દેશની આઝાદીનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્ર ધ્વજારોહણ કરશે અને પહેલી વાર ભારતીય હવાઇ દળના બે એમઆઇ-17 હૅલિકૉપ્ટર્સ એ સમયે પુષ્પવર્ષા કરશે.ઑલિમ્પિક્સમાં મેડલ જીતનારા 32 એથ્લીટ્સ અને સ્પૉર્ટસ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના બે અધિકારીઓને લાલ કિલ્લા પર ઉજવણીમાં સામેલ થવા આમંત્રણ અપાયું છે એમ સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ રમતવીરોમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ સર્જનારા નીરજ ચોપરાનું પણ નામ છે. જો કે એને સખત તાવ છે.
જ્ઞાન પથ પર આશરે 240 ઑલિમ્પિયન્સ, સપોર્ટ સ્ટાફ અને એસએઆઇ અને સ્પોર્ટ્સ ફેડરેશનના અધિકારીઓને સ્થાન મળશે. ટોક્યોમાં ભારતે ઑલિમ્પિક્સમાં એનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.હેલ્થ વર્કર્સ જેવા કોરોના વોરિયર્સને સન્માનિત કરવા માટે લાલ કિલ્લાની પ્રાચીરની દક્ષિણ બાજુએ એક અલગ બ્લૉક ઊભો કરાયો છે.ભારત આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે જે આવતા વર્ષની 15મી ઑગસ્ટ સુધી ચાલશે.
આજનો ઘટનાક્રમ
- રવિવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર આવે ત્યારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ એમનું સ્વાગત કરશે. 2. સંરક્ષણ સચિવ અજય કુમાર લેફ. જનરલ વિજયકુમાર મિશ્રા, જનરલ ઑફિસર, દિલ્હી એરિયાની ઓળખ વડા પ્રધાન સાથે કરાવશે.
- મિશ્રા વડા પ્રધાનને સલામી સ્થળે લઈ જશે જ્યાં મોદીને સલામી અપાશે. ત્યારબાદ મોદી ગાર્ડ ઑફ ઓનરનું નિરીક્ષણ કરશે. 4. ત્યારબાદ મોદી લાલ કિલ્લા પર જશે અને ત્યાં તેમનું સ્વાગત સંરક્ષણ મંત્રી, એમના રાજ્ય કક્ષાના મંત્રીઓ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, ચીફ ઑફ આર્મી સ્ટાફ, ચીફ ઑફ નેવલ અને ચીફ ઑફ એર સ્ટાફ એમનું અભિવાદન કરશે. 5. મિશ્રા મોદીને મંચ સુધી દોરી લઈ જશે અને ત્યાં મોદી તિરંગો ચડાવાશે. 6. તિરંગો ચઢાવ્યા બાદ રાષ્ટ્રધ્વજને સલામી અપાશે. 7. પહેલી વાર આ સમયે હૅલિકૉપ્ટરમાંથી પુષ્પવર્ષા થશે. 8. ત્યારબાદ મોદી દેશને સંબોધન કરશે. 9. સંબોધન બાદ એનસીસી દ્વારા રાષ્ટ્રગાન થશે.