Charchapatra

વડોદરાના રાધિકારાજે ગાયકવાડનું ઉમદા કાર્ય

કિન્નરો સામાન્ય રીતે  કોઇક કુટુંબમાં બાળકનો જન્મ થાય કે કોઇને ત્યાં  શુભ પ્રસંગ હોય ત્યારે જ જોવા મળે છે. બાકીના સમયમાં એ લોકો ભાગ્યે જ દેખાય છે અને મોટા ભાગના લોકો મહદ્ અંશે એમનાથી દૂર રહેવાની કોશિશ કરે છે એ આજની વાસ્તવિકતા છે. એક રીતે જોઇએ તો સમાજનો આ ઉપેક્ષિત વર્ગ છે.  કોઇ પણ સંસ્થા કે અન્ય કોઇ વ્યયસાયમાં આ વર્ગનાં લોકો જોવા મળતાં નથી અને એમાંના ઘણા ખોટી આદતોવશ ખોટાં કામો કરતાં હોય એવું પણ બની શકે છે. હમણાં એવુ વાંચવામાં આવ્યું કે આશરે સો વર્ષ પહેલાં ગાયકવાડ રાજ ઘરાનાએ કિન્નરોને એ સમયના વડોદરા રાજ્યમાં સ્થાયી થવામાં મદદ કરેલ. આ જ કુળના મહારાણી ચિમનાબાઇ સ્ત્રી ઉદ્યોગાલયના ઉપપ્રમુખ  રાધિકારાજે ગાયકવાડને મહારાજા રણજીતસિંહ ચેરીટી મારફતે કોવીડના ફર્સ્ટ વેવ દરમિયાન જરૂરિયાતમંદોને અનાજની મદદ કરતી વખતે  કિન્નરોની સ્થિતિની વિગતો જાણવા મળતા સમાજનો આ  વર્ગ  સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી શકે એ માટે એમણે પ્રવૃત્ત થવાનો નિર્ણય કર્યો.

રાધિકારાજે દ્રઢપણે માનતા હતા કે આ લોકો પણ સમાજનો જ એક વર્ગ  છે  તો પછી એ લોકો સમાજનો હિસ્સો કેમ ન બની શકે? એમની આ માન્યતાએ એમને આ કિન્નરો માટે સક્રિય થઇ મદદરૂપ થવા માટે સંકલ્પ લઇ  કિન્નરોને અલગ–અલગ ધંધો–રોજગાર કરી શકે એવી પ્રવૃત્તિઓમાં  પ્રશિક્ષણ આપી (કેળવી) ધંધો–નોકરી કરી શકે એ માટે લાયક બનાવવા અને એમનામાં જાતીય સમાનતા ઉજાગર કરવા માટે  પ્રવૃત્ત ગુજરાત સ્થિત લક્ષ્ય ટ્રસ્ટનો સંપર્ક કરી સમાજ દ્વારા ઉપેક્ષિત આ વર્ગને રોજગાર અપાવવા માટે અમુક વેપારી સંસ્થા/પેઢીઓનો પણ સંપર્ક કર્યો, જેઓ આ લોકોને નોકરી આપવા માટે સંમત થયા. આ રીતે આ કિન્નરો આર્થિક પ્રવૃત્તિઓમાં સામેલ થઇ કામ કરવાની શરૂઆત કરી પગભર થવા માંડે તો સમયના વહેણ સાથે સમાજના અન્ય લોકો પણ ધીમે ધીમે એમને સ્વીકારતા થઇ જાય અને આજે ઉપેક્ષિત આ લોકો પણ સ્વમાનપૂર્વક જીવન વિતાવી શકે. એક સમયના રાજ ઘરાનાની પત્ની આ પ્રમાણેની ઉમદા સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય થાય એ ખરેખર પ્રશંસાને પાત્ર છે.
સુરત       – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top