Gujarat

રાજ્યમાં સિંહની સંખ્યા વધી, ગીરની સીમા છોડી અન્ય વિસ્તારમાં ફેલાયા, મુખ્યમંત્રીએ આંકડા જાહેર કર્યા

રાજ્યમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એટલું જ નહીં એશિયાટિક સિંહો ગીરના જંગલોની સીમા છોડી રાજ્યના અન્ય વિસ્તારોમાં ફેલાયા છે.

રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષ બાદ આજે તા. 21 મી મેના રોજ સિંહની વસતી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ 16મી વખત આંકડા જાહેર કરાયા છે. આંકડા અનુસાર રાજ્યમાં એશિયાટિક સિંહની વસતી 891 છે. સિંહોની વસતી નોંધપાત્ર રીતે ગીરમાં વધી હોવાનું પણ આ સાથે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. છેલ્લે 2020માં થયેલી વસતી ગણતરીમાં રાજ્યમાં સિંહોની સંખ્યા 674 નોંધાઈ હતી. તે અગાઉ 2015માં 519, વર્ષ 2010માં 411 અને 2005માં માત્ર 359 હતી.

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી ગીર અભ્યારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં 16મી સિંહ વસતી ગણતરી પૂરી થઈ ગઈ છે. આ ગણતરીમાં 891 એશિયાટિક સિંહ નોંધાયા છે. આ આંકડા રાજ્યમાં સિંહની સંખ્યા અને તેમના વસવાટ વિસ્તારમાં વૃદ્ધિ દર્શાવે છે. ગણતરીમાં સિંહોનું વર્તન, વસવાટના વિસ્તારો અને આરોગ્ય અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

સિંહોએ ગીરની સીમા પાર કરી
આ રિપોર્ટ દર્શાવે છે કે સિંહોના વસવાટ માટેનો વિસ્તાર વધ્યો છે. સિંહો ગીરની સીમા પાર કરી અન્ય વિસ્તારમાં ફેલાયા છે. આ વિસ્તરણ દર્શાવે છે કે હવે ગીરના પરંપરાગત વિસ્તારમાંથી બહાર નીકળી સિંહ અન્ય નવા વિસ્તારમાં વસવાટ કરતા થયા છે. તેના લીધે માનવ અને વન્ય જીવ વચ્ચેના સંઘર્ષના બનાવોમાં વધારો થવાની દહેશત ઉભી થઈ છે. જોકે, સરકાર અને વન વિભાગ આ સમસ્યાને નિયંત્રિત કરવા વિવિધ પગલાં લઈ રહી છે.

11 જિલ્લામાં ગણતરી કરાઈ
આ વસતી ગણતરી ચાર દિવસ ચાલી હતી. 11 જિલ્લામાં બે તબક્કામાં ગણતરી કરાઈ હતી. જેમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિતના 11 જિલ્લામાં 10થી 13 મે 2025 દરમિયાન વસતી ગણતરી કરાઈ હતી. ધારી ગીર પૂર્વ વન વિભાગ (રિજિયન) દ્વારા હાથ ધરાયેલી વસતી ગણતરીમાં રિજનલ ઓફિસર્સ, ઝોનલ ઓફિસર્સ, ગણતરીકારો, ઓબ્ઝર્વર સહિત 511 સ્વયં સેવકો જોડાયા હતા.

અમરેલીમાં 339, ગીરમાં 222 સિંહ
આ વસતી ગણતરી અનુસાર સૌથી વધુ સિંહ અમરેલીમાં 339 નોંધાયા છે. તે ઉપરાંત ગીર સોમનાથમાં 222, જુનાગઢમાં 191, ભાવનગરમાં 116, પોરબંદરમાં 16, રાજકોટમાં 6 અને દેવભૂમિ દ્વારકામાં 1 સિંહ નોંધાયો છે. જેમાં 82 પુખ્ત વયના સિંહ અને 117 પુખ્ત વયની સિંહણ છે.

Most Popular

To Top