્યું છ જ્યારે તેણે વધુ ચાર આફ્રિકન દેશોને તેના મુસાફરીના રેડ લિસ્ટમાં મૂક્યા.આ નવો વેરિઅન્ટ છેલ્લા કેટલાક દિવસમાં અનેક દેશો સુધી પહોંચી ગયો છે એમાં ઇઝરાયલ, હૉંગકૉંગ, બેલ્જિયમ, જર્મની, ચેક અને બ્રિટનનો સમાવેશ થાય છે.
આ નવા વેરિઅન્ટનો ફેલાવો રોકવા માટે દુનિયાભરના દેશો રઘવાયા બની ગયા છે. નવો વેરિઅન્ટ રસીઓને નિષ્ફળ બનાવી શકે છે તે પ્રકારના અહેવાલો સાથે દુનિયાભરમાં ગભરાટ ફેલાઇ ગયો અને શુક્રવારે તો દુનિયાભરના શેરબજારો ગગડી ગયા. ભારતીય શેરબજારો પણ સાત મહિનાના તળિયે પહોંચી ગયા. આ નવા વેરિઅન્ટના ઉદભવસ્થાન સમા દક્ષિણ આફ્રિકન પ્રદેશના દેશો સાથેની ફ્લાઇટો પર શુક્વારે યુરોપિયન યુનિયનના અનેક દેશોએ પ્રતિબંધ મૂકી દીધો, યુકેએ પણ પ્રતિબંધ મૂકી દીધો.
યુકે સરકારે જણાવ્યું છે કે રવિવારે વહેલી સવારના ૪ વાગ્યાથી વધુ ચાર આફ્રિકન દેશોને પ્રવાસ પ્રતિબંધ માટેના રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે જે દેશો અંગોલા, મોઝામ્બિક, મલાવી અને ઝામ્બિયા છે. અમે એ બાબતે ઘણા સ્પષ્ટ છીએ કે જો જરૂર પડશે તો વધુ પગલા ભરતા અમે અચકાઇશું નહીં એમ યુકેના આરોગ્ય મંત્રીએ જણાવ્યું. આ ખરેખર એ વાત યાદ અપાવનાર છે કે આ રોગચાળો પુરો થયો નથી. જે બધાએ કરવાનું છે તે એ છે કે જેઓ પાત્રતા ધરાવતા હોય તે બધા લોકો મહેરબાની કરીને રસી લઇ લે, પછી તે તમારો પ્રથમ ડોઝ હોય, બીજો ડોઝ કે બુસ્ટર ડોઝ હોય એમ તેમણે કહ્યું હતું.
સમજી શકાય છે કે આ વેરિઅન્ટ રસીઓને ૪૦ ટકા જેટલી નિષ્ફળ બનાવી શકે છે તેવી વાતો વચ્ચે વિશ્વના દેશોના નેતાઓ રસીકરણ વધારવા પર હજી પણ ભાર મૂકી રહ્યા છે. યુરોપિયન યુનિયન અને યુકે પછી શનિવારે અમેરિકા ઉપરાંત બીજા અનેક દેશોએ દક્ષિણ આફ્રિકન દેશો સાથેની ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકી દીધો. આ પ્રતિબંધ મૂકનારા દેશોની યાદી હજી લાંબી થતી જઇ રહી છે. દુનિયામાં માંડ બધુ થાળે પડી રહ્યું હતું અને પ્રવાસ નિયંત્રણો હળવા થઇ રહ્યા હતા, ત્યાં આ ઓમિક્રોન વેરિઅન્ટ આવી પહોંચ્યો અને બધી બાજી બગાડી નાખી.
બીજી બાજુ હવે રસીઓને અપડેટ કરવાની વાતો શરૂ થઇ ગઇ છે. હાલમાં તો નવો ઓમિક્રોન વેરિઅન્ટ રસીઓને નિષ્ફળ બનાવી રહ્યો હોવાના ભય વચ્ચે ઓક્સફર્ડના એક વૈજ્ઞાનિક સર એન્ડ્રુ પોલાર્ડે આજે સાવધાની ભર્યો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે હાલમાં અસ્ટ્રાઝેનેકાની જે રસી છે તે આ વેરિઅન્ટ સામે પુરી અસરકારક નહીં હોય તો પણ તે આ વેરિઅન્ટથી થનાર સંભવિત ગંભીર રોગ અટકાવી શકે છે. તો બીજી બાજુ એસ્ટ્રાઝેનેકા, બાયોએનટેક જેવા રસી ઉત્પાદકો કામે લાગી ગયા છે અને આ વેરિઅન્ટ સામે પોતાની રસીઓની અસરકારકતા ચકાસી રહ્યા છે.
અને કદાચ નવી અપડેટેડ રસીઓ મૂકવામાં આવે પણ ખરી? અત્યાર સુધી રસીના પૂરા ડોઝ મૂકાવી ચુકેલા લોકોએ આ નવી અપડેટેડ રસીઓ મૂકાવવી પડશે એવા પ્રશ્નો પણ શરૂ થઇ ગયા છે. લોકોની અકળામણ પણ વધી રહી છે. હવે આ નવો વેરિઅન્ટ કેવું સ્વરૂપ ધારણ કરે છે તેના પર હવે આવતા વર્ષના ચિત્રનો બધો આધાર છે. ૨૦૨૦ના વર્ષની કરૂણતાઓ પછી ૨૦૨૧નું વર્ષ કેટલાક અપવાદો બાદ કરતા કોરોનાવાયરસના રોગચાળાની બાબતમાં એકંદરે સારુ રહ્યું હતું, પણ હવે જો ઓમિક્રોન વેરિઅન્ટ રોગચાળાને વકરાવશે તો ૨૦૨૨નું વર્ષ કઠણ રહી શકે છે.