Comments

નવા ફોજદારી કાયદાઓ આપણી સ્વતંત્રતા ઉપર તરાપ મારનારા છે

તા. ૧ જુલાઇથી ત્રણ નવા ફોજદારી કાયદા સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે. તેની સારી બાબતો અંગે સરકાર અને પોલીસ પોતાનો પ્રચાર કરી રહી છે, પણ સરકાર જે બાબતે મૌન છે તે કહેવી જરૂરી છે. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે આ કાયદા એવા સમયે પસાર કરવામાં આવ્યા હતા જ્યારે વિપક્ષી બેન્ચના ૧૫૦થી વધુ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કાયદાની ન તો બરાબર ચર્ચા થઈ હતી કે ન તો કોઈને તેનો અભ્યાસ કરવાનો સમય મળ્યો છે. આવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કાયદાઓથી પોલીસ શાસન આવશે.

પોલીસને ગુનેગારની ધરપકડ કરવાની,  તેને હાથકડી પહેરાવવાની અને તેને કસ્ટડીમાં રાખવા માટેની વધુ સત્તાઓ મળી છે. આપણા દેશમાં પોલીસ તંત્ર દ્વારા પહેલાં પણ કાયદાનો દુરુપયોગ થયો છે અને હવે પોલીસ તેમની સત્તાનો દુરુપયોગ નહીં કરે તેની કોઈ ગેરંટી નથી. ઘણા કાનૂની નિષ્ણાતો કહે છે કે જો બ્રિટિશ કાયદા ક્રૂર હતા તો હવે બનેલા કાયદા અનેક ગણા વધુ ક્રૂર છે. જૂના કાયદા મુજબ પોલીસ કસ્ટડી ૧૫ દિવસ સુધી જ લંબાવી શકાતી હતી. નવો કાયદો કહે છે કે પોલીસ કસ્ટડી ૯૦ દિવસ સુધી લંબાવી શકાય છે, એટલે કે ૧૫ દિવસ નહીં પણ ૯૦ દિવસ સુધી ટોર્ચર ચાલુ રહેશે.

ભારત ગુલામ હતું ત્યારે બનાવાયેલા કાયદા કરતાં પણ આ કાયદા વધુ કડક બનાવવામાં આવ્યા છે. ભૂતપૂર્વ ન્યાયાધીશો અને માનવાધિકાર સંગઠનોએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમને લાગે છે કે હવે પોલીસ સામાન્ય ગુના માટે પણ આરોપીને ૯૦ દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકે છે. અગાઉ માત્ર વધુમાં વધુ ૧૫ દિવસના પોલીસ રિમાન્ડ મળી શકતા હતા. પરંતુ હવે તે ૬૦ કે ૯૦ દિવસ માટે આપી શકાય છે. કેસની ટ્રાયલ શરૂ થાય તે પહેલાં આટલા લાંબા પોલીસ રિમાન્ડ અંગે ઘણા કાયદા નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. બંધારણની કલમ ૨૧મી ખૂબ જ સ્પષ્ટ છે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈ પણ વ્યક્તિને જીવન અને સ્વતંત્રતાથી વંચિત ન રાખી શકાય. આ કાયદા દ્વારા આરોપીનો સ્વતંત્રતાનો અધિકાર ૯૦ દિવસ માટે ઝૂંટવી લેવાશે. આ કાયદાનો ઉપયોગ શાસક પક્ષના રાજકીય વિરોધીઓને હેરાન કરવા માટે પણ કરી શકાશે.

નવા કાયદા ભારત ન્યાયસંહિતા (બીએનએસ) ની કલમ હેઠળ પહેલી FIR દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં ૧ જુલાઈના રોજ નોંધવામાં આવી હતી, જ્યાં નવી દિલ્હી રેલવે સ્ટેશનના ફૂટ ઓવરબ્રિજની નીચે અવરોધ ઊભો કરવા અને સામાન વેચવાના આરોપમાં એક સ્ટ્રીટ વેન્ડરની ધરપકડ કરવામાં આવી હતી. બીએનએસની કલમ ૨૮૫ હેઠળ ટ્રેક ડીલર સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ વ્યક્તિ દિલ્હીમાં રોજીરોટી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, પણ તેની સામે FIR દાખલ કરવામાં આવી હતી. સરકાર જનતાને રોજીરોટી આપવાની પોતાની ફરજ તો બજાવી નથી શકતી; જેઓ જાતે પુરુષાર્થ કરે છે તેમને જેલમાં નાખવામાં આવે છે.

કેટલાંક રાજ્યો આ કાયદાના નામને લઈને વિરોધ પણ કરી રહ્યા છે. દક્ષિણનાં બે રાજ્યો કર્ણાટક અને તમિલનાડુએ કહ્યું છે કે આ કાયદાના નામ બંધારણની કલમ ૩૪૮નું ઉલ્લંઘન કરે છે, જે હેઠળ કાયદાનાં નામ અંગ્રેજીમાં હોવાં જોઈએ. આ ત્રણ કાયદા અંગે આવા અનેક વાંધા અને પ્રશ્નો ઊભા થયા છે. ઉદાહરણ તરીકે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના મુખ્ય પ્રધાનોએ માંગ કરી હતી કે આ કાયદો હજી અમલમાં મૂકવો જોઈએ નહીં.

કર્ણાટક રાજ્યના કાયદા મંત્રી એચ.કે. પાટિલની આગેવાની હેઠળની ત્રણ કાયદાઓના અભ્યાસ માટેની સમિતિએ ગયા વર્ષે તેનો અહેવાલ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને સુપરત કર્યો હતો. ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારો પાસેથી સૂચનો માંગ્યાં હતાં, પણ કેન્દ્ર સરકારે કર્ણાટકનાં સૂચનોનો જવાબ આપ્યો નથી. આ સમિતિએ આ કાયદાની ઘણી જોગવાઈઓને સંસ્થાનવાદી કાયદાઓથી સ્વતંત્રતાના નામે ટોકનિઝમ અને એડહોકિઝમ તરીકે વર્ણવી છે. ડીએમકેના પ્રવક્તા અને વકીલ મનુરાજ ષણમુગમ માને છે કે નવા કાયદાથી જે લોકો કેસ લડી રહ્યા છે તેઓને સૌથી વધુ અસર થશે.

નવા ફોજદારી કાયદામાં આત્મહત્યાને અપરાધ તરીકે જાહેર કરવામાં આવેલ છે. તેમાં આમરણ ઉપવાસને પણ અપરાધ બનાવવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીએ ઉપવાસ કર્યા હતા અને સત્યાગ્રહ કર્યો હતો, જેના કારણે દેશની આઝાદી મળી હતી. હવે તે અપરાધ છે. તેનો સીધો મતલબ કે લોકો ઉપવાસ આંદોલન કરી નહીં શકે. ભારતની પ્રજાનો ઉપવાસ આંદોલનનો હક્ક કાયદાએ છીનવી લીધો છે. જૈન ધર્મમાં સંલ્લેખનાને મોટું તપ ગણવામાં આવે છે. આ તપમાં માણસ ઉપવાસ કરીને સમાધિમરણ પામે છે. આ સંલ્લેખનાનો મોટો વિવાદ થયો હતો. જૈન સંઘને તેના માટે મોટું આંદોલન કરવું પડ્યું હતું. છેવટે સુપ્રીમ કોર્ટે તેને ધાર્મિક અધિકાર તરીકે માન્યતા આપી હતી. હવે ફોજદારી કાયદામાં જે નવા ફેરફારો કરવામાં આવ્યા છે તેને કારણે કદાચ જો સંલ્લેખનાને પણ અપરાધ માનવામાં આવશે તો જૈનોને ફરી આંદોલન કરવું પડશે.

ભારતીય ન્યાયિક સંહિતાની કલમ ૧૧૩ (૧) જણાવે છે કે જો કોઈ વ્યક્તિ આતંક ફેલાવવાના ઈરાદાથી આવી કોઈ પ્રવૃત્તિ કરે છે, જે ભારતની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ અથવા આર્થિક સુરક્ષાને જોખમમાં મૂકે છે, તો તેને આતંકવાદી પ્રવૃત્તિ ગણવામાં આવશે. જો કોઈ વ્યક્તિ આતંકવાદી પ્રવૃત્તિ કરે અને તેના કારણે લોકો મૃત્યુ પામે છે, તો જો તે દોષિત સાબિત થશે તો તેને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા થશે. અન્ય આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પાંચ વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. કોઈને આજીવન કેદની સજા થાય તો તેને પેરોલ પણ નહીં મળે.

નવા કાયદામાં સાર્વજનિક સુવિધાઓ અથવા ખાનગી મિલકતોને નુકસાનના પણ આતંકવાદના દાયરામાં લાવવામાં આવ્યું છે. જો સરકારના મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થાય છે, તો આવું કરનાર વ્યક્તિ સામે આતંકવાદના નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આવી સ્થિતિમાં એવો ડર છે કે જો કોઈ વિરોધ પ્રદર્શન દરમિયાન તોડફોડ કરશે તો શું તેની સામે આતંકવાદના કાયદા હેઠળ કાર્યવાહી થશે? નવા કાયદામાં આતંકવાદની વ્યાખ્યા એવી રીતે કરવામાં આવી છે કે તુમાખીખોર પોલીસ સામાન્ય નાગરિકોને પણ નિશાન બનાવી શકે તેવો ડર રહે છે.

સરકારે ભલે રાજદ્રોહનો કાયદો નાબૂદ કર્યો હોય, પરંતુ દેશ વિરુદ્ધના ગુના હેઠળ નવો કાયદો બનાવવામાં આવ્યો છે. આમાં સરકાર સામે આંદોલન અને વિરોધ કરનારાં લોકોને પણ કાયદાના દાયરામાં લાવી શકાય છે. ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકે તેવાં કાર્યો માટે નવો કાયદો છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચે એટલી પાતળી  ભેદરેખા છે કે વિરોધ કરનારાં લોકો પણ આ કાયદાના દાયરામાં આવી શકે છે. અહીં ડર એ છે કે જો કોઈ સરકાર સામે વિરોધ કરશે તો શું પોલીસ તેની સામે નવા કાયદા હેઠળ કાર્યવાહી કરશે? જો કે વિરોધ પ્રદર્શન અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં આવે છે, પરંતુ જો કોઈ નાગરિક સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરે તો પોલીસ તેની સામે કાર્યવાહી કરીને તેને જેલમાં પૂરી શકે છે.

ભારતીય ન્યાય સુરક્ષા કોડ અથવા BNSS ની કલમ ૪૩ (૩) હેઠળ પોલીસને આરોપીઓને હાથકડી લગાડવાની મંજૂરી આપવામાં આવી છે. જો આરોપી રીઢો ગુનેગાર હોય, પોલીસ કસ્ટડીમાંથી ફરાર હોય, સંગઠિત ગુના આચર્યા હોય, તેની પાસેથી ગેરકાયદેસર હથિયારો મળી આવ્યાં હોય, જો કોઈ વ્યક્તિ હત્યા, બળાત્કાર, એસિડ એટેક, નકલી ચલણી નોટો, માનવતસ્કરી, બાળકો વિરુદ્ધ જાતીય અપરાધો, રાજ્ય વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલ હોય તો પોલીસ તેને હાથકડી પણ લગાવી શકે છે. નાની ચોરી, બદનક્ષી અને આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે દોષિત વ્યક્તિને પણ પોલીસ હાથકડી પહેરાવીને તેને પરેશાન કરી શકે છે.

Most Popular

To Top