Columns

જગતમાં માનવી અને વિજ્ઞાન બન્નેનો ઉપદ્રવ વધી ગયો છે

જગતની સમસ્યાઓ દિવસે દિવસે વધુ અને વધુ વિકરાળ બની રહી છે. જાગતિક વ્યવસ્થામાં એક નાની  સરખી ખલેલ આખા જગતને ખોરંભે પાડી દે તે હવે બની રહ્યું છે તેનું પ્રમુખ કારણ છે જાગતીકરણ અને વિજ્ઞાનના વિકાસનો લાભ લેવામાં વિવેકબુધ્ધિનો અભાવ. સમસ્યાઓ અગાઉ પણ હતી, યુદ્ધો વારંવાર ખેલાતાં હતાં પણ આટલી હદે વૈશ્વિક અસર અમુક અપવાદો સિવાય જણાઇ ન હતી. આજની તકલીફોએ એવું રૂપ ધારણ કર્યું છે કે માથાના દુખાવાની સારવાર કરે તો પેટ દુખે, પેટની સારવાર કરે તો પગ દુખે, અંગૂઠો પાકે, અંગૂઠાની સારવાર કરે તો આખું શરીર દુખે. ઊંટ કાઢીને બકરું ઘૂસાડે. બકરું કાઢીને ઊંટ. આ કવાયત સતતની બની ગઇ છે.

પ્રમુખ કારણ છે વિજ્ઞાનના આશીર્વાદથી વસતિમાં થયેલો અનહદ વધારો. કોણ જાણે પણ વધુ આર્થિક વિકાસ સાધવા રાજાઓ, રાજપ્રમુખો વસતિ વધારવા માગે છે પણ વિજ્ઞાનીઓ વારંવાર છાતી ઠોકીને કહે છે કે પૃથ્વીમાં હજી 10 અબજ લોકોને સમાવવા અને નિભાવવાની ક્ષમતા છે. ભગવાન કરે જગતમાં કોઇ નેતા પાકે અને આવા વિજ્ઞાનીઓને જેલમાં પૂરી દે. અરે એક નગરમાં વસતિ અનિયંત્રિતપણે વધારો તો દુકાનો, હોટેલો, થિયેટરો, ઉદ્યોગો વગેરે ખીલે પણ નગરમાં કુદરતી (અને કૃત્રિમ પણ) સંસાધનો એટલાં છે કે પૂરાં પડે? નદી, શુદ્ધ હવા, જગ્યાની ભીંસ ઊભી થાય. ઓલરેડી બધે થઇ ગઇ છે.

પશ્ચિમના અને ચીન-ભારત જેવા દેશોમાં જે સ્થિતિ છે તેનાથી સમજદાર પ્રજાની આંખો ખૂલી ગઇ છે પણ ધર્મધુરંધરો, ફલાણા ફલાણાના સ્કોલરો, હાકેમો અને શાસકોની ટૂંકી દૃષ્ટિ ખૂલી ખૂલીને લાંબી ખૂલતી નથી. ખેતરોમાં ઉંદરોનો ઉપદ્રવ વધી જાય ત્યારે ખેતરની શી હાલત થાય તે જોયું છે કોઇએ? પૃથ્વી પર માનવીનો ઉપદ્રવ વધી ગયો છે પરંતુ પૃથ્વી પરના આ સૌથી બુધ્ધિશાળી ગણાતા જાનવરોને બીજી કંઇ બુધ્ધિ સમજાવી શકે? પરંતુ એક દિવસ કુદરતનો ન્યાય જરૂર કામ કરે છે. ઉપદ્રવો અને અનિષ્ટોનો એટલો અતિરેક થવા દે છે કે તેઓ આપોઆપ જ નાશ પામે છે. તેઓને અંદરોઅંદર જ સમાવાની જગ્યા મળતી નથી અને આપસમાં કૂટાઇને ખતમ થઇ જાય.

યુરોપ – અમેરિકામાં ઊર્જાનાં માધ્યમો ખૂબ મોંઘાં થઇ પડયાં છે. શિયાળો આવી રહ્યો છે અને તેઓને માટે મહાકષ્ટદાયક બનવાનો છે. ઘરમાંનું હવામાન ગરમ રાખવું ફરજિયાત છે. અગાઉનાં વરસોમાં લોકો લાકડાં બાળીને ગરમ રહેતા. હવે કાપે તો વિનાશના આરે ઊભેલાં વનો અને વન્યજીવન વધુ ખાડામાં જાય. પરિણામે પૃથ્વી વધુ ગરમ થાય. કુદરતી ગેસ, તેલ, કોલસા વાપરો તો પણ છૂટકો નથી. જથ્થો મર્યાદિત છે અને પર્યાવરણ તો બગડે જ છે. લોકોને ભાવ પરવડતાં નથી. તેઓ ઠંડી સહન કરીને પણ ઘરનાં હીટરો બંધ રાખશે. સરકાર અને વિજ્ઞાનીઓ યુરોપના વાલીઓને સલાહ આપી રહ્યા છે કે હીટરો બંધ રાખશો નહીં, બાળકો અને બુઝુર્ગો બીમાર પડી જશે. જીવ પણ ગુમાવે. હીટર ચાલુ રાખવાના પૈસા નથી અને વાપરે તો પર્યાવરણ બગડે છે. જાયે તો જાયે કહાં?

વિજ્ઞાનનો આડેધડ અનિયંત્રિત વિકાસ, વિજ્ઞાનના સાધનોની વૃધ્ધિ, વસતિની આડેધડ વૃધ્ધિ આજે જગતની પદૂડી કાઢી રહી છે. જગતમાં કામ આસાન કરવાનાં સાધનો વધ્યાં છે છતાં દોડધામ ખૂબ વધી છે. કમાવા માટે વધુ દુ:ખી થવું પડે છે. આજના યુવાનોને આ વાત સમજાઇ રહી છે. તેઓ સમજે છે કે સંસાધનોનો આડેધડ વેડફાટ માતા વસુંધરા સહન કરી શકે તેમ નથી અને કેટલાંક બેજવાબદાર લોકો બેરોકટોક પર્યાવરણનું સ્વાસ્થ્ય અને એ રીતે માનવ જીવનની શાંતિ બગાડી રહ્યાં છે. તેઓએ ગ્રીન સંસ્થાઓ, ગ્રીન રાજકીય પક્ષો, દબાવ ગ્રુપોની રચના કરી છે અને અનેક સ્થળે હાકેમોને જવાબદારીભર્યાં પગલાં લેવાની ફરજ પાડી છે.

જગતના શ્રીમંતો, રાતોરાત અબજોપતિ બની ગયેલા હોલીવૂડના કલાકારો, ગાયકો વગેરે સુરતથી અંકલેશ્વર જેટલે દૂર જવું હોય તો પણ પોતાના વિશાળ ખાનગી જેટ વિમાનોમાં પ્રવાસ કરતા હતા. વળી રોજના હિસાબે જાય. જગતમાં વિમાન ઉડ્ડયનો દ્વારા જે પ્રદૂષણ ફેલાય તેમાં 50%થી વધુ યોગદાન નહીં પણ અયોગદાન આ જગતની 1 %થી ઓછી, પરંતુ સમૃધ્ધ પ્રજાનું રહેતું હતું. હમણાં એક સંસ્થાએ ઓપરાહ વિનફ્રે, કારદાશિયાન વગેરે અનેક લોકોના આડેધડ વેડફાટને ખુલ્લો પાડયો. ફ્રાન્સની સરકારે ખાનગી વિમાનના ઉડ્ડયનોને પ્રતિબંધિત કરતો એક કાનૂન હમણાં પસાર કર્યો અને બીજા દેશોમાં પણ આવી રહ્યો છે.

જગતની મોટરકારો અને વાહનો પણ મહાવિલન બની રહ્યા છે અને તે નવી પેઢીને સમજાઇ રહ્યું છે. ત્રણેક દશક અગાઉ ભારતનાં શહેરોમાં સાઈકલો આમ હતી. ભાડે મળતી. ચીન, વિયેતનામ, બર્મા જેવા અનેક દેશોમાં મુખ્ય વાહન સાઈકલો હતી. પછી મોટર બાઇકો આવી. ભારતમાં આજે તેની જ રેલમછેલ છે. પાર્ક કરવાની જગ્યા નથી. દુકાનો, બેન્કો કે દવાખાનામાં આસાનીથી પ્રવેશી શકાતું નથી. ચીન, ભારત અને અન્યત્ર વ્યકિતગત મોટરકારોનો યુગ આવી રહ્યો છે જે યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા વગેરેમાં અનેક દશકોથી છે. ચીન અને અમુક અંશે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળે મોટરગાડીઓની સંખ્યા પણ વિમાનની ઝડપે વધારી દીધી છે. ચીન અને ભારતની વસતિ લગભગ સરખી જ છે. ચીનમાં હાલમાં 30 કરોડ મોટરકારો છે અને ભારતમાં તેની સામે માત્ર 3 કરોડ છે.

ચીનમાં આજે 20-20 લેનના અનેક સુપર હાઇવે બન્યા છે અને 1 લાખ જેટલા પેટ્રોલ પમ્પ છે. જંકયાર્ડમાં ફેંકી દેવાયેલી મોટર ગાડીઓ, બાઇકો અને સાઇકલોના અંબાર ખડકાયેલા રહે છે. જો કે તેને સતત ગાળવામાં આવે છે પણ ભંગારનો પ્રવાહ ચાલુ જ રહે છે. આ મોટરકારો સિવાયનાં અન્ય વાહનો જુદાં. માલવહન માટે અન્ય વાહનોની જરૂર છે પણ આટઆટલી મોટર ગાડીઓની જરૂર છે? અમેરિકામાં ચીન કરતાં એક અબજ લોકો ઓછા છે. માત્ર 33 કરોડ. તો પણ ત્યાં 28 કરોડ જેટલી મોટરકારો છે. વળી દાયકાઓથી લગભગ વ્યકિત દીઠ એક કાર છે. પણ ચીનની આ નવસમૃધ્ધિ લોકોની નજરે ચડી છે. કદાચ ખટકે છે. તેનું પ્રમુખ કારણ એ છે કે બધાએ મળીને ધુમાડો વધારી દીધો છે.

 શહેરોની હવા અશુધ્ધ બની છે. જગતની ઇર્ષાને બાજુએ મૂકીને ચીન, ભારત જેવા દેશોએ એ ચિંતા કરવાની જરૂર છે કે આપણાં શહેરોમાં વધુ અને વધુ બાળકો, વડીલો અસ્થમા, બ્રોન્કાઇટિસ અને શ્વસનતંત્રની બીમારીઓના ભોગ બની રહ્યાં છે. હમણાંનાં વરસોમાં આ પ્રકારના દરદીઓ વધુ ને વધુ સંખ્યામાં હોસ્પિટલોમાં ભરતી થઇ રહ્યા છે.

શહેરોની મોટરગાડીઓ આ બરબાદીનાં મૂળમાં છે. યુવાનો હવે મોટરકારોને પર્યાવરણનો ઉપરાંત સામાજિક અભિશાપ સમજે છે. તેનાથી લોકો અળગા, અટૂલા રહે છે. સમાજ પ્રત્યેની સામૂહિક જવાબદારી સમજી શકતા નથી. શહેરોની અને માર્ગોની જગ્યામાં સંકડાશ પેદા કરે છે. રસ્તાઓ જાણે કે માર્ગે ચાલતા ગરીબ લોકો માટે છે જ નહીં. વલસાડ, અમરેલી જેવાં શહેરોનાં કલેકટરો, ટ્રાફિક વ્યવસ્થાપકોને આ જ્ઞાન લાધે તો બ્રહ્મજ્ઞાન લાધ્યું ગણાય. ટ્રાફિક વ્યવસ્થાપકોમાં ટોચથી તળિયાના અધિકારીઓ, કર્મચારીઓ માટે રસ્તાઓ નોટ છાપવાનાં મશીનો છે.

ભાગ્યે કોઇ અપવાદ હશે. યુવાન પ્રજાએ સમજવું રહ્યું કે ભારતનો સદાબહાર ભ્રષ્ટાચાર પણ પર્યાવરણની સમસ્યા વકરાવે છે. ગાડીઓના પ્રતાપે યુરોપનાં શહેરોમાં અભૂતપૂર્વ રીતે તાપમાન 40 ડિગ્રીથી ઉપર જતું રહે છે. મોટરકાર ધરાવવાની સુવિધા અનેક લોકો માટે, જે મોટરકારો ધરાવતી નથી તેઓના માટે પણ, અસુવિધાઓ લઇને આવે છે. તેમાં અધૂરું હતું તે જગતમાં ઊર્જા અને ઇંધણની તંગી પણ આ અભૂતપૂર્વ સંખ્યાનાં વાહનોને કારણે અભૂતપૂર્વ બની છે. જર્મનીના બર્લિન શહેરના લોકો મોટરગાડીઓના અતિરેકથી એટલા ત્રાસી ગયા કે 50 હજાર લોકોએ પ્રદર્શનો યોજયાં અને બર્લિન શહેરમાં અનેક માર્ગો અને વિસ્તારો પર મોટરકારના પ્રવેશ પર પ્રતિબંધો મૂકી દેવાયા છે. શહેરના કુલ 80 sq. km વિસ્તારમાં મોટરકારોને પ્રવેશવા પર મનાઇ છે. ત્યાં જાહેર વાહન વ્યવસ્થા એટલી સરળ અને સુઘડ છે કે લોકો ખાનગી વાહન ન વાપરે તો પણ ચાલે. યુરોપના અનેક શહેરો જેમ કે મિલાન, પેરિસ, કોપનહેગન વગેરેમાં ખાનગી મોટરગાડીઓના પ્રવેશ પર પ્રતિબંધો મુકાયા છે. લાગે છે કે મોટરકાર માટે જગતે રસ્તાઓ બંધ કરવા પડશે. સિવાય કે તે હાઇડ્રોજનથી ચાલતી બને.

Most Popular

To Top