Comments

સિનિયર સિટીજનની નવીજીવનશૈલીનાં પ્રતિક વૃદ્ધાલય

‘પ્રભુ શા માટે વૃદ્ધત્વ!’ ‘નામ તેનો નાશ’ એ ન્યાયે યુવાન વયે વિકસાવેલ વ્યવસ્થા ધીરે ધીરે વિખરાશે તે નિર્વિવાદિત છે. પરંતુ ‘આનંદી કાગડા’ની બાળવાર્તા પ્રમાણે વૃદ્ધત્વ આનંદાઈ બનાવવાનું વડીલો માટે અશક્ય નથી. આઝાદીનાં ૭૮ વર્ષ દરમિયાન શિક્ષણ, રોજગારી, માળખાગત સુવિધાથી માંડી અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે; તો સિક્કાની બીજી બાજુએ શહેરી કરણના કારણે ટ્રાફિક સમસ્યા, નાના આવાસ, અસહ્ય મોંઘવારી, રોગની અત્યંત ખર્ચાળ સારવાર, વિભક્ત અને નાના કુટુંબ. પ્રકારે કેટલાંક વિપરિત પરિસ્થિતિ ભારતીય સમાજે સ્વીકારવી પડી છે. આમ છતાં, આઝાદી પછી જન્મેલા વયસ્કો પાસે તો શિક્ષણ છે, પોતાની નિવૃત્તિને સાચવવા જેગ પૈસા છે, સારૂ સ્વાસ્થ્ય છે, સ્વતંત્ર વિચારસરણી છે અને આથી આજે ૭૦ વર્ષ વટાવી ચુકેલા સિનિયર સિટીજનોને ૯૦-૯૫ વર્ષે પહોંચેલા વડીલોની વ્યથા સહન કરવી પડતી નથી જે આનંદદાયક બને છે.

આ સ્થિતિમાં ગુજરાતમાં સક્રિય તેવા રર૮ વૃદ્ધાશ્રમોના વડીલો ઉપર થયેલા અભ્યાસથી ફલિત થાય છે કે, વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર વડીલ, શારીરિક રીતે રોગગ્રસ્ત હાલત ધરાવે છે. તે પોતાના મનથી ભાંગી ગયાનું જણાય છે. આથી, વૃદ્ધાશ્રમમાં રહેવા છતા સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શક્તા કંઈક અંશે પરાવલંબી અને આશ્રિત ભાવથી પીડાય છે. સામાજિક અનુકૂલન સાધવામાં નિષ્ફળ માણસને જ વહુ-દીકરાઓ વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે, તેવા પરંપરાગત ખ્યાલના લીધે વૃદ્ધાશ્રમનાં આશ્રમવાસીઓ પોતાને અસામાજિક અથવા તો અન્યાયનો ભોગ બનેલ જાણી સ્વ પ્રત્યે સતત હિનભાવ અનુભવે છે.

અને જેઓએ લાગણીવશાત પોતાના સંતાનોને સઘળી સંપતિ સોંપી દીધી હોય અને કુટુંબે સ્વાર્થ હેતુથી વડીલની હિસ્સેદારીનો કાંકરો કાઢી નાખ્યો હોય છે ત્યારે તો વડીલને પોતાની મુર્ખામીનો કીડો સતત ખોતર્યા કરે છે. પીડા આપ્યા કરે છે. યુવાનીમાં તંબાકુ કે દારૂનું વ્યસન કે અયોગ્ય જીવન પદ્ધતિની ફળશ્રુતિ તરીકે માંદગી સહતા વડીલો પણ દુર્દશામાં ધકેલાય છે. વિશેષતહ વૃદ્ધાશ્રમોમાં પણ પોતે બોજારૂપ છે તેવા ભાવથી પીડાય છે. જો કે પોતાની યુવાનીમાં કલા, સાહિત્ય, તબીબી સેવા કે માનવ સેવાના કોઈ ક્ષેત્રમાં પોતાની જાતને જોડી રાખવાની સક્ષમતા ધરાવતા વડીલો પોતાને નિરર્થક, અવરોધરૂપ કે બોજારૂપ જાણતા નથી તે અવલોકન આશાસ્પદ બને છે. સર્વેક્ષણ અનુસાર વૃદ્ધાશ્રમમાં વડીલોને આવવાના કારણો અને તેમની સામાજિક સ્થિતિ વિશે જમીની હકીક્ત એ છે કે,

(૧) જે વડીલો પોતાની આવકનો સ્વતંત્ર સ્રોત ગુમાવે છે તેઓનું પછીથી કુટુંબમાં માન-સન્માન જળવાતું નથી. ૭૦% વડીલો માટે આ હકીકત લાગુ પડે છે. (૨) સ્વતંત્ર રીતે ધંધો કરી આવક મેળવતા વડીલો સંતાનોને ધંધો સોંપી દે છે. પછી સંતાનો જે રીતે વડીલોને સંતોષ હોતો નથી. અને વડીલ પૈસા અને કુટૂંબ બંનેથી દૂર થઈ જાય છે. ૫૬% વડીલોના વૃદ્ધાશ્રમના નિવાસનું આ જ કારણ છે. (૩) દીકરો વહુનો થઈ જાય છે. ત્યારે માતાને ભારે આઘાત પહોંચે છે. વૃદ્ધાશ્રમમાં રહેતી ૮૦% બહેનો માટે આ સ્થિતિ કારણભૂત છે. (૪) જે કુટુંબમાં મા અને બાપ બંને નોકરી કરતાં હોય છે કોઈ કારણસર મા-બાપને વૃદ્ધાશ્રમમાં રહેવાની સ્થિતિ આવે તો નોકરીયાત મા-બાપનું બાળક અલગ રહેવાની વાત પ્રત્યે આઘાત નથી અનુભવતું. ૪૪% વડીલો માટે જમીની હકીકત બને છે. (૫) વડીલોને કોઈ ગંભીર બીમારી હોય, સંતાન તેની કાળજી લેવાના ખર્ચને પહોંચી શકે તેમ ન હોય તો બહાનુ કાઢીને વૃદ્ધાશ્રમમાં રહેવા આવી જાય છે. ૩૮% વૃદ્ધોમાં જોવા મળે છે.

ગામડાઓનાં વૃદ્ધાશ્રમોનાં અભ્યાસમાં જણાયું છે કે, ભાભા ચોરે બેસી તંબાકું, ગાંજો કે દારૂની લતે ચડ્યા હોય તે ગામ આખું ભેગું થઈ તેને આશ્રમે મૂકી આવે છે. (૬) નોકરી ધંધાવશાત બાળકોનું પરદેશમાં રહેવું, મુંબઈ-ચેન્નાઇ-કોલકાત્તા જેવા શહેરોમાં આવાસની સમસ્યા, ટ્રાફિકના લીધે વડીલો માટે અકસ્માતનાં ભયના કારણે વૃદ્ધો કૌટુંબિક સમન્વય છતાં, વૃદ્ધાશ્રમમાં રહેવાનું પસંદ કરે છે. દિવસમાં મોબાઈલ ઉપર ૨-૫ વખત સંતાનો સાથે દેશ-વિદેશમાં વિડિયો કોલથી વાત કરી આનંદ લે છે અને તહેવારોની ઉજવણી સમયે બાળકો સાથે દેશ-વિદેશમાં ચાલ્યા જાય છે. ગુજરાતનાં શહેરો વૃદ્ધાશ્રમોમાં રહેતા પર% સુખી વડીલો આ સ્થિતિમાં જીવન મમ્હાણે છે. આજે દેશની કુલ સંપતિને ૪૬% હિસ્સો કુલ વસ્તીને ૧૦% વડીલો પાસે ઉપલબ્ધ છે. ત્યારે સામાજિક મૂલ્યોનું પુનઃપ્રતિષ્ઠાન કરી વૃદ્ધાશ્રમોને અભિશાપ નહીં પણ આશીર્વાદ તરીકે પ્રસ્થાપિત કરીએ. વૃદ્ધાશ્રમોને સામાજિક રીતે તિરસ્કૃત વ્યક્તિના આશ્રય સ્થાન તરીકે નહી પણ જીવન સંધ્યાના છેલ્લા પડાવે ‘આત્મ દિપોભવ’ના ઊર્જા કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરીએ.

ગુજરાતમાં દયા, ધર્મથી ચાલતા સેવા સંકૂલ જેવા વૃદ્ધાશ્રમો તો છે જ પણ હવે સમય પરિવર્તનની સ્થિતિ સ્વીકારી વૃદ્ધાશ્રમમાં વસતા વડીલોને હ્યુમન રિસોર્સના હબ તરીકે વિકસાવીએ, જૂની અને નવી પેઢી વચ્ચેના સામાજિક સેતુ તરીકે વિકસાવીએ, વૃદ્ધાશ્રમને રચનાત્મક સામાજિક સંકૂલ તરીકે પ્રસ્થાપિત કરીએ અને સહુથી વિશેષ પારંપારિક મૂલ્યોને છોડી જીવન સંધ્યાના પડાવને સ્વ-વિકાસ કેન્દ્ર તરીકે વિકસાવીએ તો વૃદ્ધાશ્રમો આશીર્વાદરૂપ વ્યવસ્થા તરીકે સમાજમાં ગૌરવ મેળવી શકશે. દીકરા અને વહુમાં સંસ્કારોનો અભાવ તે મા-બાપને વૃદ્ધાશ્રમમાં મુક્યા તેવી પરંપરાગત સંકુચિતતા દૂર કરી વડીલોએ પણ પાકટ ઉમરે પોતાનું જીવન આશ્રમવાસીઓને સમૂહ સાથે ગાળવું જોઈએ. શહેરીકરણના બંધિયાર જીવનમાંથી બહાર આવી વડીલો વચ્ચે આનંદ ઉલ્લાસથી સભર વિકસતુ જીવન નવી જીવન શૈલીનું પ્રતિક.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top