ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર તેના ઘરમાં જ હુમલો થયો તે ઘટનામાં અખબારો અને ટી.વી. ચેનલો પર જે સમાચારો દેખાડાઈ રહ્યા છે, તેના કરતાં હકીકત કંઈક અલગ જણાય છે. આ ઘટનામાં પહેલી વાત એ બહાર આવી હતી કે હુમલો કરનાર ચોરીના આશયથી સૈફના ઘરમાં ઘૂસ્યો હતો અને તેણે એક કરોડ રૂપિયા માગ્યા હતા. પાછળથી બહાર આવ્યું કે સૈફના ઘરમાં ઘણી કિંમતી ચીજો રેઢી પડી હતી; પણ ચોરે તેમાંની કોઈ ચીજ ચોરી નહોતી. આ વાત બહાર આવતાં ચોરીની થિયરી પર પડદો પડી ગયો હતો. બીજો સવાલ એ ઊભો થયો કે હુમલો કરનાર સૈફના મકાનમાં પ્રવેશ્યો કેવી રીતે? સૈફ અલી ખાન મુંબઈના જે પોશ એપાર્ટમેન્ટમાં રહે છે, તેમાં કડકમાં કડક સુરક્ષા બંદોબસ્ત હોય છે.
તેમાં કોઈ અજાણ્યો ઈસમ વગર રોકટોક પ્રવેશી જાય અને છેક ૧૧મા માળ સુધી પહોંચી જાય તે સંભવ જ નથી. મતલબ કે જે ઈસમે સૈફ પર હુમલો કર્યો તેને સૈફના મકાનનો ચોકીદાર પણ ઓળખતો હતો, કારણ કે તે નિયમિત અવરજવર કરતો હશે. ત્રીજો સવાલ એ પેદા થાય છે કે હુમલો કરનાર ૧૧મા માળ સુધી તો પહોંચી ગયો, પણ તેણે સૈફના ફ્લેટમાં પ્રવેશ કેવી રીતે કર્યો? કારણ કે તેમાં અદ્યતન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી, જેમાં કોઈ પણ અજાણ્યો ઈસમ પ્રવેશ કરે તો તરત સાઇરન વાગવા માંડે છે. તેનો જવાબ એ છે કે હુમલો કરનારને સૈફના ઘરની કોઈ વ્યક્તિ ઓળખતી હતી, જેણે દરવાજો ખોલીને તેને પ્રવેશ આપ્યો હતો.
ચોથો સવાલ એ પેદા થાય કે હુમલાખોરે જ્યારે સૈફ પર ચાકુથી હુમલો કર્યો ત્યારે તે જગ્યા પર સૈફના ચારથી પાંચ નોકરો હાજર હતા. તેમણે સૈફને બચાવીને હુમલાખોરને પકડી કેમ ન લીધો? પાંચમો સવાલ એ થાય છે કે હુમલાખોર હુમલો કરીને આરામથી બહાર નીકળી ગયો તેના લગભગ એક કલાક પછી સૈફ રીક્ષામાં બેસીને તેના નાના પુત્ર તૈમુર સાથે લીલાવતી હોસ્પિટલમાં ગયો. આ એક કલાક તે ઘરમાં શું કરતો હતો? છઠ્ઠો સવાલ એ થાય કે સૈફના મોટા પુત્ર ઇબ્રાહિમને કાર ચલાવતાં આવડતી હતી તો તેણે રીક્ષામાં શા માટે જવું પડ્યું? સાતમો સવાલ એ થાય કે આ હુમલો થયો ત્યારે કરીના કપૂર ક્યાં હતી? તે શા માટે સૈફની સાથે હોસ્પિટલ ગઈ નહોતી?
સૈફ અલી ખાન પર હુમલો થયો તે પછી તરત જ મુંબઈ પોલીસ દ્વારા હુમલાખોરના સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા હતા, જેથી હુમલાખોરને પકડવામાં સરળતા રહે. આ ફૂટેજમાં જે ઈસમ દેખાતો હતો તેના કરતાં કોઈ ભળતા જ માણસને મુંબઈ પોલીસ છત્તીસગઢના દુર્ગથી પકડીને લઈ આવી હતી. આ રીતે જાણી જોઈને ખોટા ઈસમને પકડી લાવવા પાછળ મુંબઈ પોલીસનો ઇરાદો શું હોઈ શકે? શું તે સાચા હુમલાખોરને બચાવવા માગતી હતી કે સૈફના ઘરમાં તે રાતે ખરેખર શું બન્યું તે ઘટના પર પડદો પાડી દેવા માગતી હતી? પોલીસે ખોટા માણસને પકડ્યો છે તે વાત જાહેર થઈ ગઈ ત્યારે મુંબઈ પોલીસની બહુ બદનામી થઈ હતી. આ બદનામીથી બચવા મુંબઈ પોલીસ બીજી વાર ભળતા શકમંદને પકડી લાવી હતી. તેનો પણ ભાંડો ફૂટી ગયો ત્યારે પોલીસે ત્રીજા ઈસમને અટકમાં લીધો હતો. પોલીસ જરૂર કોઈ રમત રમી રહી છે.
છરીના હુમલામાં ઘાયલ થયા બાદ અભિનેતા સૈફ અલી ખાન સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યો છે, પરંતુ હવે તેના આટલા જલ્દી સાજા થવા પર સવાલો ઊઠી રહ્યા છે. સૈફ અલી ખાનનો હોસ્પિટલમાંથી બહાર નીકળવાનો જે વિડિયો વાયરલ થયો છે તેમાં તે એકદમ ફીટ અને ઊર્જાવાન નજરે પડતો હતો.
આ વિડિયો જોઈને સવાલ થતો હતો કે જે સૈફ ગંભીર ઇજા પામ્યો હતો અને જેના પર ૬ કલાકની સર્જરી થઈ હતી, તે માત્ર પાંચ દિવસમાં આટલો સાજો કેવી રીતે થઈ ગયો? સવાલ પૂછનારા તો એવા સવાલ પણ પૂછી રહ્યા છે કે સૈફ પર ૬ કલાક સર્જરી કરવામાં આવી હતી કે તે પ્લાસ્ટિક સર્જરી કરાવવા ગયો હતો? સવાલ પૂછનારાઓમાં મહારાષ્ટ્રના મંત્રીઓ અને શિવસેનાના નેતાઓનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રી અને ભાજપના નેતા નીતીશ રાણેએ સૈફ પર સવાલો ઉઠાવ્યા છે કે શું ખરેખર તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો કે પછી તે માત્ર એક્ટિંગ કરી રહ્યો હતો.
આ પહેલાં શિવસેનાના નેતા સંજય નિરુપમે પણ પૂછ્યું હતું કે સૈફ અલી ખાન પાંચ દિવસમાં આટલો ફિટ કેવી રીતે બની ગયો? સૈફ અલી ખાન પર હુમલો કરનારનો ઇરાદો ચોરી કરવાનો નહોતો તો તે ક્યા ઇરાદા સાથે સૈફ અલી ખાનના ઘરમાં પ્રવેશ્યો હતો? આ બાબતમાં પણ જાતજાતની થિયરીઓ વહેતી મૂકવામાં આવી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે સૈફ અલી ખાનના ઘરે આવેલા બદમાશોનું પહેલું નિશાન સૈફ અલી ખાન નહીં પરંતુ તેના બે પુત્રો તૈમુર અલી ખાન અને જેહ હતા. પોતાના પરિવારને બચાવવા માટે સૈફનો તે બદમાશ સાથે ઝઘડો થયો અને તેણે સૈફ પર છરી વડે હુમલો કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડે દાવો કર્યો હતો કે તેણે કોઈ અજાણ્યા વ્યક્તિને ઘરમાં પ્રવેશતા જોયા નથી. તો શું હુમલાખોર કોઈ ઘરનો જ માણસ હતો?
પોલીસે એપાર્ટમેન્ટના સીસીટીવી ચેક કર્યા તો પોલીસ ચોંકી ઊઠી હતી. કારણ કે ૧૨ વાગ્યા પછી સૈફના ઘરમાં કોઈ પ્રવેશ્યું ન હતું અને આ ઘટના ૨ થી ૨:૩૦ની વચ્ચે બની હતી. પોલીસને અહીં ષડયંત્રની શંકા છે. ત્યાર બાદ પોલીસે આ સમગ્ર ઘટનાની સાક્ષી રહેલી નોકરાણીની પણ પૂછપરછ કરી હતી. પોલીસે નોકરાણીનું નિવેદન નોંધ્યું અને પછી તપાસ શરૂ કરી. તપાસમાં બહાર આવ્યું કે મુખ્ય માર્ગ પરથી કોઈ મકાનમાં આવ્યું ન હતું, પરંતુ ઘરની પાછળ ઇમરજન્સી એક્ઝિટ હતી જે સીડીઓ દ્વારા ઉપર જતી હતી, તેથી જ્યારે પોલીસે સીડીઓ દ્વારા જોવાનું શરૂ કર્યું, ત્યારે પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યાં, જેમાં એક વ્યક્તિ સીડી પરથી નીચે ઉતરતો જોવા મળી રહ્યો છે, તે સમયે લગભગ ૨:૩૩ વાગ્યા હતા, જે હુમલા પછીની તસવીર હતી.
આ પછી પોલીસે સ્પષ્ટતા કરી કે તે એક વ્યાવસાયિક ગુનેગાર હતો જે પાછલા દરવાજેથી ઘરમાં ઘૂસ્યો હતો. સૈફ અલી ખાન પર હુમલો થયો ત્યારે કરીના કપૂર ક્યાં હતી? તે શા માટે સૈફ અલી ખાનની મદદે ન આવી? કરીનાને ગાડી ડ્રાઇવ કરતાં આવડે છે. તે શા માટે ગાડી ડ્રાઈવ કરીને સૈફને હોસ્પિટલ ન લઈ ગઈ? સૈફે શા માટે રીક્ષામાં લીલાવતી હોસ્પિટલ જવું પડ્યું? આ સવાલોના જવાબમાં પણ જાતજાતની વાતો બહાર આવી રહી છે. આ દરમિયાન કરીના કપૂરની એક પોસ્ટ વાયરલ થઈ છે, જે તેણે સૈફ અલી ખાન ઉપરના હુમલાના ૮ કલાક પહેલાં તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. ઈન્સ્ટા પર એક સ્ટોરી શેર કરતી વખતે કરીના કપૂરે લખ્યું હતું : ગર્લ્સ નાઈટ. આમાં તેણે તેની બહેન કરિશ્મા કપૂર, સોનમ કપૂર અને રિયા કપૂરને ટેગ કર્યાં છે.
તેની આ પોસ્ટ પર લોકો હવે પૂછી રહ્યા છે કે શું તે હુમલા સમયે બહેનો સાથે પાર્ટી કરી રહી હતી? કેટલાંક લોકો કહી રહ્યાં છે કે સૈફ પર હુમલો થયો ત્યારે કરીના કપૂર ઘરમાં જ હતી, પણ હુમલાને કારણે તે એટલી બધી ગભરાઈ ગઈ હતી કે તેણે પોતાની બહેન કરિશ્માને ફોન કર્યો હતો, જે આવીને તેને પોતાના ઘરે લઈ ગઈ હતી? કઈ પત્ની પોતાના પતિને આવી હાલતમાં મૂકીને ભાગી જાય? આ સમગ્ર પ્રકરણમાં કરીના કપૂરની ભૂમિકા બાબતમાં સવાલો ઉઠાવાઈ રહ્યા છે. સોશ્યલ મિડિયામાં તો ઘણાં લોકો એવા ઇશારા પણ કરી રહ્યા છે કે હુમલા પાછળ કરીના કપૂરનો જ હાથ છે.
સૈફ અલી ખાન પરના હુમલાને તેની પૈતૃક સંપત્તિ અને તેના ગૂંચવાડા સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી બહાર આવ્યો કે તરત સમાચાર આવ્યા કે મધ્ય પ્રદેશની સરકાર સૈફની આશરે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવા જઈ રહી છે, કારણ કે આ સંપત્તિ ઉપર શત્રુ સંપત્તિ કાયદા હેઠળ સૈફ અલી ખાનનો કોઈ અધિકાર નથી. આ સંપત્તિની લડાઈમાં સૈફ અલી ખાન પર કોઈએ હુમલો કરાવ્યો હોય તેવી સંભાવના પણ રહે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
