Columns

નવી પેઢી પોતાની દબાવી રાખેલી હતાશાને વ્યક્ત કરવા સૈયારા ફિલ્મ જોવા જાય છે

દાયકાઓ પહેલાં આવેલી ફિલ્મ ‘જય સંતોષી મા’ માં મહિલા દર્શકો જાણે રોવા માટે જ જતાં હતાં. ફિલ્મની નાયિકા ઉપર જે દુ:ખો પડતાં તે જોઈ મહિલાઓ રોઈ રોઈને અડધી થઈ જતી અને ફરી ફરીને રડવા જતી હતી. આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસના બધા રેકોર્ડો તોડી  નાખ્યા હતા. ત્યાર બાદ આવેલી ફિલ્મ ‘એક દૂજે કે લિએ’ માં કમલા હસન અને રતિ અગ્નિહોત્રીની પ્રેમ કહાણી એટલી કરુણ બની ગઈ હતી કે ફિલ્મના અંતે બંને પ્રેમીપંખીડાએ આપઘાત કર્યો હતો. આ ફિલ્મ જોયા પછી ભારતભરમાં અનેક પ્રેમીપંખીડાઓના આપઘાત કરવાના સમાચારો અખબારોમાં ચમક્યા હતા. અહાન પાંડે અને અનિત પદ્દાની ફિલ્મ ‘સૈયારા’એ ખાસ કરીને ટીનએજર દર્શકો પર જાદુ કર્યો છે. 

આ ફિલ્મમાં પડદા ઉપર જે દૃશ્યો જોવા મળે છે તેના કરતાં પણ વધુ રોમાંચક દૃશ્યો પડદાની સામે જોવા મળે છે. ફિલ્મ જોતી વખતે કેટલાંક ભગ્ન પ્રેમીઓ પોતાની નિષ્ફળ પ્રેમકહાણીની યાદમાં ધ્રૂસકે ને ધ્રૂસકે રડતાં જોવા મળે છે તો કેટલાક યુવાનો શર્ટ કાઢીને છાતી કૂટતા જોવા મળે છે. કેટલાંક પ્રેમીઓ તો ફિલ્મ જોઈને બેભાન બની ગયાં તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. એવું લાગે છે કે આ ફિલ્મને મોટા પડદા પર જોવી એ યુવાનો માટે એક મિશન બની ગયું છે. આ ફિલ્મ જોઈને તેઓ પોતાના જીવનની હતાશા બહાર કાઢીને હળવાં થઈ રહ્યાં છે. આ હતાશા તેમની નિષ્ફળ પ્રેમકહાણીને કારણે હોય તેવું જરૂરી નથી. આજના યુવાનોમાં બેકારી વગેરેને કારણે જે હતાશા પેદા થઈ છે તેને પણ તેઓ થિયેટરમાં બહાર કાઢી રહ્યાં છે.

ફિલ્મ સૈયારા એ સંબંધો તૂટવા, એકલતા, જીવનમાં અપૂર્ણતા અને પોતાની જાત સાથે સંઘર્ષ કરતાં પાત્રોની વાર્તા છે. જે યુવાનો પહેલાંથી જ ચિંતા, ઓછા આત્મસન્માન અથવા બ્રેકઅપથી પીડાઈ રહ્યાં છે તેમના માટે આ ફિલ્મ જૂના ઘા ફરીથી ખોલવા જેવી પુરવાર થઈ છે. બ્રેકઅપ અને અસ્વીકાર જેવી ભાવનાત્મક સમસ્યાઓનો સામનો કરતાં લોકો માનસિક તૈયારી વિના આ ફિલ્મ જુએ છે અને ફિલ્મ જોતી વખતે તેમનું નર્વસ સિસ્ટમ પ્રતિક્રિયા આપે છે. ભોપાલના એક મલ્ટિપ્લેક્સમાં સૈયારા ફિલ્મ જોતી વખતે ૨૪ વર્ષીય રાહુલ અચાનક ગભરાઈ ગયો, તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને તેના હાથપગ ધ્રૂજવા લાગ્યા. થોડા સમય પછી તેની હાલત એટલી ગંભીર થઈ ગઈ કે તેના પરિવારે એમ્બ્યુલન્સ બોલાવવી પડી. દિલ્હીની એક ૨૧ વર્ષની છોકરી ફિલ્મની છેલ્લી ૧૫ મિનિટ દરમિયાન બેકાબૂ બનીને રડવા લાગી ત્યારે તેને થિયેટરની બહાર કાઢવી પડી હતી.

ભોપાલના વરિષ્ઠ મનોચિકિત્સક ડૉ. સત્યકાંત ત્રિવેદી કહે છે કે આવી ફિલ્મોમાં દર્શાવવામાં આવતી તીવ્ર ભાવનાત્મક પીડા જેમના જીવનમાં જૂના વણઉકેલાયેલા આઘાતો હોય છે, તેવાં કેટલાંક લોકો માટે વધુ આઘાતજનક અને પીડાદાયક બની શકે છે. માનસિક રીતે અસ્થિર વ્યક્તિઓ માટે આવી ફિલ્મો આઘાત પેદા કરી શકે છે. દિલ્હી યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના ડૉ. ચંદ્રપ્રકાશ કહે છે કે આવી ફિલ્મો પહેલાં ચેતવણી આપવી જોઈએ કે તેમાં એવાં દૃશ્યો  છે જે માનસિક રીતે સંવેદનશીલ દર્શકોને વિચલિત કરી શકે છે. જો ભાવનાત્મક રીતે નબળાં વ્યક્તિ ફિલ્મ જોવા જાય છે, તો તેને અગાઉથી ખબર હોવી જોઈએ કે શું થવાનું છે. સૈયારા ફિલ્મ જોયા પછી હજારો યુવકયુવતીઓ જે રીતે નર્વસ બ્રેકડાઉનનો ભોગ બની રહ્યાં છે તે જોયા પછી લાગે છે કે જેનએક્સમાં મનોરોગીઓની સંખ્યા વધી ગઈ છે.

સૈયારા ફિલ્મ રિલીઝ થયાના થોડા સમય પછી કેટલાંક લોકોએ આ ફિલ્મને કોરિયન ફિલ્મની નકલ ગણાવી છે. સોશ્યલ મિડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે સૈયારા કોરિયન ફિલ્મ અ મોમેન્ટ ઓફ લાઈફમાંથી કોપી કરવામાં આવી છે. અ મોમેન્ટ ઓફ લાઈફ વિશે વાત કરીએ તો આ ફિલ્મ ૨૦૦૪ માં રિલીઝ થઈ હતી. તે સમયે લોકોને આ ફિલ્મ ખૂબ ગમી હતી. ફિલ્મના એક નાના ભાગની જ નહીં પણ આખી વાર્તાની ઉઠાંતરી કરવામાં આવી છે.

જો કે, મોહિત સૂરીએ તેમાં કેટલાક ફેરફારો પણ કર્યા છે. ૨૧ વર્ષ પહેલાં આવેલી આ ફિલ્મ જોન એચ. લીના નિર્દેશનમાં બનાવવામાં આવી હતી. તેમાં જંગ વૂ-સંગ, સોન યે-જિન મુખ્ય ભૂમિકામાં હતાં. ૨૦૦૪માં રિલીઝ થયેલી આ ફિલ્મની વાર્તા આટલાં વર્ષો પછી પડદા પર લાવવામાં આવી ત્યારે એવું વિચાર્યું હશે કે આટલી જૂની ફિલ્મ કોણ યાદ રાખશે. જો કે,  સૈયારાના નિર્માતાઓ ખોટા હતા. સાથે જ એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે સૈયારાના નિર્માતાઓએ હજુ સુધી આ બાબતે કંઈ કહ્યું નથી. બોલિવૂડમાં વિદેશી ફિલ્મોની કથાની તફડંચી કરવામાં આવે તેની કોઈને નવાઈ લાગતી નથી.

કોરિયન ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો તે એક રેલ્વે સ્ટેશનથી શરૂ થાય છે, જ્યાં સૂન-જીન નામની એક યુવતી હાથમાં બે ટિકિટ લઈને કોઈની રાહ જોઈને બેઠી છે. થોડા સમય પછી તે ઊભી થાય છે અને ટેલિફોન બૂથમાં જઈને રડે છે. ખરેખર, સૂન-જીન તેના બોયફ્રેન્ડની રાહ જોતી હોય છે, જેની સાથે તે નવું જીવન શરૂ કરવા જઈ રહી છે, પરંતુ તે આવતો નથી. પછી તે તેના ઘર તરફ જવાનું શરૂ કરે છે.

તે દરમિયાન તે કોલ્ડ્રીંક લેવા માટે એક દુકાનમાં જાય છે અને પૈસા ચૂકવ્યા પછી તે ત્યાંથી નીકળી જાય છે. પછી જ્યારે તે દુકાનથી થોડે દૂર આવે છે, ત્યારે તેને યાદ આવે છે કે તે કોલ્ડ્રીંક લેવાનું ભૂલી ગઈ હતી. પરંતુ જ્યારે તે દુકાનમાં પ્રવેશવા જતી હોય છે ત્યારે તે ચુલ-સૂ નામના છોકરાને જુએ છે, જેના હાથમાં એ જ કોલ્ડ્રીંક છે. પછી સૂન-જીન કાઉન્ટર તરફ જુએ છે, પરંતુ તેને ત્યાં તેનું કોલ્ડ્રીંક મળતું નથી. તેને લાગે છે કે છોકરાએ તેનું કોલ્ડ્રીંક પી લીધું છે, તેથી તે તરત જ તેના હાથમાંથી કોલ્ડ્રીંક લઈ લે છે અને પીવે છે. થોડા સમય પછી તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તેને ખબર પડે છે કે તે તેનું કોલ્ડ્રીંક નહોતું. આ રીતે વાર્તા આગળ વધે છે.

ધીમે ધીમે તેમની મુલાકાત પ્રેમમાં ફેરવાય છે. ચુલ-સૂ સૂન-જીનના પિતાની બાંધકામ કંપનીમાં કામ કરે છે. સૂન-જીનને મળ્યા પછી તે આર્કિટેક્ટ બનવાનો પ્રયાસ કરે છે અને એક સારી કંપનીમાં નોકરી મેળવે છે, જ્યારે સૂન-જીન એક ફેશન ડિઝાઇનર છે. પછી બંને લગ્ન કરે છે અને તેમનું જીવન સારી રીતે ચાલે છે, પરંતુ જ્યારે તેમને સૂન-જીનની બીમારી વિશે ખબર પડે છે ત્યારે તેમના જીવનમાં એક તોફાન આવે છે. સૂન-જીનને અલ્ઝાઈમર છે, જેના કારણે તે ધીમે ધીમે બધું ભૂલી જાય છે. આ દરમિયાન સૂન-જીનનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ તેના જીવનમાં પાછો આવવા માગે છે, જેના કારણે તેનું સ્વાસ્થ્ય વધુ બગડવા લાગે છે. આ દંપતીને આ રોગથી ઘણું દુઃખ થાય છે. એક દિવસ એવો આવે છે જ્યારે ચુલ-સૂ ઘરે આવે છે અને જુએ છે કે સૂન-જીન ઘર છોડીને ચાલી ગઈ છે, કારણ કે તે ચુલ-સૂને તેની બીમારીને કારણે અસ્વસ્થ જોઈ શકતી નથી. ચુલ-સૂ તેની પત્નીને શોધવાનો ખૂબ પ્રયાસ કરે છે, પણ તે ક્યાંય મળતી નથી. ચુલ-સૂ પોલીસ સ્ટેશનમાં પણ જાય છે. ત્યાંથી પણ તેને કોઈ મદદ મળતી નથી.

એક દિવસ ચુલ-સૂના ઘરે એક પત્ર આવે છે, જે સૂન-જીનનો હોય છે. તે પત્રમાં સૂન-જીન તેના ગુમ થવા વિશે જણાવે છે. તે તે સમયે જ્યાં રહેતી હતી તે જગ્યાનો પણ ઉલ્લેખ કરે છે. તે જગ્યાના ઉલ્લેખ મુજબ ચુલ-સૂ તેની પાસે પહોંચે છે. પછી ચુલ-સૂ સાથે આખો પરિવાર સૂન-જીનને તેની જૂની વાતો યાદ કરાવે છે. સૈયારા ફિલ્મમાં તેમનાં લગ્ન અંતમાં બતાવવામાં આવ્યા છે, પરંતુ બાકીની વાર્તા લગભગ સમાન છે. બંને ફિલ્મોમાં અભિનેત્રી એક જ રોગથી પીડાય છે અને તે તેના જીવનસાથીને મુશ્કેલીમાંથી બચાવવા માટે છોડી દે છે. સૈયારા અને અ મોમેન્ટ ઓફ લાઈફ વચ્ચે તફાવત એ છે કે સૈયારા આજના સમય અનુસાર બનાવવામાં આવી છે અને તેની સાથે તેમાં આશિકી-૨ ની ઝલક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

યશરાજની સૈયારા ફિલ્મ પહેલા દિવસથી જ ચિક્કાર કમાણી કરી રહી છે. વીક એન્ડમાં જબરદસ્ત ઓપનિંગ પછી તેણે સોમવારે પણ બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરવાનું ચાલુ રાખ્યું હતું. મંગળવારે સૈયારાના શો સોમવાર કરતાં વધુ પ્રેક્ષકો સાથે ચાલતા જોવા મળ્યા હતા. સૈયારાએ મંગળવારે લગભગ ૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ સિંગલ સ્ક્રીન અને નાના શહેરી વિસ્તારોમાં પણ જોરદાર બિઝનેસ કરી રહી હોવાથી અંતિમ આંકડો થોડો વધારે હોઈ શકે છે. અંદાજ લગાવી શકાય છે કે સૈયારા પહેલા અઠવાડિયામાં જ બોક્સ ઓફિસ પરથી ૧૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે અને તેનું ટોટલ કલેક્શન ૩૦૦ કરોડથી વધુ હોઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top