કેન્દ્ર સરકારે ભલે ખેડૂતોના વિરોધને પગલે કૃષિ સુધારા કાયદા પરત ખેંચી લીધા છે પરંતુ હવે ભાજપ શાસિત ગુજરાત રાજ્યમાં સરકારે નવી કૃષિ નિકાસ પોલિસી લાવવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા જ આ પોલિસી લાવી દેવામાં આવશે અને તેમાં કૃષિ ક્ષેત્રે ખાનગીકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે સાથે ખેડૂતોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર દ્વારા આ પોલિસીની જાહેરાત સાથે બની શકે છે કે ખેડૂતો દ્વારા વિરોધ સાથે વિવાદ પણ શરૂ થાય. જે નવી કૃષિ પોલિસી આવનાર છે તેમાં સ્થાનિક ક્લસ્ટર અને ઉદ્યોગોને 1750 કરોડની સહાય પણ આપવામાં આવશે. સાથે સાથે ખાસ ડીઝાઈનવાળા વેર હાઉસ પણ મુંદ્રા, કચ્છ અને પીપાવાવમાં ઊભા કરવામાં આવશે.
સરકાર દ્વારા જે પોલિસી લાવવામાં આવશે તેમાં સુરતની સાથે વડોદરા અને અમદાવાદ એરપોર્ટ પર ખાસ એર કાર્ગો કોમ્પ્લેક્ષ પણ ઊભા કરવામાં આવશે. આ પોલિસી લાવવાનો હેતુ એ છે કે ગુજરાતમાં જે ઉચ્ચ ગુણવત્તા અને ઉંચું નાણાંકીય વળતર આપતા જે પાકો છે તે તેમજ તેની સાથે સાથે સી ફુડ તેમજ મરિન પ્રોડક્ટની નિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. જે એકમો દ્વારા મોટાપાયે નિકાસ કરવામાં આવશે તે એકમોને વિશેષ નાણાંકીય લાભ પણ આપવામાં આવશે. આ પોલીસીમાં રાજ્યમાં 13 જેટલા એગ્રો એક્સપોર્ટ ક્લસ્ટર પણ ઊભા કરવામાં આવશે. આ ક્લસ્ટરનો વિકાસ કરવામાં આવશે. ક્લસ્ટરમાં નિકાસ માટેની પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે. જેમાં તાપમાનનું નિયંત્રણ કરી શકાય તેવા વેરહાઉસ પણ તૈયાર કરવામાં આવશે. આ પોલિસીમાં પ્રોડક્ટના માર્કેટિંગ માટે મેળાઓ પણ કરાશે અને ઈવેન્ટના આયોજનો પણ કરવામાં આવશે. જે ક્લસ્ટરો ઊભા કરાશે તેમાં દ.ગુ.માં વધુ ક્લસ્ટરો હશે.
આ ક્લસ્ટરોમાં રાજ્યના કેરી, કેળા, તાજા શાકભાજી, બટાકા, મગફળી, ડુંગળી, એરંડા, તલ, જીરૂ, દાડમની સાથે મરી-મસાલાને પણ આવરી લેવામાં આવશે. 19 ક્લસ્ટરોમાં આ પાકને લાવી તેની નિકાસ કરવામાં આવશે. સામાન્ય રીતે હાલમાં પણ રાજ્યમાં અનેક ખાનગી એપીએમસી કાર્યરત થઈ ગઈ છે અને કાર્યરત થઈ રહી પણ છે. કેન્દ્ર સરકારના કૃષિ સુધારા કાયદાઓ અટકી જતાં ખાનગી એપીએમસીને ઊભી કરવાની કામગીરીને ધક્કો વાગ્યો હતો પરંતુ હવે રાજ્ય સરકારની આ નવી સૂચિત એગ્રો એક્સપોર્ટ પોલિસીને કારણે ખાનગી એપીએમસીને મોટો ફાયદો થશે. સાથે સાથે ખાનગી એપીએમસીમાં આવતી એગ્રો પ્રોડક્ટના નિકાસને પણ મોટી સહાય થશે. સરકાર દ્વારા ખેડૂતોને પણ લાભ માટે આ પોલિસીમાં જોગવાઈ કરવામાં આવી છે પરંતુ આ પોલિસીને ખેડૂતો સ્વીકારશે કે કેમ તે મોટો સવાલ છે.
સરકારની આ કૃષિ નિકાસ પોલિસીનો મોટો લાભ ખેડૂતોને મળે તે જરૂરી છે. જો તેમાં વચેટિયા લાભ લેવા માંડશે તો ફરી ખેડૂતો બાજુ પર રહી જશે. અત્યાર સુધી એવું જ થતું આવ્યું છે કે પોલિસી ગમે તે આવે ખેડૂતોની હાલત સુધરતી નથી. હવે સરકાર દ્વારા આ નવી પોલિસી લાવવામાં આવે છે તો આયોજન એવી રીતે કરવાની જરૂરીયાત છે કે તેને કારણે નિકાસ થકી થતો લાભ ખેડૂતો સુધી પહોંચે અન્યથા સરકારની સારી નેમ હશે તો પણ ફાયદો વચેટિયાને જ થશે અને ખેડૂતો માટે ફરી મજૂરી સિવાયનો કોઈ આરો નહીં રહે તે નક્કી છે.