તા. 22-1-26ના ગુરુવારના શુભ દિવસે મહા સુદ ચોથને રોજ આપણા શહેરમાં ઠેરઠેર પ્રત્યેક ગણેશ મંદિરમાં શ્રીગણેશ ભક્તોએ ગણપતિની સાલગીરીહ ભાવપૂર્વક ધામધૂમથી ઉમંગ ઉત્સાહથી રંગેચંગે ઉજવણી કરી. ગોપીપુરાની ચાંલ્લા ગલીમાં પણ એની ઉજવણી કરવામાં ભક્તોએ કોઈ કસર બાકી રાખી નથી. પાંચ માળની વિશાળ કદની ભવ્ય કેક કાપવામાં આવી ત્યારે ભક્તો ગદગદ થઈ ગયા. સાંકડી ગલીમાં મંદિર આવેલું હોવા છતાં બધાં ભક્તોએ ધૈર્ય ધારણ કરી લાઈનમાં ઊભા રહીને ગણેશજીનાં દર્શન કર્યાં.
આ શુભ પ્રસંગે બધાં ભક્તોને કેકની પ્રસાદી આપવામાં આવી. આવનારાં ભક્તો 21 મંગળવાર ભરવાની ટેક લે છે. 21ના અંતિમ મંગળવારે 21 હળદરના ગાંઠિયાનો હાર ચઢાવીને એમનાં ધારેલાં કામ પાર પડી જાય છે. પછી શ્રીગણેશને નમન કરી, વંદન કરી, ભેટ મૂકીને પ્રસાદ વહેંચે છે. ભક્તોને જાણે કોઈ ચમત્કાર થયો એવી ખુશી થાય છે. એવું કહેવાય છે કે અહીં ભક્તોનાં ધારેલાં કામ સમય પહેલાં સફળ થઈ જાય છે. વર્ષોથી એક ધર્મિષ્ઠ-વડીલ ચૌટા બજારના વ્યાપારી આ મંદિરમાં તન-મન-ધનથી ગુપ્ત રીતે સેવા આપે છે. આ મંદિર પ્રતિ એમની શ્રદ્ધા અને વિશ્વાસ અપરંપાર છે. યુવકો અને યુવતીઓ કર્મક્ષેત્રમાં જતાં પહેલાં આ મંદિરના ગણપતિદાદાનાં દર્શન કરવાનું ભૂલતાં નથી. આજના દિવસે કેટલાંક પરમ ભક્તો પોતાના ઘર આંગણે શ્રીગણેશની સ્થાપના કરી ધન્યતાનો અનુભવ કરે છે.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.