Vadodara

આજવારોડના દત્તનગર પાસે પાલિકાનું ડમ્પર રોડ પર ફસાયું

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણી આવતા પાળ બાંધવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે.જોકે બુધવારે આ દાવા પોકળ સાબિત બન્યા હતા.શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આજવારોડ દત્તનગર પાસેના મુખ્ય માર્ગ પર પાલિકાનું ડમ્પર ફસાઈ ગયું હતું.જેના કારણે પાલિકા તંત્રની પોલ ખુલ્લી પડી હતી. વડોદરા શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં માર્ગ પર પડેલા ખાડા ખરબચડાએ તંત્રની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે.શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવારોડ દત્તનગર પાસેથી પસાર થઈ રહેલું પાલિકાનું ડમ્પર રોડ પર ફસાઈ ગયું હતું.જેના કારણે તંત્રની બેદરકારી છતી થઈ હતી.

આ અંગે જાગૃત નાગરિક તેજસ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટીનો પૂર્વ વિસ્તાર છે. આજવા રોડ પર આવેલ દત્ત નગર ચામુંડાનગર અને સયાજી પાર્ક સોસાયટીનો ભાગ છે.જ્યાં દોઢ મહિના પહેલાં જ એક વરસાદી કાંસનું કામ કરવામાં આવ્યું હતું.પરંતુ કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેશનની મીલીભગત સરકારને કારણે એકદમ ખરાબ પ્રકારની કામગીરી કરતા હોય તેનું આ જીવતું જાગતું જીવંત ઉદાહરણ છે.આજે કોર્પોરેશનની ગાડી જ આ ખાડામાં ફસાઈ હતી.એનો મતલબ સ્પષ્ટ છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માત્ર પોતાના ખિસ્સા ભરવામાં માને છે.તેમને કયા પ્રકારની કામગીરી થાય છે અને એ કામગીરી બરાબર થાય છે કે નહીં તેમાં કોઇ રસ નથી.તેમજ તેમની ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કોઈ પણ પ્રકારનો અંકુશ નથી.છાશવારે આ પ્રકારે વાહનો પૂર્વ વિસ્તારમાં ફસાઇ રહ્યા છે.થોડા સમય પહેલા પણ આજવા રોડ ઉપર ગાડીઓ ફસાઈ હતી.સરદાર એસ્ટેટ રોડ પર પણ ફસાઈ હતી.જેનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે માત્ર તકલાદી કામ કરી પોતાના ખિસ્સા ભરવામાં માહિર કોન્ટ્રાક્ટરોની ઉપર કોર્પોરેશનના અધિકારીઓની કોઈ પકડ નથી અને તેના કારણે જ પૂર્વ વિસ્તારના લોકોને સહન કરવું પડી રહ્યું છે.

Most Popular

To Top