પહેલાંનો રાવણ વિદ્વાન હતો, શિવભક્ત હતો. પરંતુ એનામાં એક જ અપલક્ષણ હતું, તે ખૂબ અભિમાની હતો. આજે જે રાવણો છે તેનામાં ઘણા દુર્ગુણો છે. તે નાની બાળાનું પણ અપહરણ કરે અને તેના પર બળાત્કાર કરી તેને પીંખી નાંખે છે અને ખૂન પણ કરી નાંખે છે. આજના રાવણો લૂંટફાટ કરે છે, બીજાનું મફતમાં પડાવી લે છે, વૃદ્ધોને, અશક્તોને, સ્ત્રીઓને રંજાડે, તેના પર જુલ્મ કરે છે અને પોતાની બહાદુરી બતાવે છે. તા. 10-10-22ના ‘ગુજરાતમિત્ર’માં પાના નં.3 ઉપર એક સમાચાર છે જયપુરમાં ચાંદીનાં કડાં લૂંટવા 108 વર્ષની વૃદ્ધાના પગ કાપી નાંખ્યા. કલાક સુધી બાથરૂમમાં કણસતી રહી. પરિવાર ઊંઘતો રહ્યો અને નરાધમો આ અતિ હિચકારું કૃત્ય કરી ભાગી ગયા’’ તો શું આને રાવણ ન કહેવાય?
તાજેતરમાં ધનવાન થવા માટે કેરળમાં બે મહિલાઓનો તાંત્રિક વિધિ કરવા માટે માનવ બલિ ચઢાવવામાં આવ્યો હોવાની ઘટના બની છે. તાલાલામાં ધાવાગીરમાં અભ્યાસ અર્થે ગયેલી સુરતની દીકરી ધૈર્યાની પિતાએ જ અંધશ્રધ્ધામાં બલિ ચઢાવ્યો, જે કમકમાટી ઉપજાવે તેવા છે. એ ધૈર્યા 14 વર્ષની ઉંમરની જેના પર ખૂબ જુલમ કર્યો, ભૂખી તરસી રાખી અને એનું મૃત્યુ થયું. શું આવી વ્યક્તિઓને રાક્ષસ-રાવણ ન કહી શકાય? એવી ઘટના ખૂબ વધી રહી છે એ ખૂબ ચિંતાનો વિષય છે.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો
હાલમાં જ દેશના પ્રધાન સેવક વડા પ્રધાન મોદીએ દેશની પ્રજાને સંદેશ જોગ દીપાવલી પર્વ નિમિત્તે દેશની જનતાને જાહેર અપીલ કરી છે કે આ દિવાળીએ કે અન્ય કોઇ પણ તહેવારોમાં સ્વદેશી વસ્તુઓની ખરીદી કરો અને અન્યને તે ખરીદવા સમજાવો. તેના પરોક્ષ પરિણામ સ્વરૂપે દેશનું ચલણ દેશમાં ફરશે અને રહેશે અને દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે. માટે દેશના વિકાસની ગતિમાં તેજી લાવવા માટે દેશની પ્રજાએ દેશના હિતનો વિચાર કરી સ્વદેશી વસ્તુઓ જ ખરીદવાનો નિશ્ચય કરવો જોઇએ, જે દેશ પ્રત્યેની સાચી દેશભકિત છે.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.