Business

કંકાસી લાગણીનું સંતાન એટલે અપરાધ…!

‘અપરાધ’શબ્દ પડે એટલે આંખ ચકળવકળ થાય. નેપાળી જેવી આંખ હોય તો ‘હાઈબ્રીડ’ બની જાય. અપરાધ બીજું કંઈ નહિ, કંકાસી લાગણીનું પ્રોડક્શન..! એ ખરાબ સોબત-ગરીબી-બેરોજગારી કે અનુચિત ઉછેર વગેરે કારણોની જનેતા પણ છે. કુંઠિત લાગણીઓનું સીધી લીટીનું સંતાન એટલે અપરાધ..! મગજના ઝાંપલામાં જ્યારે નહિ ગમતું ઘુસણખોરી કરે ત્યારે અપરાધ ફાલે. કારણો તો કોઈપણ હોય. જીવતરની સ્વચ્છંદતામાં જ્યારે સુનામી આવે ત્યારે, નામીને પણ ‘બદનામી’નો થપ્પો લાગે..! જેમ અચાનક પ્રેમ થઇ જાય, એમ અપરાધ પણ થઇ જાય..!

હાથમાં છે શંકાનો નકશો જવું છે શ્રધ્ધા સુધી
પગમાં લંકા ખદબદે ને જવું છે અવધ સુધી
મકાન ઉપર ભલે ‘શ્રીરામ -નિવાસ’ લખ્યું હોય, પણ અંદર રાવણ પણ રહેતો હોય..! જીવનનું આ હાસ્યાસ્પદ સત્ય છે..! અપરાધ એ ઈશ્વરની બક્ષિસ નથી, માનવસર્જીત ઉપાધિ છે. એ જ્યારે આવે ત્યારે, ફક્કડ બાવા ગિરધારી બનીને આવતો નથી. પરિવાર સાથે આવે. એના પણ પ્રકાર હોય. કેટલાંક વારસામાં આવે, કેટલાંક જાતે ઉપાર્જિત કરેલાં હોય..! જેમાં કોઈ ભાવનાત્મક હોય, કોઈ ગુસ્સાનો હોય, કોઈ મનસ્વિતાનો હોય, તો કોઈ મફતનું પચાવી પાડવાની લાલસામાં લપટાયેલો હોય..! વાણીમાં વક્રતા આવે ત્યારે પણ અપરાધભાવ ઊભો થાય. સરકારી નળ ઉપરથી પાણી ભરતી પનિહારીનાં વલણથી પણ અપરાધ આવે, મિજાજની લગામ તૂટે ત્યારે પણ આવે.

ફરક એટલો કે, જેમ બધા જ સાપ ઝેરીલા હોતા નથી, એમ બધા જ અપરાધ ઝેરીલા પણ હોતા નથી. આયનો સાફ ના હોય અને પોતાનું જ સ્વરૂપ કદરૂપું દેખાય ત્યારે પણ અપરાધ ભાવ જાગે. જે નિર્ડંખ હોવા છતાં, ચહેરાનો તાવો બદલી નાંખે..! એમાં ખુન્નસ નહિ ચઢે, પણ અભિમાન-ભંગ થાય. અપરાધે-અપરાધે ટેસ્ટ અલગ હોય મામૂ..! બધા જ અપરાધના ‘ટેસ્ટ’ સરખા હોતા નથી. કોઈ અપરાધ સાદા ઢોસા જેવો હોય, તો કોઈ મસાલા ઢોસા જેવો પણ હોય..! જેને દિવાળીમાં હોળી દેખાય, ને હોળીમાં દિવાળી દેખાય તો માનવું કે, બંદાને અપરાધનો વેધ ભરાયેલો છે.

અપરાધ એ અપરાધ છે..! માખણના બાઉલમાંથી વંદો નીકળે, તો માખણની ગરિમા ઠેકાણે પાડી દે, એમ અપરાધનું કામ, સફેદ કપડા ઉપર લાગેલા ડામરના દાઢ જેવું છે .! એ વખતે અમૃત ચોઘડિયાએ પાટલી બદલીને કાળ ચોઘડિયાને ખોળે લીધો હોય એવી અનુભૂતિ થાય. માસ્ટર માઈન્ડ ગુનેગારોની છબી સામી આવવા માંડે. પોલીસ ચોકીનો સિનારિયો દેખાવા માંડે..! મુદ્દાની વાત એ છે કે, જે ઘરમાં વડીલોની સલાહ લેવાતી નથી, ત્યાં વકીલોની અવરજવર શરૂ થઇ જાય. અપરાધની એ ફલશ્રુતિ છે. જેમનું જીવન બગસરાના ચળકાટવાળા દાગીના જેવું છે, ત્યાં અપરાધો માળા જલ્દી બાંધવા માંડે. મારે ઊંચા ગજાના અપરાધની વાત કરવી નથી. પણ ટાળી શકાય તેવા, રોજિંદા અપરાધની કથા કરવી છે..!

મારે એ કથન સામે સહેજ પણ વાંધો ચકો નથી કે, ‘દયા ધરમકા મૂલ હૈ..!’ પણ દરેક વખતે દયા ધરમકા મૂલ હૈ, કહેવું પણ સાલું ઉતાવળું લાગે. કારણ કે દયા ખાવામાં જ મને એક દુર્ઘટના નડેલી. ચમન-ચલ્લીને તો તમે ઓળખો..! મારો પાક્કો હિતક્ષત્રુ..! મારું હિત પણ ઠઠારે ને, દુશ્મની આપે તે બોનસ..! એના શરીરનો બાંધો એકવડો ..! જેને હચમચાવવા માટે વંટોળના વોલ્ટેજની જરૂર નહિ. પવનની લહેરખી પણ ડોલાવી નાંખે..! એવો સુકલકડી..! એના કપાળમાં કાંદા ફોડું, મને શું કુબુદ્ધિ સુઝી કે, એને સાચી સલાહ આપવાનો મેં અપરાધ કરી નાંખ્યો. એમાં હું છોલાઈ ગયો. મારાથી એટલું જ કહેવાઈ ગયું કે, ‘અલ્યા, કંઈક ખાવાનું કર..! દિવસે દિવસે તું તો સુકાયને ચપટી પાપડી જેવો થઇ ચાલ્યો..? તબિયત સુધારવા માટે, મેં એને પાંચ લાખ આપ્યા, ને પચ્ચીસ વર્ષથી એ પાંચ લાખ ખાઈને બેઠો છે બોલ્લો..! એ તો તગડો થઇ ગયો, એમાં હું ખેંખડી બની ગયો..! કોઈને સલાહ આપવી પણ અપરાધ છે મામૂ..!

અપરાધ પણ ચેપી રોગ જેવો છે. પૈસા ખાવાની એક વાર આદત પડી જાય પછી, માણસ આદતને પાળતો નથી, આદત જ માણસને પાળે પણ છે, ને પાડી પણ દે છે. .! લોકોનું ખાવાની ટેવ એવી પડી ગઈ કે, ચમનીયો હવે મોંઘીદાટ ગાડીમાં ફરે છે, ને હું ફટફટીયુંમાં બેસીને કિલોમીટર કાપું છું બોલ્લો..! એક પણ ઘર એવું ના હોય કે, જેના પગ-લુછણિયા ઉપર ચમન-ચલ્લીના ચરણ ના ઘસાયા હોય..! સવાર પડે એટલે કોઈના પણ ઘરમાં ‘અલખ નિરંજન’ બોલીને હાજર થઇ જાય..! મીઠાબોલો માનવી એવો કે, છેલ્લે ચાહ-પાણી નહિ કઢાવે, ત્યાં સુધી ગૃહત્યાગ નહિ કરે..!

ને ફેંકવામાં તો એવો ફેંકુ કે ભર દિવસે પણ આકાશમાં તારા બતાવે..! ભલા ભૂપને પણ રવાડે ચઢાવી દે..! આ તો એક વાત કે, જ્યારથી સોનાના ભાવે મર્યાદાભંગ કર્યો છે ત્યારથી, એને વધારે ફાવટ આવી ગઈ..! સૌની આગળ ‘રાવણ-ચાલીસા’કરતા કહે કે, ‘રાવણ અમારા પૂર્વજ હતા. અમારા પૂર્વજો પાસે સોનાની નગરી હતી. અને હું એમનો ૨૨૩૯ મી પેઢીનું ફરજંદ છું. એ બધા રાક્ષસ હતા, હું હવે સાક્ષર છું..! એના કપાળમાં કાંદા ફોડું, એક પણ કોર્નરથી રાવણનો વંશજ લાગતો નહિ હોવા છતાં, બુલેટ ટ્રેનની માફક એવી ફેંકે, કે ક્યારેક તો મિત્રને નાતે મારે પછી ખંખેરવો પડે કે, ‘ઓછી નાંખ બૂચાઆઆ ઓછી નાંખ..!

થોડુંક તો માપમાં રાખ..! તારે વાળ ઓળવા કાંસકાનાં ફાંફાં, ને મોટી મોટી શું ફેંકે..? આ બધા શ્રીરામના વંશજ છે. એમનામાં જો શ્રી રામ ઊભો થયો ને તો રાવણની જેમ તારી પણ પથારી ફેરવી નાંખશે. દશેરા સુધી પણ રાહ નહિ જુએ..! ખાંડણી બહુત બૂરી ચીજ હૈ..! હવે તમે જ કહો, આવા બરમૂડા મળે ત્યારે, અપરાધને તેડાં કરવાં પડે..? તમે ભલે મોટા ‘ડીચ’ હોય, પણ સંપૂર્ણ ‘બોખો’ હોય, એને તમે એક ઇંચ પણ વધારે બોખો કરી શકતા નથી..! એ આપણી નબળાઈ છે દાદૂ..! શું કહો છો રતનજી…? ખમીર તો રણે ચઢેલા યોધ્ધાઓનું કહેવાતું. આજે તો પાળિયા પૂજીને જ સંતોષ માનવો પડે, એના જેવું છે..! મૃત્યુ વગરનું ઘર નહિ મળે એમ, અપરાધ વગરનું પણ કોઈ ઘર નહિ મળે..!

ભૂલમાં પણ કોઈને કોઈ અપરાધ તો થયો જ હોય..! કૂતરાને કારણ વગર હઅઅઅડ કરવું ,મચ્છરને મસળી નાંખવું કે, વાઈફ આગળ હથેળીમાં ચાંદ બતાવવો ,એ પણ અપરાધ જ કહેવાય, પણ મુલાયમ..! અપરાધના પ્રકાર હોય મામૂ..! કોઈ અપરાધ ‘નોન-વેજીટેરીયન’ હોય તો કોઈ ‘વેજીટેરીયન’ પણ હોય. આજકાલ તો અપરાધીઓના પણ વરઘોડા એવા નીકળે કે, જેની આગળ વરરાજાના વરઘોડા પણ ફિક્કા લાગે..! મને એક ગીત યાદ આવે છે…
બસ યહી અપરાધ મેં હર બાર કરતા હૂં
આદમી હું મૈં આદમીસે પ્યાર કરતા હૂં
આ ગીત સાંભળીએ, ત્યારે તો એમ જ લાગે કે, ડોનાલ્ડ ટ્રમ્પસાહેબ ઘરે આવીને અમેરિકન પીઝા પણ ખવડાવી ગયા અને, અમેરિકાના વિઝા પણ આપી ગયા .! આવાં અર્થસભર ગીતો હોવાને કારણે જ જુનાં ગીતો ક્યારેય ઘરડાં થતાં નથી. જુના ભાડૂતની માફક, મગજના માળા ખાલી કરે એ બીજા..! ભેજામાં એવાં ચોંટી જાય કે, બુલડોઝરથી પણ નહિ ફીટે..! હજી આજે પણ હોઠ ઉપર હીંચકા ખાય છે..! આ પણ એક ગમતો મધુરો અપરાધ જ છે..!

લાસ્ટ બોલ
એક કાર્યક્રમ માટે મારે મુંબઈ જવાનું થયું. એક ભાઈને ત્યાં ઊતર્યો, એમણે તો ખૂબ આગતાસ્વાગતા કરી. મેં એમને પૂછ્યું કે, તમારે બાળકો નથી..?
આટલું પૂછ્યું એટલે એમણે ફ્રીઝમાંથી એક બાળક કાઢ્યું..! મેં કહ્યું કેમ ફ્રીઝમાં રાખો છો..?
મને કહે, ‘ આજકાલ અપરાધનો ગ્રાફ એટલો ઉંચો જાય છે કે, મારું બાળક બગડે નહિ એટલે હું એને ફ્રીઝમાં જ રાખું છું..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top