Columns

ચાર ધામ યાત્રા માટેનો નવો કોરિડોર પર્યાવરણીય સંકટ પેદા કરી શકે તેમ છે

ઉત્તરાખંડમાં તાજેતરમાં જે પર્યાવરણીય આફત આવી તે માટે ચાર ધામને જોડતો હાઈ વે પણ કારણરૂપ માનવામાં આવે છે, જેનું અત્યારે બાંધકામ ધમધોકાર ચાલી રહ્યું છે. ઉત્તરાખંડના રાજમાર્ગોની વર્તમાન સ્થિતિ સુધારવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે ચાર ધામ રાજમાર્ગ વિકાસ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ યોજના દ્વારા સરકાર ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથને જોડતા રસ્તાઓનું સમારકામ, અપગ્રેડ અને વિકાસ કરશે.

આ પ્રોજેક્ટ માટે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી    ૧,૧૦૦ કિલોમીટરની ત્રિજ્યામાં ફેલાયેલા ઉત્તરાખંડના રાજમાર્ગો બધી ઋતુઓમાં ખુલ્લા રહેશે. જો કે પર્યાવરણના નિષ્ણાતો માને છે કે વડા પ્રધાન મોદીના પ્રિય પ્રોજેક્ટ ચાર ધામ સુધી ૮૮૯ કિલોમીટર લાંબા ઓલ-વેધર રોડના નિર્માણથી આ પ્રદેશના પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. વન વિભાગે આ ખતરાને ધ્યાનમાં લઈને થોડા સમય પહેલાં નેશનલ હાઇ વે ઓથોરિટીના અધિકારીઓને નોટિસ મોકલી હતી અને ૧૨ લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટ પર્યાવરણ અને સ્થાનિક સમુદાયો પર ઘણી નકારાત્મક અસરો કરી રહ્યો છે.રસ્તાના બાંધકામ માટે પર્વતો અને ઢોળાવો કાપવાથી ભૂસ્ખલન અને માટીનું ધોવાણ થઈ રહ્યું છે. આનાથી નદીઓ પ્રદૂષિત થઈ રહી છે અને આસપાસના વિસ્તારોમાં ભય વધી રહ્યો છે.આ પ્રોજેક્ટ માટે હજારો વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં છે, જેના કારણે વન્ય જીવોના રહેઠાણનો નાશ થયો છે અને જૈવ વિવિધતાને નુકસાન થયું છે. રસ્તાના બાંધકામમાંથી નીકળતો કાટમાળ અને પ્રદૂષણ પાણીના સ્રોતો પર નકારાત્મક અસર કરી રહ્યું છે, જેના કારણે પાણીની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે.

આ પ્રોજેક્ટને કારણે થતાં પ્રદૂષણ અને જંગલોનું નુકસાન આબોહવા પરિવર્તનમાં ફાળો આપી રહ્યું છે, જેના કારણે હિમનદીઓ પીગળી રહી છે.રસ્તાના બાંધકામને કારણે ઘણાં સ્થાનિક લોકોને તેમનાં ઘરો અને જમીનોમાંથી વિસ્થાપિત થવું પડ્યું છે. આ પ્રોજેક્ટ કૃષિ અને પર્યટન જેવી પરંપરાગત આજીવિકા પર નકારાત્મક અસર કરી રહ્યો છે. રસ્તાના નિર્માણમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી અને તેનાં ધોરણો પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, જે મુસાફરોની સલામતી અંગે ચિંતા ઊભી કરે છે.ચાર ધામ વિસ્તાર એક સંવેદનશીલ ઇકોલોજીકલ ઝોન છે અને આ પ્રોજેક્ટ આ પ્રદેશના નાજુક પર્યાવરણ માટે ગંભીર ખતરો ઊભો કરે છે.

ચાર ધામ યાત્રા રૂટની પહોળાઈ અંગે શરૂઆતથી જ વિવાદ ચાલી રહ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિમાં બે મંતવ્યો હતાં. પહેલો અભિપ્રાય રસ્તાની પહોળાઈ ૫.૫ મીટર રાખવાનો હતો પરંતુ બીજો અભિપ્રાય ૧૦ મીટર પહોળો રસ્તો બનાવવાનો હતો. સપ્ટેમ્બર ૨૦૨૦ ના વચગાળાના આદેશમાં સુપ્રીમ કોર્ટે રસ્તાની પહોળાઈ ૫.૫ મીટર રાખવાનું કહ્યું હતું પરંતુ ગયા વર્ષે ૧૪ ડિસેમ્બરે યાત્રા રૂટની પહોળાઈ ૧૦ મીટર રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ માટે કારણ આપવામાં આવ્યું હતું કે ચાર ધામ કોરિડોર સરહદ નજીક હોવાથી સૈન્યને ૧૦ મીટર પહોળા રોડની જરૂર છે.

કોર્ટના નિર્ણય પછી સમિતિના અધ્યક્ષ રવિ ચોપરાએ રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે માર્ગ મંત્રાલયે રસ્તાની પહોળાઈ વધારવા માટે સંરક્ષણ મંત્રાલયનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો છે. ચાર ધામ યાત્રા રૂટ કેસમાં સક્રિય રહેલા અને HPC ના સભ્ય હેમંત ધ્યાની કહે છે કે HPC રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે જો ઝાલા અને ભૈરોઘાટી વચ્ચે ૫.૫ મીટર પહોળો રસ્તો બનાવવામાં આવે તો પણ ૩,૦૦૦ થી વધુ દેવદારનાં વૃક્ષો કાપવાં પડશે. ઉત્તરકાશી જિલ્લાના ભટવાડી બ્લોકમાં રહેતા મોહનસિંહ રાણાએ ૧૭ વર્ષ સુધી સેનામાં સેવા આપી હતી. હવે આ નિવૃત્ત સૈનિક સંવેદનશીલ હિમાલય ક્ષેત્રમાં પોતાનાં જંગલો બચાવવા માટે સરકાર સાથે લડી રહ્યો છે.  મોહનસિંહે  કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અહીં હરસિલ વિસ્તારમાં હજારો દેવદારનાં વૃક્ષો છે.

જો સરકાર આવું કરવાની યોજના બનાવે તો આ બધાં વૃક્ષો કાપી નાખવામાં આવશે. આવું ન થવું જોઈએ. મોહનસિંહ ઉત્તરકાશી-ગંગોત્રી ચાર ધામ યાત્રા રૂટ વિશે વાત કરી રહ્યા છે જેના માટે ભાગીરથી ઇકો સેન્સિટિવ ઝોનમાં ૬,૦૦૦ દેવદાર વૃક્ષોની ઓળખ કરવામાં આવી છે. આ હિમાલયી પ્રદેશ, જે વિશ્વના સૌથી પર્યાવરણીય રીતે સંવેદનશીલ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. તે ગ્લોબલ વોર્મિંગની અસરોને કારણે વધુ જોખમમાં છે.

સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકો કહે છે કે સરકાર કાપવા માટેનાં દેવદારનાં વૃક્ષોની સંખ્યા ખૂબ ઓછી હોવાનો અહેવાલ આપી રહી છે. હિમાલય બચાવો અભિયાનના સભ્ય સુરેશ ભાઈએ જણાવ્યું હતું કે “સરકાર કહી રહી છે કે આ વિસ્તારમાં ૬,૦૦૦ વૃક્ષો કાપવામાં આવશે પરંતુ વાસ્તવમાં વન વિભાગ લગભગ ૨ લાખ ૮૦ હજાર વૃક્ષો કાપશે, જેમાં ઘણાં નાનાં વૃક્ષો અને ઔષધીય મહત્ત્વનાં વૃક્ષોનો સમાવેશ થાય છે. તેની ગણતરીમાં વન વિભાગે એવાં વૃક્ષોનો ઉલ્લેખ કર્યો છે કે જેનાં થડ ૧૦ ફૂટ કે તેથી વધુ જાડાઈમાં છે અને જે ખૂબ જ જૂનાં વૃક્ષો છે. જે દરેક મોટા વૃક્ષને ચિહ્નિત કરવામાં આવ્યાં છે તેની આસપાસ એક ડઝનથી વધુ નાનાં અને યુવાન વૃક્ષો છે. સરકાર તેમની ગણતરી કરી રહી નથી, જે કાયદાની દૃષ્ટિએ એક મોટો ગુનો બને છે.’’

દર વર્ષે ભૂસ્ખલન અને પર્વત ધસી પડવાની નવી ઘટનાઓ હાઇ વેના બાંધકામ પર પ્રશ્નાર્થ મૂકે છે. આ વર્ષે પણ ચોમાસા પહેલાં જ ઋષિકેશ-બદરીનાથ હાઇ વે પરથી આવાં ચિત્રો આવવા લાગ્યાં હતાં. અગાઉ ઉત્તરકાશી જિલ્લામાં આવા અકસ્માતો બન્યા છે, જેમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા છે. હિમાલય ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાત અને તેહરીના રાણીચૌરીમાં કોલેજ ઓફ ફોરેસ્ટ્રીના પ્રોફેસર એસ.પી. સતી કહે છે કે રસ્તાના નિર્માણમાં રિપોઝ એંગલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ એંગલ રસ્તા અને પર્વતને સ્થિરતા આપે છે, પરંતુ અમે જોયું છે કે ચાર ધામ યાત્રા માર્ગ પર પર્વતોને ઊભી રીતે કાપવામાં આવ્યા છે, જેના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણા વિસ્તારોમાં નવા લેન્ડ સ્લાઇડ ઝોન બનાવવામાં આવ્યા છે.સતી ઋષિકેશ-ચંબા રસ્તાનું ઉદાહરણ આપે છે અને કહે છે કે છેલ્લાં ૨-૩ વર્ષોમાં આપણે લગભગ ૮ સ્થળોએ ભૂસ્ખલન જોયું છે, જ્યાં આ સમસ્યા પહેલાં નહોતી. ગંગોત્રી હાઇ વે પર જ્યાં દેવદારનાં વૃક્ષો કાપવામાં આવી રહ્યાં છે તે રસ્તો ખૂબ જ સંવેદનશીલ છે, તેથી રસ્તાની પહોળાઈ અને વૃક્ષોનાં રક્ષણ વચ્ચે સંતુલન હોવું જોઈએ.

દેહરાદૂન સ્થિત પ્રખ્યાત પર્યાવરણવિદ્ રવિ ચોપરાએ ઉત્તરાખંડમાં નરેન્દ્ર મોદી સરકારના ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના ૮૮૯ કિ.મી. લાંબા ચાર ધામ હાઇ વે પહોળા કરવાના પ્રોજેક્ટની પર્યાવરણીય અસરની દેખરેખ માટે સુપ્રીમ કોર્ટ (SC) દ્વારા નિયુક્ત ઉચ્ચ સ્તરીય સમિતિ (HPC) ના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે.રવિ ચોપરાએ પોતાના પત્રમાં નાજુક હિમાલય પ્રત્યે કોઈ સંવેદનશીલતા વિના રસ્તાઓ જે રીતે બનાવવામાં આવી રહ્યા છે તેના પર પોતાનું દુઃખ વ્યક્ત કરતાં લખ્યું કે હાઇ વે પહોળા કરવા માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ સાધનોએ જૂનાં જંગલો કાપીને નાજુક હિમાલયના ઢોળાવનો નાશ કર્યો છે. વધુમાં, જે રીતે પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે તેમનાં વાહનોમાંથી ઝેરી વાયુઓ પેદા થઈ રહ્યા છે, જેના કારણે હિમાલયનાં ઊંચાં શિખરો આ ઝેરી વાયુથી ઢંકાઈ ગયાં છે.ચાર ધામ યાત્રાને સરળ બનાવવાના નામે કુદરત તેના ખજાના સામે કરાતા આવા ઇરાદાપૂર્વકના ગુનાઓને ભૂલતી નથી કે માફ કરતી નથી.

૨૦૧૨માં યુપીએ સરકારે ગોમુખથી ઉત્તરકાશી સુધીના ૧૦૦ કિ.મી.ના વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કર્યો હતો, જે સ્થિતિ હજુ પણ યથાવત્ છે. ૨૦૧૩માં કેદારનાથ દુર્ઘટના પછી જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (GSI) દ્વારા ઓળખાયેલા લેન્ડ સ્લાઈડ ઝોનમાંથી લગભગ ૩૦ ભાગીરથી ઇકો-સેન્સિટિવ ઝોન એવા છે, જ્યાં વૃક્ષો કાપવામાં આવશે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારો દર વર્ષે જંગલની આગનો ભોગ બને છે અને આ વર્ષે પણ અહીંનાં જંગલો ભીષણ રીતે બળી રહ્યાં છે. આ વર્ષે ૧૦ દિવસમાં આગની ઘટનાઓ બમણી થઈ ગઈ છે. ઉત્તરકાશી જિલ્લામાં પણ મોટા વિસ્તારમાં જંગલોનો નાશ થયો છે. આવી સ્થિતિમાં આ જંગલો ગોમુખ જેવી મહત્ત્વપૂર્ણ હિમનદીઓ માટે ઢાલ જેવા છે અને તેમની ગેરહાજરીમાં તે ઝડપથી ઓગળી જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top