Charchapatra

ટ્રાફિક સેન્સ કેળવાય તેવા શિક્ષણની આવશ્યકતા

માર્ગ સલામતી સંદર્ભે જાગૃતિ કેળવાય તે રીતે ટ્રાફિક નિયમોનું જાહેર આદાન પ્રદાન થાય એવું આયોજન થવું જોઈએ. તમામ જાહેર જગ્યાઓ પર સૂચના સાથે જ માર્ગ સલામતી સંદર્ભે અસરકારક નિયમોની લેખિત જાહેરાતોની જરૂર લાગે છે. અખબાર સહિતના તમામ માધ્યમોમાં ટ્રાફિક સેન્સ જાગૃતિ સંદર્ભે અવિરત હકારાત્મક અભિયાનની આવશ્યકતા છે. પ્રત્યેક નાગરિકને સમજાવવાની જરૂર છે કે એક જ અકસ્માતથી જિંદગીની અત્યાર સુધીની તમે મહામહેનતે મેળવેલી સફળતા એક જ ક્ષણમાં તદ્દન જ શૂન્ય થઇ શકે છે.

દેશના યુવા ધનને માર્ગ પર બચાવવા હવે પાઠ્યપુસ્તકોમાં પરીક્ષાઓમાં પણ યોગ્ય ભારાંક આપી ‘ટ્રાફિક સેન્સ’ કાયમી ધોરણે કેળવાય તે માટેના વિધિવત કાર્ય પણ ખાસ આવરી લેવાની જરૂરિયાત જણાય છે. નિયમ ભંગને કારણે અકસ્માત કરનાર પર ત્વરિત કાયદાકીય સજાના અમલની જોગવાઇ કરો. ઘણું મોડું થયું છે છતાં માર્ગ સલામતી અંગેનું વિધિવત શિક્ષણ તાકીદે અનિવાર્ય જણાય છે. વાહનચાલકો માટે હેલ્મેટ, સીટ બેલ્ટ, લાઈસન્સ જેવા અનેક નિયમો ફરજીયાત થયાં એ સરાહનીય બાબત છે. સાથે જ રોડ પર નિયમ ભંગ કરતાં પગપાળા પ્રવાસીઓ માટે પણ માર્ગ સલામતીના નિયમો જાહેર થવા જોઈએ. અકસ્માતોથી સૌને બચાવવા હોય તો માર્ગ સલામતીનું સતત શિક્ષણ અને અવિરત અમલ જ એક માત્ર માર્ગ છે.
સુરત     – વિજય બારોટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top