ઇશાન ભારતના રાજ્ય નાગાલેન્ડમાં રવિવારે જે ઘટના બની ગઇ તે કોઇ પણ માનવતાવાદી વ્યક્તિને હચમચાવી નાખવા માટે પુરતી છે. ભારતીય ભૂમિદળનું પેરા કમાન્ડો યુનિટ નાગાલેન્ડના મોન નામના જિલ્લામાં ત્રાસવાદ વિરોધી ઓપરેશન કરી રહ્યું હતું, તેને એક ચોક્કસ વિસ્તારમાંથી ઉગ્રવાદીઓ પસાર થનાર છે એવી કંઇક બાતમી મળી અને આ યુનિટના જવાનો વોચ ગોઠવીને બેસી ગયા. કેટલાક સમય પછી ત્યાં એક વાહન આવતું દેખાયું, આ વાહનને તેમણે થોભવા માટે આદેશ આપ્યો પરંતુ આ વાહન થોભવાને બદલે ભાગવા માંડ્યું અને આ પેરા કમાન્ડો યુનિટના જવાનોએ આ વાહન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, વાહન અટકી ગયું, તેમાં બેસેલા મોટા ભાગના લોકોના ઢીમ ઢળી ગયા હતા. વાહનની તપાસ કરતા જણાયું કે તે વાહનમાં કોઇ ત્રાસવાદીઓ નહીં પરંતુ નિર્દોષ મજૂરો બેસેલા હતા.
તેઓ પોતાના કામના સ્થળેથી પોતાના ગામ તરફ જઇ રહ્યા હતા અને આ કમનસીબ ઘટનામાં અણધાર્યા મોતને ભેટ્યા. આ વાતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઉશ્કેરાયા અને તેમણે સેનાના વાહનો અને છાવણીઓ પર હુમલા કરવા માંડ્યા. આ તોફાન મચાવી રહેલા લોકો પર પણ સેનાના જવાનોએ ગોળીબાર કર્યો અને તેમાં પણ કેટલાક લોકો માર્યા ગયા. કુલ ૧૪ નાગરિકો સેનાના ગોળીબારમાં માર્યા ગયા, તો લોકોના તોફાનમાં એક સૈનિકનું પણ મોત થયું. આ ઘટનાના સમાચાર ફેલાતા દેશભરમાં ચકચાર મચી ગઇ. નાગાલેન્ડમાં ભારે તનાવ સર્જાયો અને જ્યાં આ ઘટના બની હતી તે મોન જિલ્લામાં સખત પ્રતિબંધક આદેશો લાગુ પાડવા પડ્યા. આ ઘટના આપણા લશ્કર, અર્ધ લશ્કરી દળો સહિતના સુરક્ષા દળોની કામગીરી પર લાંછન લગાડનારી છે અને સુરક્ષા દળોની કાર્યવાહીઓના ટીકાકારોને બળ પુરી પાડનારી છે.
આ ઘટના અંગે ભૂમિદળે કોર્ટ ઓફ ઇન્ક્વાયરી બેસાડી છે, નાગાલેન્ડ સરકારે પણ આ ઘટનાની તપાસ કરવા માટે એક ખાસ તપાસ ટુકડી(સીટ)ની રચના કરીને પોતાની રીતે તપાસ શરૂ કરાવી છે. હાલ સંસદનું સત્ર ચાલુ છે અને સ્વાભાવિક રીતે જ આ ઘટનાનો પડઘો સંસદમાં પણ પડ્યો. લોકસભામાં નિવેદન કરીને ગૃહ મંત્રી અમિત શાહે નાગાલેન્ડની આ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો અને ઘટનામાં માર્યા ગયેલા લોકોના કુટુંબીજનો તરફ સરકાર તરફથી સહાનુભૂતિ વ્યક્ત કરી. તેમણે વાજબી રીતે કહ્યું કે તમામ એજન્સીઓએ એ બાબતનું ધ્યાન રાખવું જોઇએ કે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય. મૂળ મુદ્દો જ આ છે.
ખોટી ઓળખના કારણે નિર્દોષ લોકો કૂટાઇ મર્યા હોવાના અનેક બનાવો ભૂતકાળમાં પણ બની જ ચુક્યા છે. કાશ્મીરમાં પણ થોડા જ સપ્તાહો પહેલા આ પ્રકારની એક ઘટના બની છે અને તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આવી ઘટનાઓ અંધાધૂંધી કે ગુંચવાડાને કારણે પણ સર્જાઇ જતી હોય છે પરંતુ રવિવારે નાગાલેન્ડમાં જે પ્રકારની ઘટના બની તે એક પ્રકારે લોકોના જીવન પ્રત્યેની બેફિકરાઇના નમૂના સમાન છે. વાહન થોભ્યું નહીં તો તેના પર સીધો ગોળીબાર જ કરી દેવાનો? સુરક્ષા નિષ્ણાતો કહે છે કે વાહનનો પીછો કરીને તેમાં ખરેખર કોણ છે તે જાણવાનો પ્રયાસ પણ કરી શકાયો હોત, પીછો કરતા કરતા ચેતવણીઓ આપી શકાઇ હોત અને છતાં નહીં અટક્યું હોત તો વાહનના ટાયરો પર ગોળીઓ છોડીને પણ તેને અટકાવી શકાયું હોત.
પેરા કમાન્ડો યુનિટ તો લડાઇની વ્યુહરચનાઓમાં નિષ્ણાત મનાય છે, તો તેના અધિકારીઓને આવી બાબતનો ખ્યાલ કેમ આવ્યો નહીં? દેખીતી રીતે ખૂબ બેદરકારીપૂર્વક આ ગોળીબાર કરી નાખવામાં આવ્યો છે. વળી, આમાં એક વાત એવી પણ બહાર આવી છે કે ભૂમિદળના આ યુનિટે આ ઓપરેશન સ્થાનિક પોલીસ કે આસામ રાઇફલ્સને જાણ કર્યા વિના જ હાથ ધર્યું હતું. આસામ રાઇફલ્સ એ દેશનું એક ઉત્તમ અર્ધ લશ્કરી દળ છે અને તે ઇશાન ભારતના અજંપા ગ્રસ્ત રાજ્યોમાં ખૂબ સારી કામગીરી બજાવે છે.
નાગાલેન્ડમાં વિવિધ ઓપરેશનો તેણે કર્યા હોવાથી ઉગ્રવાદીઓની હિલચાલ અંગે તેને ઘણી માહિતી હોય જ. ભૂમિદળના પેરા કમાન્ડો યુનિેટે પોતાના ઓપરેશનની જાણ આસામ રાઇફલ્સને કરી હોત, તેનો સાથ લીધો હોત તો આ કરૂણાંતિકા કદાચ નિવારી શકાઇ હોત. પરંતુ વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવની ઘટનાઓ અનેક વખતે બને છે અને આવી જ આ એક ઘટના હતી. આપણા સૈન્ય દળો પ્રત્યે પૂરા આદર અને માન પછી પણ કહેવું પડે છે કે સેનાના લોકો, ખાસ કરીને અમુક અધિકારીઓનું વર્તન કેટલીક વખતે ખૂબ ઉદ્દંડ પ્રકારનું હોય છે.
તેમના કામના સંજોગો, તનાવ સર્જે તેવી સ્થિતિઓ પણ તેમના આડેધડ વર્તન માટે કદાચ જવાબદાર હોય, પરંતુ નિર્દોષ નાગરિકોનો મરો થાય તે ખૂબ કમનસીબ બાબત છે અને આવી ઘટનાઓ નિવારવી જ જોઇએ. નાગાલેન્ડની આ ઘટના પછી ઇશાન ભારતના રાજ્યોમાં અમલી એવા આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર એક્ટ(આફસ્પા) સામે પણ ફરી એકવાર અવાજ ઉઠ્યા છે. આ કાયદો સશસ્ત્ર દળોને કોઇ પણ વૉરન્ટ વિના લોકોની ધરપકડ કરવાની, લોકોના ઘરોની તપાસ કરવાની અને જરૂર પડ્યે સખત પગલા લેવાની સત્તા આપે છે અને તેના કારણે સશસ્ત્ર દળો બેફામ બની જાય છે તેવી ફરિયાદોને આ ઘટનાથી સ્વાભાવિક જ બળ મળ્યું છે. આફસ્પા રાખવો કે નહીં? ક્યાં અમલી રાખવો, ક્યા઼ં નહીં રાખવો? તે પૂરતી ચર્ચાઓ પછી ભલે નક્કી થાય, હાલ તો નાગાલેન્ડની આ ઘટના અંગે પૂરતી તપાસ કરીને જવાબદારોને યોગ્ય સજા થાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ બને નહીં તે માટે સુરક્ષા દળોને ખાસ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવે તે જરૂરી છે.