નવું આવકવેરા બિલ 2025 ટૂંક સમયમાં લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે અને આ પહેલા તેની ડ્રાફ્ટ કોપી સામે આવી ગઈ છે, જે 600 થી વધુ પાના લાંબી છે. જેમ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું તે જૂના આવકવેરા કાયદા કરતાં સરળ ભાષામાં હશે અને તેમાં સમાવિષ્ટ ઘણા શબ્દો બદલવામાં આવશે અથવા દૂર કરવામાં આવશે.
હવે નાણાકીય વર્ષના બધા 12 મહિના કરવેરા વર્ષ તરીકે ઓળખાશે. જ્યારે આકારણી વર્ષ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ડ્રાફ્ટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનથી લઈને કેપિટલ ગેઇન ટેક્સ સુધીની દરેક બાબત અંગે ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ નવું ટેક્સ બિલ 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે.
કેપિટલ ગેઈન ટેક્સ યથાવત
622 પાના અને 298 વિભાગોના આ ડ્રાફ્ટ મુજબ આકારણી વર્ષનો ઉપયોગ દૂર કરવામાં આવ્યો છે અને તેને હવે કર વર્ષ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષના આખા 12 મહિના હવે કર વર્ષ કહેવાશે. ડ્રાફ્ટમાં શેરબજાર માટે ટૂંકા ગાળાના મૂડી લાભના સમયગાળામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કલમ 101(b) હેઠળ 12 મહિના સુધીના સમયગાળાને ટૂંકા ગાળાના મૂડી લાભ તરીકે ગણવામાં આવશે. આ ઉપરાંત તેના દરો પણ સમાન રાખવામાં આવ્યા છે. ટૂંકા ગાળાના મૂડી લાભ કર 20 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
