બાંગ્લા દેશની સામાન્ય ચૂંટણીઓમાં બાંગ્લા દેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) પ્રચંડ બહુમતી સાથે વિજય તરફ આગળ વધી રહી છે. તારિક રહેમાને બાંગ્લા દેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ને પહેલી વાર સંસદીય ચૂંટણીમાં નેતૃત્વ આપ્યું છે. તેમણે પહેલી વાર આ ચૂંટણીઓમાં પણ ભાગ લીધો છે. તારિક રહેમાનના નેતૃત્વ હેઠળ બીએનપી ઐતિહાસિક વિજય માટે તૈયાર દેખાય છે. આ વિજય સાથે તારિક રહેમાન બાંગ્લા દેશના નવા વડા પ્રધાન બની શકે છે.આવી સ્થિતિમાં, એક પ્રશ્ન ખૂબ જ સ્વાભાવિક બની જાય છે કે પડોશી દેશ ભારત પ્રત્યે BNP સરકારનું વલણ શું હશે? જ્યારે પણ બાંગ્લા દેશમાં BNP સત્તામાં રહી છે, ત્યારે તેના ભારત સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહ્યા નથી. તો તારિક રહેમાનના નેતૃત્વ હેઠળના BNPનું વલણ શું હશે?
બીએનપીની રચના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયા ઉર રહેમાન દ્વારા કરવામાં આવી હતી અને ભૂતપૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયા દ્વારા સફળતાપૂર્વક તેનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યભાર સંભાળ્યાના થોડા જ સમયમાં પક્ષને સત્તામાં લાવી દીધો હતો. હવે, સમગ્ર જવાબદારી તારિક રહેમાનના ખભા પર છે. તારિક રહેમાન અવામી લીગના શાસન દરમિયાન પાર્ટીને એક રાખવામાં સફળ રહ્યા છે. અવામી લીગ પર પ્રતિબંધ બાદ, જમાત-એ-ઇસ્લામી, જે બીએનપીનો મિત્ર હતો, તે તેના સૌથી મોટા હરીફ તરીકે ઊભરી આવ્યો છે.
શેખ હસીનાની પાર્ટી અવામી લીગને ચૂંટણીમાં ભાગ લેવાની મંજૂરી ન મળતાં બીએનપી વિજય તરફ આગળ વધી રહી છે. ચૂંટણીના થોડા મહિના પહેલાં જ ખાલિદા ઝિયાના મરણ પછી તારિક રહેમાને બાંગ્લા દેશ નેશનાલિસ્ટ પાર્ટીની કમાન સંભાળી હતી. રાજકીય વિરોધીઓ તારિક રહેમાન પરના ભૂતકાળના ભ્રષ્ટાચારના આરોપો અને તેમની શૈક્ષણિક લાયકાત પર સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ તારિક રહેમાન અને તેમની પાર્ટી બીએનપીએ ભ્રષ્ટાચારના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને અવામી લીગ સરકારનો પ્રચાર ગણાવ્યો છે. તારિક રહેમાને ૧૭ વર્ષ સુધી લંડનમાં રાજકીય આશ્રય લીધો હતો.
બાંગ્લા દેશના પહેલા લશ્કરી શાસક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાન અને ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના મોટા પુત્ર તારિકનો જન્મ ૨૦ નવેમ્બર, ૧૯૬૫ ના રોજ થયો હતો. ઢાકાની બીએએફ શાહીન કોલેજમાં પ્રારંભિક શિક્ષણ પછી તારિકે ઢાકા યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધો વિભાગમાં પ્રવેશ મેળવ્યો હતો. ઝિયાઉર રહેમાનનો પરિવાર અન્ય ઘણા લશ્કરી અધિકારીઓનાં પરિવારો સાથે મુક્તિ યુદ્ધ દરમિયાન જેલમાં હતો. તેમના બે પુત્રો, તારિક રહેમાન અને અરાફત રહેમાન (સ્વર્ગસ્થ) પણ જેલમાં હતા. તારિકે લશ્કરી શાસક હુસૈન મોહમ્મદ ઇર્શાદ વિરુદ્ધ ચળવળમાં પણ ભાગ લીધો હતો અને ૧૯૮૮ માં બગુડા જિલ્લા બીએનપીના ગવાતાલી ઉપ-જિલ્લા એકમના સભ્ય તરીકે ઔપચારિક રીતે પાર્ટીમાં જોડાયા હતા.
રાજકારણમાં તારિકની સફર ૧૯૯૧ની સંસદીય ચૂંટણીઓથી શરૂ થઈ હતી. ખાલિદાએ તે સમયે પાંચ બેઠકો પર ચૂંટણી લડી હતી. તારિક તેમની દેખરેખ રાખવા માટે જવાબદાર હતા. પરંતુ ૨૦૦૧ની સંસદીય ચૂંટણીઓ પછી પક્ષના રાજકારણ પર તેમની પકડ મજબૂત થવા લાગી, જ્યારે BNPના નેતૃત્વમાં ચાર પક્ષોના ગઠબંધને બે તૃતિયાંશ બહુમતી મેળવી હતી. બીએનપી સરકારના આ જ કાર્યકાળ દરમિયાન, હવા ભવન મુદ્દા પર તારિક રહેમાન અને તેમના નજીકના સહયોગીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા, જે પાછળથી દેશવ્યાપી ચર્ચાનો વિષય બન્યો હતો.બાંગ્લા દેશમાં ૨૦૦૭ માં લશ્કરી સમર્થિત કાર્યકારી સરકારના કાર્યકાળ દરમિયાન તારિક રહેમાનની ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.
અઢાર મહિના જેલમાં વિતાવ્યા બાદ તેમને સપ્ટેમ્બર ૨૦૦૮ માં મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેઓ તેમના પરિવાર સાથે લંડન રહેવા ગયા હતા. તારિક રહેમાન લગભગ ૧૭ વર્ષ ત્યાં રહ્યા પછી ગયા વર્ષે ડિસેમ્બરમાં ઢાકા પાછા ફર્યા હતા. ખાલિદા ઝિયાની તબિયત વધુ ખરાબ થતાં, તારિક રહેમાન ૨૬ ડિસેમ્બરે ઢાકા પાછા ફર્યા હતા. ૧૮ મહિના જેલમાં અને ૧૭ વર્ષ લંડનમાં વિતાવ્યા બાદ આ રીતે તેઓ બાંગ્લા દેશી રાજકારણમાં પાછા ફર્યા હતા.
ખાલિદા ઝિયાનું થોડા દિવસ પછી, ૩૦ ડિસેમ્બરે અવસાન થયું હતું. તેના દસ દિવસ પછી, આ વર્ષે ૯ જાન્યુઆરીએ બીએનપીની રાષ્ટ્રીય સ્થાયી સમિતિએ ઔપચારિક રીતે તારિકને પક્ષ પ્રમુખ તરીકે ચૂંટ્યા હતા. જો કે, ૨૦૧૮ માં ખાલિદા ઝિયાને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા ત્યારથી તારિક લંડનમાં રહેતા કાર્યકારી અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા હતા. તે પહેલાં, ખાલિદા ઝિયાએ તેમને ૨૦૦૨ માં પાર્ટીના વરિષ્ઠ સંયુક્ત મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા હતા. સાત વર્ષ પછી તેમને BNP ના રાષ્ટ્રીય સંમેલનમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ વખતે BNP એ ચૂંટણીમાં તેના ભૂતપૂર્વ સાથી જમાત-એ-ઇસ્લામીનો સામનો કર્યો હતો. પક્ષના નીતિનિર્માતાઓ મુક્તિ યુદ્ધ અને ઉદાર લોકશાહીના એકમાત્ર સમર્થક તરીકે જનતામાં તારિક રહેમાનની છબી સ્થાપિત કરવા માંગતા હતા. અગાઉ BNP ની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર (૨૦૦૧-૦૬) ના કાર્યકાળ દરમિયાન બનાનીમાં પાર્ટી પ્રમુખનું કાર્યાલય હવા ભવન વિવાદમાં ફસાયું હતું. એવી ચર્ચા છે કે ૨૦૦૧ માં BNP સત્તામાં આવ્યા પછી વડાં પ્રધાન ખાલિદા ઝિયા સત્તામાં હોવા છતાં તારિક રહેમાનના નેતૃત્વ હેઠળ હવા ભવન સત્તાનું સમાંતર કેન્દ્ર બની ગયું હતું.
તારિક રહેમાન અને તેમના નજીકનાં લોકો સામે ભ્રષ્ટાચારના આરોપો સામે આવવા લાગ્યા હતા. BNP સરકારના આ જ કાર્યકાળ દરમિયાન ૨૦૦૪માં આવામી લીગે ઢાકામાં વિપક્ષી નેતા શેખ હસીનાની રેલી પર ગ્રેનેડ હુમલા માટે તારિક રહેમાન અને હવા ભવનને જવાબદાર ઠેરવ્યા હતા. આવામી લીગના કાર્યકાળ દરમિયાન તારિક રહેમાનને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. અવામી લીગ સરકારના પતનથી તારિકને આવા આરોપોમાંથી રાહત મળી હતી. તારિક રહેમાનના ચૂંટણી સોગંદનામામાં તેમની સામે કુલ ૭૭ કેસોની યાદી આપવામાં આવી છે.
બાંગ્લા દેશમાં ૨૦૦૭માં લશ્કરી સમર્થિત કાર્યકારી સરકાર સત્તામાં આવ્યા બાદ, અવામી લીગના પ્રમુખ શેખ હસીના પછી, BNP નેતા ખાલિદા ઝિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમના પુત્ર અરાફાત રહેમાનની પણ ખાલિદા ઝિયા સાથે ધરપકડ કરવામાં આવી હતી. જો કે, અરાફાતને બાદમાં એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા સારવાર માટે થાઇલેન્ડ ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ મલેશિયા ગયા હતા, જ્યાં જાન્યુઆરી ૨૦૧૫ માં હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું. ભ્રષ્ટાચારના આરોપમાં તે સમયે ૧૮ મહિના જેલમાં વિતાવેલા તારિક રહેમાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને બુલેટપ્રૂફ જેકેટ અને હેલ્મેટ પહેરીને ઢાકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ તેમને પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા. રાજકીય વિશ્લેષક મોહિઉદ્દીન અહેમદ કહે છે કે તારિક રહેમાન પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પાર્ટીને એક રાખવામાં સફળ રહ્યા છે અને આ બધા છતાં, પાર્ટીના નેતા તરીકે તેમની દેશમાં વાપસી બાંગ્લા દેશને કાટમાળમાંથી ઉઠાવવા જેવી છે. તારિક રહેમાન પોતાના દમ પર બીએનપીના ટોચના નેતા તરીકે ઊભરી આવ્યા છે અને આવામી લીગની ગેરહાજરીએ તેમને એક પ્લેટફોર્મ આપ્યું છે. આ ચૂંટણી ભારત માટે ડેમેજ કંટ્રોલ જેવી છે અને ભારત એ પણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે કે જો જૂના સંબંધો પુનઃસ્થાપિત ન થાય તો પણ વધુ અંતર ન ઊભું થાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.