આયો રે આયો રે આયો રે….‘ભાદરવો’ આયો રે! મને ખબર છે ફેણીયા, કે, આ કડીમાં ભાદરવાને બદલે ‘શ્રાવણ’ શબ્દ આવે! આ તો ચકાસી જોયું કે, ભાદરવો બેઠાની ભાળ તને છે કે નહીં? ભાદરવો એટલે જાજરમાન ભાદરવો. પિતૃઓને સંભારવાનો અને સાચવવાનો મહિનો. કાગડા સ્વરૂપે આવતા પિતૃઓનું મિલન કરવાનો મહિનો! ભાદરવામાં કોઈને એમ નહીં કહેવાય કે, ‘તમને શ્રાદ્ધ માસના સરસ દિવસો જાય છે!’ નહીં તો ભડાકો કરે! પિતૃ ધાબે આવે ને એમણે વસાવેલી માલ મિલકતનું નિરીક્ષણ કરે, એ ઓછા આનંદની વાત છે? જો કે, બધાના જ પિતૃઓ સમજુ હોતા નથી. અમુકના જીદ્દી અને તોફાની પણ હોય! એવા પરિવારની તો હાલત ખરાબ થઇ જાય. શ્રાદ્ધ મહિનો આવે એટલે, ચહેરા પાણીચા અથાણા જેવા થઇ જાય. કાગવાસ લેતા લેતા કાગડા દમ લાવી નાંખે.
જીવતા જીવત ટાઢા નહીં રાખ્યા હોય, એ ઉકલી ગયા પછી દાવ તો બતાવે જ ને દાદૂ? જાણે, કાગડાના ફાધરોએ ભાદરવાને વસાવ્યો હોય એમ, મનાવવાના અને રીઝવવામાં આપણને પરસેવાન કરી નાંખે. કાગડાઓને બહુ સાચવવા પડે મામૂ! એક દેશ એવો નહીં હોય કે, જ્યાં કાગડો ના રહેતો હોય! ગામે ગામ પંચાતીયા મળે, એમ દેશ-દેશાવરમાં કાગડા માળા બાંધીને બેઠા જ હોય! ભાદરવો બેસે ને ભીંડો ઊગે, એમ આવાં મીંઢા ‘અલખ નિરંજન’ બોલીને હાજરાહજૂર થઇ જાય! જો કે વિદેશોમાં કાગવાસ નાંખવા માટે ઝટ કાગડા નહીં પણ મળતા હોય. કદાચ કાગડાઓ ભાડે લાવવા પડે એવું પણ બને. અહીં તો સબ ભૂમિ ગોપાલકી! જે લોકો બે રોજગારીના બ્યુગલો ફૂંકે છે, એમણે તો શ્રાદ્ધ ના મહિનામાં બેચાર કાગડા વિદેશ લઇ જઈને ‘કાગવાસ’નો મહિમા વધારવા જેવો ખરો! આ તો એક હસવાની વાત! જો કે, કોઈ જાય તેવા પણ નથી! કહેવાય છે કે,
અષાઢે મેઘો ભલો અને શ્રાવણે ભલો શીરો
ભાદરવે દૂધપાક ઝાપટીને દિવાળીએ હિરો
ભર્યા ભાદર્યાં ભાદરવાનો એક નજારો છે દાદૂ! એમાં ઉકલી ગયેલા પિતૃઓની સંવેદના છે. ૧૧-૧૧ મહિના સુધી કાગડાઓ આપણા ઉપર નજર રાખે પણ જેવો શ્રાદ્ધ પક્ષ બેસે એટલે, આપણે કાગડા ઉપર નજર રાખવાની. કાગડાની ફોજ ધાબે ધાબે હાજરા હજૂર થઇ જાય. કારણ કે, શ્રાદ્ધ માસમાં સંપૂર્ણ શાસન કાગડાના હવાલે હોય. પિતૃઓની આત્મિક શાંતિ માટે જે કંઈ કરવા ઘટે તે શ્રાદ્ધ માસમાં કરવું પડે. સારું છે કે, મુશળધાર વરસાદમાં છત્રી કે રેઇન-કોટનો કાગવાસ નાંખવાનો રીવાજ નથી. નહીં તો લાગણીના ધોધમાં તે પણ આપવું પડે! બાપાને શરદી નહીં થાય એ માટે બામના બાટલાનો પણ કાગવાસ કરવો પડે!
શાસ્ત્રોક્ત રીતે ભાદરવાનું જે મહત્ત્વ હોય તે પણ ચમનચલ્લી કહે એમ, ભાદરવો એટલે કાગડા-દર્શનનો માસ! ધૂળધોયાઓ સોનું શોધે એમ, કયો કાગડો કોના પૂર્વજોની ‘ડિઝાઈન’વાળો છે, એ આપણે શોધવાનું. એવું પણ નહીં કે, એ આપણા જ ધાબે ‘લેન્ડીંગ’ કરે. જેના દાંતે પાડોસીનું ખાવાનું વળગ્યું હોય, એ પૂર્વજ પાડોશીના ધાબા ઉપર પણ લેન્ડીંગ કરે! ભરોસો નહીં! બાકી, ભાદરવો બેસે એટલે, ધાબે ધાબે રાજકીય પાર્ટીનો મેળાવડો હોય એમ, વગર ખેસના કાગડાઓ તૂટી જ પડે. શ્રાદ્ધના અને મકરસંક્રાંતિના, આ બે જ તહેવારો એવા છે કે, ધાબા ઉપર જે મઝા આવે, તેવી મઝા અબુધાબીમાં પણ નહીં આવે. શ્રાદ્ધનો મહિનો બેસે એટલે કાગડો કાળો પણ નહીં લાગે, ને લુચ્ચો પણ નહીં! કારણ કે, આપણને ખબર જ નથી કે, કયો કાગડો આપણો સ્વજન છે.
AI કે ગુગલ પણ નહીં બતાવી શકે. એટલે બધાને જ હરખના તેડા કરવા પડે. જીવતો લાખનો અને મરેલો સવા લાખનો હોય એમ, સાચવવો પડે. સહેજ વાંકુ પડ્યું ને, કાગવાસ નહીં લેવાની હઠે ચઢ્યા તો, મરણીયા કાલાવાલા પણ કરવા પડે. અમારા ચમનચલ્લીના એક પૂર્વજની વાત કરું તો, એ ભારે એન્ટીક! જ્યાં સુધી મુકેશના ગાયનો નહીં સંભળાવો ત્યાં સુધી કાગવાસ સ્વીકારે નહીં! પણ પરિવાર સંસ્કારી એટલે, ચલતીકા નામ ગાડી સમજીને, આડા ઢેફાં નહીં નાંખે! પ્લેબેક સિંગર મુકેશનાં ગાયન નહીં મળે તો, મહોલ્લાના મુકેશ પાસે પણ ગવડાવીને બાપાને રાજીપો આપે! શ્રાદ્ધના મહિનામાં સ્વર્ગસ્થ સાથે એસીડ ટેસ્ટ નહીં કરે.
પેટ છૂટી વાત કરું તો, તાલીબાની સેનાને કદાચ પહોંચી વળાય પણ શ્રાદ્ધ ટાણે વિફરેલા કાગડા ‘આઈ મીન’ બાપાઓને નહીં પહોંચાય! કાગડાની ફોજ બહુ કાબેલ હોય મામૂ! ભાદરવાના મહિનામાં જો કાગડા સામે આંખ આડા કાન કરવા ગયા તો, ભીંગરાં કાઢી નાંખે! બાંધછોડમાં તો સગા સપુતની પણ શરમ નહીં રાખે. જીવતા હોય ત્યારે સાદો પાવર હોય પણ ઉકલી ગયા પછી ડબલ પાવરની સ્પેશ્યલ સોડા જેવા થઇ જાય. કાગવાસ નાંખતી વખતે માથે ટોપી ધારણ કરવાનું કારણ પણ એ જ! કારણ કે કાગડાઓની ચાંચ ચકલી જેવી મુલાયમ હોતી નથી, એ જ્યારે હવાઈ હુમલો કરે ત્યારે ટાલ ઉપર જ એમનું નિશાન હોય! ટાલ ટોચી નાંખે યાર! યાદ રાખવું કે, કાગડો પોપટની માફક બીજાએ પઢાવેલી ભાષા બોલતો નથી. એટલે તો એ આઝાદ છે. પોપટની માફક પાંજરે પુરાતો નથી. અને પિતૃભાવે પૂજાય છે. બાકી શ્રાદ્ધના દિવસો સિવાય કોણ એને પંપાળે? શ્રાદ્ધના દિવસો આવે એટલે, લોકોમાં ‘કાગડા-પ્રેમ’ ઉભરાવા માંડે.
વાઈફ સાથે સંબંધ બગડે તો વાઈફ ચલાવી લે, કાગડા એટલા સંસ્કારી હોતા નથી, કે એ વાઈફની જેમ ચલાવી લે! એટલે કાગડા સાથે સંબંધતો બગાડાય જ નહીં. ચપટી ધૂળની જરૂર પડે એમ, શ્રાદ્ધ મહિનામાં કાગડાની પણ જરૂર પડે દાદૂ! મને તો એ જ સમજાતું નથી કે મોર આટલો રૂપાળો છે, કોયલનાં ગળામાં ગાવાનું માધુર્ય છે, છતાં શ્રાદ્ધ માટે કાગડો જ કોણે પસંદ કર્યો હશે? પિતૃઓને ‘ટીફીન-સેવા’ પહોંચાડવાનું લાયસન્સ આદિકાળથી, કાગડા પાસે છે. માટે કોઈપણ કાગડા સાથે આંગળી-ચાળો કરવો નહીં. સંભવ છે કે, એ આપણો સ્વજન પણ હોય! કાગડો ક્યારેય ચહેરો ભૂલતા નથી. માટે કાગવાસ નાંખવા જાવ તો માથે હેલ્મેટ પહેરીને જ જવું. ચાંચ મારવા માટે કાગડાઓ ચોઘડિયા જોવાં જતાં નથી.
ચમનચલ્લી તો કાગવાસ નાંખવા જાય ત્યારે, આજે પણ કાગડાનાં કલરના ‘ડ્રેસ-કોડ’માં જ જાય. પિતૃઓને પણ લાગે કે, સ્વજનો મારો મલાજો મર્યા પછી પણ જાળવે છે! એમાં આપણી છાપ સુધરે એ બોનસ! બીજું શું? ખુદની છાપને બગાડવી ના હોય તો, કાગડા સાથે સંબંધો સલૂણા જ રાખવા. હું એમ નથી કહેતો કે, કાગડાઓને ખોળે બેસાડીને બચીઓ કરવાની પણ આદર તો કરવાનો! કાગડા સાથે જીવતી નહીં લેવાની!
લાસ્ટ બોલ
હોટલમાં જમવા જઈએ અને ‘વેઈટીંગ’માં બેસવાનું આવે, ત્યારે ખબર પડે કે, સાલી માણસ કરતાં કાગડાઓની ઈજ્જત કેટલી ઊંચી? આપણે શ્રાદ્ધના મહિનામાં કાગડાઓને ખવડાવવા માટે કાલાવાલા કરીએ અને હોટલમાં ખાવા જઈએ ત્યારે, ખાવા માટે આપણે કાગડોળે રાહ જોવાની. જમવાને બદલે બેસણામાં આવ્યા હોય એમ એક કોરાણે બેસીને બોલાવે તેની વાટ જોવાની અને ત્યાં સુધી ‘મોબાઈલ-ચાલીસા’ કરવાની! એના કપાળમાં કાંદા ફોડું!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.