National

NEET-PG પરીક્ષા હાલ ચાર મહિના સુધી મુલતવી, જેથી વધુ પ્રમાણમાં ઇન્ટર્ન ડોકટરો મળી રહે

નવી દિલ્હી : દેશમાં કોવિડ-19 (COVID-19)ના વકરેલા રોગચાળા વચ્ચે વધુ પ્રમાણમાં ડૉકટરો (DOCTORS), નર્સો (NURSES) જેવા આરોગ્ય કર્મચારીઓ (HEALTH WORKER) મળી રહે તે માટે કેટલાક મહત્વના નિર્ણયોને વડાપ્રધાને મંજૂરી આપી છે જેમાં એનઇઇટી-પીજી પરીક્ષા હાલ ચાર મહિના સુધી મુલતવી રાખવાની બાબતનો સમાવેશ થાય છે જેથી વધુ પ્રમાણમાં ઇન્ટર્નો કોવિડ સેન્ટરોમાં કામ કરવા માટે ઉપલબ્ધ બની શકે. આ ઉપરાંત અન્ય કેટલાક પ્રોત્સાહક પગલાંઓનો પણ આમાં સમાવેશ થાય છે, જેમ કે કોવિડ સારવાર કેન્દ્રોમાં 100 દિવસની સેવા આપનાર તાલીમી ડોકટરો, નર્સો વગેરેને આગામી નિયમિત સરકારી ભરતીઓમાં પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે અને આવી સેવા આપનારાઓનું વડાપ્રધાનના પ્રતિષ્ઠિત કોવિડ નેશનલ સર્વિસ સમ્માનથી સન્માનિત કરવામાં આવશે.

NEET-PGની પરીક્ષા ઓછામાં ઓછા ચાર મહિના સુધી મુલતવી રાખવામાં આવશે અને 31 ઑગસ્ટ 2021 પહેલાં તેનું આયોજન થશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પરીક્ષાનું આયોજન કરવા માટે નિર્ધારિત તારીખની જાહેરાત કર્યા પછી પરીક્ષા લેવાય તે પૂર્વે તૈયારીઓ કરવા માટે ઓછામાં ઓછા એક મહિનાનો સમય આપવામાં આવશે. આનાથી મોટી સંખ્યામાં ક્વોલિફાઇડ ડૉક્ટરો કોવિડની ફરજો માટે ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત થશે. એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, મેડિકલ ઇન્ટર્ન્સને તેમના ઇન્ટર્નશીપ ફેરબદલીના ભાગરૂપે તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ કોવિડ વ્યવસ્થાપનની ફરજોમાં નિયુક્ત કરવામાં આવશે. ટેલિ-કન્સલ્ટેશન અને કોવિડના હળવા લક્ષણો ધરાવતા દર્દીની દેખરેખ જેવી સેવાઓ પૂરી પાડવા માટે MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો તેમના ફેકલ્ટીની દેખરેખ હેઠળ ઉપયોગ તેમને યોગ્ય દિશાસૂચન આપ્યા પછી કરવામાં આવશે. આના કારણે હાલમાં કોવિડની ફરજોમાં સંકળાયેલા ડૉક્ટરો પરથી કામનાં ભારણમાં ઘટાડો થશે અને ટ્રાયજિંગના પ્રયાસોને વેગ મળશે. B.Sc./GNM ક્વોલિફાઇડ નર્સોનો ઉપયોગ વરિષ્ઠ ડૉક્ટરો અને નર્સોની દેખરેખ હેઠળ કોવિડ નર્સિંગની પૂર્ણકાલિન ફરજો માટે કરવામાં આવી શકે છે.

જ્યારે પ્રોત્સાહક પગલાઓમાં જે વ્યક્તિ કોવિડ વ્યવસ્થાપનની કામગીરીમાં સેવાઓ આપવી રહ્યાં હોય તેને કોવિડ ફરજના ઓછામાં ઓછા 100 દિવસ પૂરાં કર્યાં પછી, ભવિષ્યમાં આવનારી નિયમિત સરકારી ભરતીઓમાં પ્રાથમિકતા આપવામાં આવશે. જે મેડિકલના વિદ્યાર્થીઓ/પ્રોફેશનલ્સને કોવિડ સંબંધિત કાર્યોમાં જોડાય તેમનું યોગ્ય રસીકરણ કરવામાં આવશે.

Most Popular

To Top