આજથી ૧૧૮ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૬૨,વૈશાખ વદ પાંચમના દિવસે લેઉઆ પટની જ્ઞાતિના શેઠ શ્રી બાલાભાઈ ગોપાળભાઈ રતનજીવાળાએ સલાબતપુરા વિસ્તારમાં શ્રી સત્યનારાયણ દેવના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી. સુરતનું એક માત્ર સત્યનારાયણ દેવનું મંદિર છે. જે શેરીમાં મંદિર આવેલું છે તે શેરી આજે બાલાભાઈની શેરીથી ઓળખાય છે. મંદિરમાં તહેવારો અને ઉત્સવોની ધામધૂમથી ઉજવણી થાય છે.
નવા વર્ષે ગોવર્ધન પૂજા નિમિત્તે ભવ્ય અન્નકૂટ ભરાય છે. દેવઊઠી અગિયારસના શુભ દિવસે ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવે છે. મંદિરના પટાંગણમાં આવેલા તુલસી માતા પાસે શ્રદ્ધાળુઓ ૩૬૫ તાર વાટના દીવો પ્રગટાવી તુલસીવિવાહની ઉજવણી કરે છે અને મંદિરમાં સત્યનારાયણ દેવનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. વર્ષ દરમિયાન શ્રાવણ મહિનામાં હિંડોળા ભરાય છે.જન્માષ્ટમીના દિવસે કૃષ્ણજન્મની ભવ્ય ઉજવણી થાય છે. સુરતમાં પૌરાણિક સત્યનારાયણ દેવ મંદિર આજે નવા રંગરૂપ સાથે સુરતીઓની આસ્થાનું કેન્દ્ર છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
અવાજના પ્રદૂષણની ચિંતા ક્યારે કરીશું?
દિલ્હી પ્રદૂષણની માત્રા અતિ ગંભીર બની હોવાથી સુપ્રિમ કોર્ટે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કર્યો હતો. પાછળથી એ સ્પષ્ટતા થઈ હતી કે આ પ્રતિબંધ સમગ્ર દેશને લાગુ પડે છે. માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષોથી રાત્રે 10થી 6 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ અમલમાં છે. દિલ્હીની તો ખબર નથી. પણ ગુજરાતમાં દરેક પ્રકારના ફટાકડા સુપ્રિમ કોર્ટ અને ગુજરાત સરકારના સમય પ્રતિબંધનો ભંગ કરી લગભગ આખી રાત મોટા ભાગના શહેરમાં ફૂટ્યા હતા.
ગુજરાતમાં જ સરકાર પોતાના જ આદેશનું પાલન કરાવી ન શકે તે કેવું? આવું જ નવરાત્રી દરમ્યાન ગરબા રમવાના સમય બાબતમાં થયું છે. ગુજરાતમાં માઇક સાથે રાત્રે 12 વાગ્યા સુધી રમવાની છૂટ છે. પરંતુ ગૃહ રાજ્યમંત્રીએ રાત્રે 12 વાગ્યા પછી ગરબા રમવાની છૂટ આપી પોલીસને ઓવરટાઇમ ગરબા સામે દખલગીરી ન કરવા મૌખિક સૂચના આપી હતી. DJના અવાજથી ઉત્પન થતા ઘોંઘાટ પ્રદૂષણ, ધ્રુજારી તેમજ વૃદ્ધો, બાળકો, પરીક્ષાર્થીઓ કે સગર્ભા મહિલાઓ પર થતી અસરનો સરકારે વિચાર કેમ કર્યો નહીં હોય? તેનું આશ્ચર્ય થાય છે. હવા પ્રદૂષણની માત્રા અમદાવાદમાં પણ ગંભીર સ્થિતિએ પહોંચવાની તૈયારી છે. ભવિષ્યમાં અન્ય નગરોની પણ આ સ્થિતિ થવાની છે. ખરેખર ફટાકડા પર દેશભરમાં પ્રતિબંધ હોવો જોઇએ.
પાલનપુર- અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે