Comments

નદીઓમાં તરતાં મૃતદેહોનું રહસ્ય

થોડા દિવસો પહેલાં ઉત્તર પ્રદેશમાં જુદા જુદા જિલ્લાઓમાં ગંગા કિનારે છીછરી સામુહિક કબર મળી આવી હતી. કેટલાક અખબારોએ હેવાલ આપ્યા કે 2000થી વધુ મૃતદેહો ઉતાવળે દટાયા કે ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. તરતા મૃતદેહો બિહાર, અરે પટણા પણ પહોંચ્યા હોવાના હેવાલ હતા. સ્વભાવિક રીતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મિડીયાએ નદીની રેતીમાં દાટવામાં આવેલા આ દેહોની તસ્વીરો બતાવી એવું સૂચન કર્યું હતું કે ઘણા લોકો પાસે મૃતદેહોના અગ્નિ સંસ્કાર યોગ્ય રીતે કરવા પૂરતા પૈસા નથી. ભારત સરકાર અલબત્ત, ખૂબ વ્યથિત થઇ ગઇ હતી. તેણે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગીને આ હેવાલો પાછળની હકીકતો શોધી કાઢવા જણાવ્યું હતું અને યોગીએ સ્થાનિક સત્તાવાળાઓને ગંગા અને તેના કિનારા પર આવેલાગામોમાં ચોકી પહેરો કરવા આદેશ આપ્યો. વહીવટી તંત્રો નદીના કિનારાઓ પર લાવવામાં આવતા મૃતદેહોના યોગ્ય અંતિમ સંસ્કાર કરવામાં આવે તેની ખાતરી બધ્ધ વ્યવસ્થા કરવા જણાવાયું.આમ છતાં દરેક જણ જાણે છે કે ઉત્તર પ્રદેશના અધિકારીઓ નદીઓમાં મૃતદેહોને પધરાવી દેવાની રસમથી પરિચિત છે.

સોશ્યલ મિડીયામાં ગંગા નદીમાં તરતા કોહવાયેલા મૃતદેહોનાં દ્રશ્યો પ્રસિધ્ધ થયા તે પહેલાથી આ રસમ પ્રચલિત છે. નેશનલ મિશન ફોર કલીન ગંગાને તા. ૧૧મી મેએ સંદેશો મોકલાયો હતો કે ગંગા અને તેને મળતી નદીઓમાં મૃતદેહો પધરાવવાનું તત્કાળ બંધ કરાવો. તા. ૧૨મી મેએ આ મિશનના મહાનિયામક રાજીવ રંજન મિશ્રાએ પાંચ રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને બંગાળના મુખ્ય સચિવોને સલાહ આપી હતી કે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રો તેના ચોક્કસ આદેશ આપો. તેણે તમામ 59 જિલ્લા ગંગા સમિતિઓને નદીમાં તરત મૃતદેોના મામલે જરૂરી પગલાં લઇ લેવાયેલાપગલાંનો હેવાલ ચૌદ દિવસમાં સુપરત કરવા જણાવ્યું હતું. પરિણામે ઉત્તર પ્રદેશના અધિકારીઓએ રાજયના મધ્ય અને પૂર્વના બે વિશિષ્ટ પટ્ટા પર કામ કરવા જણાવ્યું હતું. કારણ કે આવી રસમનું ઉદ્‌ભવસ્થાન કનૌજ અને બલિયા હોવાનું જણાવાયું હતું. સામાન્ય રીતે ઉત્તર પ્રદેશના મધ્ય ભાગમાં કાનપુર અને ઉન્નાવ પ્રદેશ અને પૂર્વ ભાગમાં બનારસ અને ગાઝીપુર પ્રદેશ અત્યંત જોખમી પ્રદેશ હોવાનું જણાવાયું હતું. ઉત્તરપ્રદેશના પશ્ચિમ વિસ્તારના જિલ્લાઓમાં આવા બનાવ બનતા હોવાના હેવાલ નથી.

બિહારના અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતદેહો ઉત્તર પ્રદેશમાંથી તણાતા આવેલા. ઉત્તર પ્રદેશ અને બિહારના અધિકારીઓએ સક્રિય થતા અધિકારીઓ કહે છે કે અમે છેલ્લા પંદર દિવસમાં આવા અંતિમ સંસ્કારના બનાવોની સંખ્યા નીચી લાવી શકયા છીએ. પણ સવાલ એ છે કે આવું કેમ બને છે? આપણે જોયું કે નદીમાં મૃતદેહ પધરાવવાની રસમ મધ્ય અને પૂર્વ ભારતમાં પ્રચલિત છે. ગરીબ પરિવારોને અંતિમ સંસ્કારના પૈસા સ્થાનિક વહીવટી તંત્ર તરફથી મળે છે પણ આ મહામારીનો કાળ ચાલી રહયો છે એટલે ઘણા લોકોએ પોતાનાં મૃત સ્વજનોને નદીમાંપધરાવવા અથવા દફન કરવાનો વિકલ્પ અપનાવ્યો છે. મોટા ભાગના ગ્રામજનો કહે છે કે મોટા ભાગના પરિવારોમાં એ પરંપરા છે કે પોતાના મૃત સ્વજનોના દેહ પર ‘રામ’ નામની ચાદર ઓઢાડી તેમને રેતીમાં દફનાવવામાં આવે અથવા નદીઓમાં પધરાવવામાં આવે છે.
ગ્રામજનો કહે છે કે સામાન્ય રીતે હિંદુ વિધિ પ્રમાણે શબોને અગ્નિદાહ આપવામાં આવે છે પણ મહામારી કે સામુહિક મૃત્યુ સમયે તેને નદી કિનારે રેતીમાં દફનાવી પણ શકાય અથવા નદીમાંપધરાવી પણ શકાય. આમ છતાં તેઓ કહે છે કે આ વર્ષે ગંગામાં તરતાં મૃતદેહોની સંખ્યા અગાઉના વર્ષો એટલે કે 2015, 2017 અને 2018 કરતાં વધુ હતી.

સગાં સ્નેહીઓ, અધિકારીઓ, સાક્ષીઓ અને સ્થાનિકો સાથેની વાતચીત પરથી જણાયું કે જૂની પરંપરાઓ છતાં ઘેરી આર્થિક હતાશાઓ અને મહામારીને કારણે થયેલાં મૃત્યુના પ્રમાણ જોતાં મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવા માટેનો ધસારો મુખ્ય કારણ છે. તેનો કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી. મજબૂરી ગમે તે હોય, આ સંવેદનશીલ મુદ્દા પર ઘણું રાજકારણ ખેલાયું છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાથી માંડીને અન્ય વિપક્ષી નેતાઓ સુધી દરેક જણ પૂછે છે કે આ શરમજનક ઘટના માટે કોણ જવાબદાર છે? 2015માં ભારતીય જનતા પક્ષ ઉત્તર પ્રદેશમાં વિરોધ પક્ષમાં હતો અને તેણે આ જ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને પ્રશ્નો ઉઠાવવાનો બધો હક છે પણ કોઇએ પાયાના પ્રશ્નને સ્પર્શ કરવાની કોશિષ નથી કરી. લોકો પોતાના મૃત સ્વજનોને શા માટે ગંગા કિનારે દફન કરે કે નદીમાં વહેતા મૂકે?

વિડીયોમાં પી.પી.ઇ. સુટ પહેરેલા એક સહિત બે શખ્સો મૃત દેહને ઉંચકી રાખી નદીમાં પધરાવવાની તૈયારી કરે છે એવું દેખાય છે. બલરામપુર જિલ્લાના કોટવાલે વિસ્તારમાં ઘટના સ્થળેથી વાહનમાં પસાર થતા બે શખ્સોએ આ દ્રશ્ય લીધું હતું અને પોલીસે મરનારની ઓળખ કરી મૃતદેહને યોગ્ય અંતિમ સંસ્કાર કરવા માટે સગાઓને પાછો સોંપ્યો. થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય માનવાધિકાર પંચે મૃત માનવીના ગૌરવ અને હક્કની રક્ષા કરવા ચોક્કસ કાયદા ઘડવાનો અનુરોધ કર્યો હતો પણ વધુ એક કાયદો ધરાવવાને બદલે આપણે આ વિસ્તારમાં કેળવણી, આરોગ્ય અને આરોગ્યના પ્રસાર માટે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ગરીબ લોકો પોતાના મૃત સ્વજનોના અંતિમ સંસ્કાર કરી શકે તેવી કાયમી વ્યવસ્થા હોવી જ જોઇએ. સાથે સાથે ગંગામાં સદાને માટે અર્ધ બળેલા કે બળ્યા વગરના શબને પધરાવતા અટકાવવાની પણ જરૂર છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top