ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ બે દિવસ માટે અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવ્યાં છે. બેન આમ તો પારિવારીક પ્રસંગને લઈ અમદાવાદ આવ્યાં છે. જો કે, રાજ્યના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ બેનનાં આશીર્વાદ લેવા જઈ શકે છે. દાદાની સાથે તેમના કેબિનેટના સભ્યો પણ બેનને મળી આશીર્વાદ લેશે એમ મનાય છે.
આનંદીબેન પટેલના ચુસ્ત સમર્થક એવા ભૂપેન્દ્ર પટેલની નવા સીએમ તરીકે વરણી થતાં બેનના સમર્થકોમાં પણ નવી આશાનો સંચાર થયો છે. ખાસ કરીને અગાઉની રૂપાણી સરકારમાં બેનના સમર્થકો સાવ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. ગુજરાતમાં નો રિપીટ થિયરીના ભાગરૂપે આખી રૂપાણી સરકારને ભાજપના હાઈકમાન્ડે ઘરભેગી કરી દીધી છે. નવા સીએમ તરીકે ઘાટલોડિયાની વિધાનસભાની બેઠક પરથી 2017માં ચૂંટણી લડી 1.17 લાખની લીડથી ચુંટાયેલા ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવાયા છે. દાદાની પસંદગી કરાઈ તેમાં બેનની ભૂમિકા મહત્ત્વની મનાય છે.
કમલમ્ કાર્યાલયમા પણ પહેલી પત્રકાર પરિષદમાં પણ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, મને આનંદીબેન પટેલનાં આશીર્વાદ મળ્યાં છે. બીજી તરફ પાર્ટીએ ડે. સીએમની આખી પોસ્ટ કાઢી નાંખી સરકારમાં બીજું પાવર સેન્ટર ઊભું જ થવા દીધું નથી.
ઓગસ્ટ-2016માં બેને 70 વર્ષની ઉંમરનું કારણ આગળ ધરી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. એ પછી બેનના ભાજપની અંદરના સમર્થકોનો સફાયો કરી દેવાયો હતો. હવે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતાં આનંદીબેન પટેલનો હાથ ઉપર રહ્યો છે.