વિશ્વવ્યાપી મુસ્લિમ સમાજ વખતોવખત તેને સ્પર્શતી બાબતો માટે અવાજ ઉઠાવે છે, દેખાવો કરે છે, માગણીઓ કરે છે, ઝુંબેશ ચલાવે છે. દુર્ભાગ્યે બર્માના મુસ્લિમ સમુદાય રોહિંગ્યા મુસલમાનો વિશે આવશ્યક અવાજ ઉઠાવતા નથી. સર્વધર્મ સમભાવ ધરાવનાર ભારત દેશમાં રોહિંગ્યા મુસ્લિમો શરણાર્થી થઇને, રહીને રાહત અનુભવે છે તે જ રીતે ચીનમાં વસતાં મુસ્લિમો ઉઇગર મુસલમાન તરીકે ઓળખાય છે. તેમની દશા પણ દયનીય છે. વ્યકિતસ્વાતંત્ર્ય અને ધાર્મિક સ્વાતંત્ર્યથી તેઓ વંચિત છે. અન્ય દેશોના મુસ્લિમ સમાજોએ, ઇસ્લામી દેશોએ આ ગંભીર હકીકત પર ધ્યાન આપવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય ફલક પર પણ ઘણું થઇ શકે.
માનવતા, શાંતિ અને ભાઇચારાના આદર્શો સાથે ‘હુબ્બુલ વતન ઇમાન’, દેશ પ્રેમને પણ એટલું મહત્ત્વ આપી જીવનવ્યવહાર શીખવતા ઇસ્લામના અનુયાયીઓ, તેમના પીડિત બાંધવો માટે પણ સાચો ધર્મ બજાવે અને તેમની પીડા દૂર કરે તેની આવશ્યકતા છે. ‘ગંગા-જમની’ તહેઝીબવાળા ભારતની આદર્શ વ્યવસ્થા બર્મા અને ચીનમાં પણ સ્થપાય તે માટે અવિરત કાર્યવાહી જરૂરી છે. ભારતનો ‘લોકશાહી સમાજવાદ’ તે સંદર્ભમાં પ્રેરણારૂપ ગણાય. એ.આર. કારદારની ફિલ્મ ‘દર્દ’ ના ગીત ‘હમ દર્દકા અફસાના દુનિયા કો સુનાયેંગે’નું દર્દ હજી છલકે છે, તે કદી ન વિસરાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે