Madhya Gujarat

આણંદમાં પશુધનની સંખ્યા વધીને 7.78 લાખ પર પહોંચી

આણંદ : આણંદમાં ખેતી બાદ પશુપાલન મુખ્ય વ્યવસાય છે, તેમાંય કોરોના બાદ યુવાનો દૂધના વ્યવસાય તરફ મળ્યાં છે. જેના કારણે જિલ્લામાં પશુ ધનની સંખ્યા વધી છે. પશુ પાલન વિભાગ દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલી ગણતરીમાં છેલ્લા પાંચ વર્ષમાં પશુઓની સંખ્યામાં ધરખમ વધારો છે. પાંચ વરસ પહેલા 6.96 લાખની વસતી સામે 7.78 લાખ પશુ નોંધાયાં છે. જોકે, આ વધારા પાછળ અમુલ ડેરીનો પણ સિંહ ફાળો રહેલો છે. આણંદ જિલ્લામાં માનવ ગણતરીની જેમ દર પાંચ વર્ષે પશુધનની ગણતરી કરવામાં આવે છે. જેના અતર્ગત જિલ્લામાં 20મી પશુધનની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા 5 વર્ષમાં પશુધનમાં 12 ટકાનો વધારો નોધાયો હતો.

ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડી અને પશુપાલન મુખ્ય આજીવિકા છે. તેમાંય અમુલના કેન્દ્ર સમા આણંદ જિલ્લામાં દુધમાંથી સીધી આવક થવાના કારણે પશુપાલનનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ ઉપરાંત સરકાર તરફથી પશુપાલન માટે આપવામાં આવતી વિવિધ તક અને ફાયદાના કારણે દુધાળા પશુની સંખ્યામાં વધારો થયો છે. આણંદ જિલ્લામાં 20મી પશુધન ગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 19મી પશુધનની ગણતરીમાં જિલ્લામાં દુધાળા ઢોર 6.96 લાખ હતા. જે વધીને 20મી ગણતરીમાં 7.78 લાખ નોધાયા છે, આથી છેલ્લા 5 વર્ષમાં પશુમાં 81 હજારનો વધારો એટલે કે 12 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

આ ઉપરાંત જિલ્લામાં 2.50 લાખ જેટલા પરીવાર દુધાળા ઢોરને પાળે છે. જેમાંથી બોરસદ તાલુકામાં સૈથી વધુ 1,55,592 અને તારાપુર તાલુકામાં સૌથી ઓછા 50,241 જેટલા દુધાળા પશુ નોંધાયાં છે. આ ગણતરી કરવા માટે 40થી વધુ ટીમ અને ગ્રામ્યસેવકો જોડાયા હતા. જેમાં ગામમાં રખડતા પશુઓ અને અન્ય પશુ વિશે માહિતી ગામના સરપંચ પાસેથી લઈને ડેટા તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય પ્રાણી જેવા કે ઊંટ, ઘેટાં,  બકરાં વગેરેની ગણતરી પણ હાથ ધરવામાં આવી હતી. જોકે,  વધારામાં સૌથી વધુ આણંદમાં 21 હજારનો તફાવત જોવા મળ્યો છે. બાદમાં બોરસદ, ઉમરેઠ અને ખંભાતનો સમાવેશ થાય છે.

આણંદમાં 100થી વધુ પોલ્ટ્રી ફાર્મમાં 45 લાખ મરઘા નોંધાયાં

પોલ્ટ્રી હબ ગણાતો આણંદ જિલ્લામાં દુધાળા પશુની સાથે સાથે બતક-મરઘાની પણ ગણતરી પણ કરવામાં આવી હતી. જેમાં 100થી વધું મરધાં ઉછેર કેન્દ્રમાં અદાંજે 45 લાખથી વધુ બતક-મરધાની નોધણી થઈ હતી. જેમાં આણંદ તાલુકામાં સૌથી વધુ 39.5 લાખ અને તારાપુરમાં માત્ર 118 જ નોધાયા હતા.

Most Popular

To Top