૧૧ નવેમ્બરની રાત્રે, અમદાવાદના બોપલ જેવા પ્રમાણમાં ધનાઢ્ય ગણાતા વિસ્તારના જાહેર રસ્તા પર ૨૩ વર્ષના પ્રિયાંશુ જૈનની થયેલ હત્યા કોઈ સામાન્ય ખૂન કે ગુંડા ગર્દીની ઘટના નથી, કે નથી હિટ એન્ડ રન જેવી બેદરકારીનો કિસ્સો. એ બદલાતા સમાજની બદલાતી તાસીરના એંધાણ છે. ઘટનામાં પ્રિયાંશુ અને એનો મિત્ર પૃથ્વીરાજ રાત્રે નાસ્તો કરી પોતાના બાઇક પર કોલેજ પાછા જઇ રહ્યા હતા. પાછળથી અત્યંત ઝડપે પસાર થયેલી ગાડીને સ્પીડ ઓછી કરવા અંગે ટકોર કરી. આટલી સામાન્ય લાગતી બાબતે બોલચાલ બાદ ગાડી ચાલક યુ-ટર્ન લઈ પાછો આવ્યો. ગાડીમાંથી ઉતરી મારામારી શરૂ કરી ત્યારે એના બંને હાથમાં ચાકુ હતા જે વડે એણે પ્રિયાંશુના પેટમાં ઘા કર્યા જે જીવલેણ નીવડ્યા. પાછલા બે-ત્રણ વર્ષમાં ઘટેલી આવી બીજી બે ઘટના આ લખનાર વ્યક્તિગત ધોરણે જાણે છે.
બે વર્ષ પહેલા, બે વિદ્યાર્થિની એસ.જી. હાઇવેના સાંકડા સર્વિસ લેનમાંથી સ્કૂટી લઈને પસાર થતી હતી અને પાછળથી આવેલી ઓડી ગાડી સહેજ અડતા, ગાડી ચાલક ઊભો રહ્યો અને ગંદી ગાળો બોલતા, પોતાની ગાડીની ડીકીમાંથી લાઠી કાઢી અને સ્કૂટી ચલાવનાર વિદ્યાર્થિનીને પગ પર બે-ચાર વાર માર્યું, અને ગાડી ભગાવી ચાલ્યો ગયો. સામાન્ય રીતે એવું મનાય છે કે આવી મારપીટ છોકરીઓ સાથે નથી થતી, પણ આ ઘટનામાં એવો કોઈ ભેદ રહ્યો નહીં! આ ઘટનાથી હેબતાઈ ગયેલી વિદ્યાર્થિની ત્યારબાદ કોલેજ આવવા જ નો’તી માંગતી. ઘણાં કોઉન્સેલિંગ પછી એણે પરીક્ષા આપી.
બીજો કિસ્સો કોમર્સ કોલેજ વિસ્તારમાં અન્ય એક પરિચિત વ્યક્તિ સાથે થયો. અત્યંત ઝડપથી આવતી પોશ ગાડીને જોઈ બાઇક ચલાવનાર વ્યક્તિએ મૌખિક ઠપકો આપ્યો. ઠપકો સહન ના કરી શકતા કાર ચાલકે ગાડીમાંથી ઉતરી ક્રિકેટના બેટ વડે બાઇક ચાલક પર હુમલો કર્યો. હુમલો કરનાર મોટા બાપનો નબીરો હતો એટલે વાત દબાઈ ગઈ. જો આ બંને ઘટનાની આ લખનારને વ્યક્તિગત ધોરણે જાણ છે તો આ પ્રકારની અન્ય ઘટનાઓ બની જ હોવી જોઈએ. બોપલની ઘટનામાં પ્રિયાંશુનું મૃત્યુ થઈ ગયું એટલે એની અખબારોએ નોંધ લીધી. અન્ય ઘટનાતો જાણવાજોગ માનીને વિસરાઈ ગઈ.
પ્રિયાંશુના માતા-પિતાએ પોતાનો જુવાન જોધ અને આશાસ્પદ લાડકવાયો ગુમાવ્યો, એટલે આ ઘટના ચોક્કસ પણે ભાવનાત્મક રીતે આપણી સંવેદનાને સ્પર્શે છે. પણ, એ સિવાય પણ ઉપરની ત્રણેય ઘટના ઘણું કહી જાય છે. આ દરેક કિસ્સામાં ગુનેગારની સામંતી માનસિકતા દેખાય છે. હાથમાં મોંઘી દાટ ગાડી હોય તો એને બેફામ ચલાવી શકવાનું ઘમંડ અને ઉદ્ધતાઈ દેખાય છે. જે વલણ હિંસક સ્વરૂપ લઈ રહ્યો છે. ચાકુ કે લાઠી જેવા હથિયાર લોકો પોતાની સાથે રાખીને ફરે છે. તેઓ બહાનું આત્મ સુરક્ષાનું આપતા હશે પણ, ગુસ્સો આવે ત્યારે એનો હુમલો કરવામાં પણ ઉપયોગ કરે છે!
ઉત્તરપ્રદેશ અને બિહારમાં રસ્તા ઉપર આવી ઘટનાઓ થતી હોવાનું સાંભળ્યું છે. એ માટે આ વિસ્તારની સામંતવાદી સમાજ વ્યવસ્થાને જવાબદાર માનવામાં આવે છે. સામંતવાદી વ્યવસ્થામાં ઊંચ-નીચનો અધિક્રમ રહેલો છે. લોકશાહીની પ્રગતિ સાથે આ ઊંચ-નીચનો ક્રમ નાબૂદ થવો જોઈએ. પણ, જ્યાં એને સામાજિક માન્યતા મળેલી છે, ત્યાં નાબૂદ થતાં વાર લાગે છે. ગુજરાતમાં આ પ્રકારની હિંસા દલિતો વિરુધ્ધ વર્ષોથી જોવા મળે છે. પાછલા થોડા વર્ષોમાં મુસલમાનો વિરુધ્ધ પણ હિંસા થાય છે. પણ એ સિવાય જાહેરમાં સામાન્ય ખટરાગ હિંસક સ્વરૂપ લે એવું બનતું નથી.
આ વલણ નવું છે. ચોરીની શંકાએ વડોદરા, કચ્છ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જેવી અલગ અલગ ઘટનામાં માણસ મરી જાય એ હદે લીંચિંગ થાય એ ચોંકાવનારું છે. આ બધી ઘટના છેલ્લા છ મહિનામાં નોંધાઈ છે. શું આ કથળતા માનસિક સ્વાસ્થ્યનું પરિણામ છે કે પછી એનાથી આગળ વધી સામંતી માનસિકતાનો નવો પ્રકાર છે? આ સવાલ પુછવો વ્યાજબી છે કારણ કે જે રીતે લોકો કાયદો અને વ્યવસ્થાને હાથમાં લઈ રહ્યા છે એમાં સત્તા અને શક્તિનું પ્રદર્શન કરતી એક પેટર્ન દેખાય છે. કોમી લીંચિંગને સત્તા તરફથી રક્ષણ મળતું રહે છે, પણ એ રીતે પોષાતુ હિંસક વલણ કોમી વૈમનસ્ય પૂરતું મર્યાદિત થોડું રહેવાનું? એ તો એક માનસિકતા છે જે દવની માફક ફેલાવાની.
ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. ૨૦૨૩ના ક્રાઇમ બ્યુરોની મહત્તમ ગુનો નોંધાયેલા દસ શહેરોની યાદીમાં ગુજરાત બે શહેરોનો સમાવેશ થયો છે – સુરત અને અમદાવાદ. આર્થિક પ્રગતિનો લાભ જ્યારે અમુક વર્ગ પૂરતો મર્યાદિત રહે ત્યારે વંચિત વર્ગમાં પોતાની આકાંક્ષાઓ પાર પાડવા ગેર કાનૂની રસ્તા અપનાવે એવું જોવા મળતું હોય છે. પણ, જે વર્ગ આ વ્યવસ્થાનો લાભાર્થી છે એ સત્તાની વધુ નજીક આવે છે, અને શક્તિશાળી બને છે. તેમને લાભનો નશો ત્યારે ચડે જ્યારે પોતે અન્ય કરતાં ચડિયાતા હોવાનો ઘમંડ સંતોષાય. તાકાતના પ્રદર્શન માટે હિંસાથી તેઓ છોછ નથી કરતાં. આ ઘમંડી વલણને સામંતી નહીં તો બીજું શું કહીશું?
નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.