અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતિની થયેલી હત્યાની ઘટનામાં પોલીસને કોઈ નક્કર કડી હાથ લાગી નથી, અને હત્યાનું રહસ્ય હજુ પણ અકબંધ છે. ઘરમાં દાગીના તથા રોકડ રૂપિયા જ્યાં છે, ત્યાં જ હોવાથી લૂંટના ઇરાદે હત્યા થઇ હોય તેવું લાગતું નથી. જોકે હજુ સુધી પોલીસ આ થીયરીને સાથે રાખીને તપાસ કરી રહી છે.
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પારસમણિ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતીની હત્યા થયાને 24 કલાકથી વધુનો સમય થયો હોવા છતાં પોલીસને હજુ સુધી કોઈ જ કડી હાથ લાગી નથી. સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમો સહિત ૧૦૦ થી વધુ પોલીસકર્મીઓ તપાસમાં જોડાયા છે. અને જુદીજુદી દિશાઓમાં અલગ-અલગ એંગલ ઉપર તપાસ કરી રહ્યા છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં બે હત્યારા ઘરમાં ઘૂસ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વૃદ્ધ દંપતી એવા 90 વર્ષીય દયાનંદભાઈ અને 80 વર્ષના વિજયાલક્ષ્મીબહેન જે એપાર્ટમેન્ટમાં રહે છે. તેમાં 12 ફ્લેટમાંથી પાંચ ફ્લેટ બંધ હાલતમાં છે, તેમજ આખાય એપાર્ટમેન્ટમાં ક્યાંય પણ સીસીટીવી કેમેરા લગાવેલા નથી. જેના પગલે પોલીસની તપાસને પણ વેગ મળતો નથી.
કોલેજમાં અભ્યાસ કરતી પૌત્રી ઘરની બહાર ગઈ ને કોઈક દાદા-દાદીની હત્યા કરી ગયું
આ હત્યા કયા કારણોસર અને કોણે કરી છે, તે અંગે હજુ સુધી પોલીસ કોઈ ચોક્કસ તારણ શોધી શકી નથી, આ વૃદ્ધ દંપત્તિની પૌત્રી રીતુ કોલેજમાં અભ્યાસ કરી રહી છે, હત્યાના દિવસે તે સાંજના છ વાગ્યાની આસપાસ બહાર ગઈ હતી. આ સમયગાળા દરમિયાન અહીં કોણ કોણ આવ્યું અને કોણ ગયું તેની પોલીસે આસપાસના લોકો પાસેથી તપાસ શરૂ કરી છે.