SURAT

ટર્મિનલનું નવું બિલ્ડિંગ બનતા સુરત એરપોર્ટની ચમક વધી, આ ફાયદો થશે

સુરત: એક તરફ સુરત ડાયમંડ બુર્સમાં ચમકતા હીરાનો વેપાર શરૂ કરવા માટે ધમધમાટ ચાલી રહ્યો છે ત્યાં બીજી તરફ સુરત શહેરના એરપોર્ટને પણ ચમકાવવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. રૂપિયા 163 કરોડના ખર્ચે સુરતના એરપોર્ટ પર નવું ટર્મિનલ બિલ્ડિંગ બની ગયું છે.

  • 163 કરોડનાં ખર્ચ પછી સુરત એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડીંગ હવે ચકાચક લાગી રહ્યું છે
  • ટર્મિનલ વિસ્તરણથી હાલની 17.5 લાખની પેસેન્જર ક્ષમતા વધીને 26 લાખ થશે

વર્ષ 2022માં સુરત એરપોર્ટના (SuratAirport) પુનઃવિકાસ માટે સરકારે રૂ. 353 કરોડ મંજૂર કર્યા હતાં છે, જેમાંથી રૂ. 163 કરોડ નવા ટર્મિનલ (Terminal) બિલ્ડિંગનું હયાત ટર્મિનલ બિલ્ડીંગની બંને તરફ વિસ્તરણ માટે નવું ટર્મિનલ બિલ્ડીંગ ઊભું કરવામાં આવ્યું છે. આ બિલ્ડીંગનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં એનો ઉપયોગ અત્યારે થઈ શકે એમ નથી.

કારણ,કે 17 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) હસ્તે સુરત ડાયમંડ બુર્સના (SuratDiamondBurse) ઉદ્ઘાટન સમારોહના દિવસને બિગ ઇવેન્ટ બનાવવા માટે શાસકોએ એરપોર્ટનાં નવા બનેલા ટર્મિનલ બિલ્ડીંગનું લોકાર્પણ પણ વડાપ્રધાનનાં હસ્તે એ જ દિવસે રાખવાનું આયોજન કર્યું છે.

સુરત એરપોર્ટનાં ટર્મિનલ વિસ્તરણથી હાલની 17.5 લાખની પેસેન્જર ક્ષમતા વધીને 26 લાખ થઇ જશે. તાજેતરમાં સુરતનાં જિલ્લા કલેક્ટર આયુષ ઓકના નેતૃત્વમાં એરોદ્રામ એનવાયરમેન્ટલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં તેમણે 20 દિવસમાં કામો પુરા કરવા તાકીદ કરી હતી. જોકે એક માત્ર ટર્મિનલ બિલ્ડીંગનું કામ 20 દિવસમાં પૂરું થઈ શક્યું છે. જાન્યુઆરી 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણ,એપ્રન અને પેરેલલ ટેક્સી ટ્રેક સહિત 353 કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા હતાં.

આ કામો પૈકી ટર્મિનલ બિલ્ડીંગનું એકમાત્ર કામ સંપૂર્ણ પૂર્ણ થઈ શકયું છે. આ ઉપરાંત નવા એરપોર્ટ એપ્રોનનું કામ પણ રૂ. 72 કરોડનાં ખર્ચ સાથે ચાલી રહ્યું છે. જોકે એપ્રનનું કામ કયારે પૂર્ણ થશે એ માટે એરપોર્ટ ઓથોરિટીએ મુદત વધારવા સિવાય કોઈ ખાસ કાર્યવાહી કરી નથી.

સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણ પહેલાં સુરત એરપોર્ટ પર ચાલી રહેલાં 350 કરોડનાં વિકાસનાં કામો પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એ રીતે કામમાં ગતિ લાવવા ઓથોરિટિને જણાવવામાં આવ્યું છે. સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળે ફ્લાઈટ સંખ્યા વધે એવાં હેતુથી એરોબ્રિજની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે. એરપોર્ટ પર નવા 5 એરોબ્રિજ પૈકી 4 એરોબ્રિજ ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યાં છે.

અપગેડ ટર્મિનલ બિલ્ડીંગમાં આ નવી સુવિધાઓ હશે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ બીજા ટ્વીટમાં જણાવ્યું કે સુરત એરપોર્ટનું હયાત ટર્મિનલ બિલ્ડીંગ અપગ્રેડ થયા પછી એ GRIHA 4-સ્ટાર સુસંગત હશે. અને પીક અવર્સ દરમિયાન 1800 મુસાફરોને હેન્ડલ કરવામાં સક્ષમ હશે. 20 ચેક-ઇન કાઉન્ટર, 5 એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર અને 5 બેગેજ કેરોસેલ્સની આધુનિક સુવિધા એમાં હશે. બાંધકામ હેઠળનાં ટર્મિનલ બિલ્ડીંગ ટૂંક સમયમાં મુસાફરો માટે સરળ, આરામદાયક અને મુશ્કેલી મુક્ત મુસાફરીમાં મદદરૂપ બનશે.

Most Popular

To Top