Vadodara

પાલિકાએ માસ્ક ન પહેરનાર પાસેથી 43.81 લાખનો દંડ વસૂલ્યો

વડોદરા: વડોદરા શહેર માં કોરોનાની બીજી લહેર દરમિયાન માસ્ક નહીં પહેરવા બદલ નગરજનોએ 43.81 લાખથી વધુનો દંડ ચૂકવ્યો હોવાનું સામે આવ્યું છે.જાગૃત દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005 આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં ખુલાસો થવા પામ્યો છે.

કોરોનાના કપરા કાળમાં માસ્ક મુદ્દે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 43,81,100 રૂ.ના દંડની વસુલાત કરવામાં આવી હોવાની વિગતો આરટીઆઈ હેઠળ સપાટી પર આવતા જાગૃત નાગરિક અતુલ ગામેચીએ પાલિકા વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો છે.કોરોનાની બીજી લહેરમાં માસ્કના નામે નગરજનો પાસેથી દંડની વસુલાત કેટલી વ્યાજબી તેઓ સવાલ ઉઠાવી પાલિકાએ ગેરકાયદેસર રીતે દંડની વસુલાત કરી હોય જેથી આ અંગે તપાસની માંગ કરી છે . પાલિકાના વહીવટી વોર્ડ 1 માંથી વસુલાયેલ દંડની રકમ 6,22,750 , વોર્ડ નંબર 2 માંથી 2,72,500 , વોર્ડ 3 માંથી 4,27,300 , વોર્ડ નંબર 4 માંથી 5,59,250 , વોર્ડ નંબર 5 માંથી 3,81,700 , વોર્ડ નંબર 6 માંથી 1,73,400 , વોર્ડ નંબર 7 માંથી 5,12,100 , વોર્ડ નંબર 8 માંથી 75,000 , વોર્ડ નંબર 9 માંથી 3,44,200 , વોર્ડ નંબર 10 માંથી 2,91,500 , વોર્ડ નંબર 11 માંથી 2,59,000 , વોર્ડ નંબર 12 માંથી 4,62,400 મળી કુલ અંદાજીત રકમ 43,81,100 રૂપિયાનો દંડ નગરજનોએ ચૂકવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકામાં માહિતી અધિકાર અધિનિયમ -2005 આરટીઆઈ અંતર્ગત માહિતી માંગનાર જાગૃત નાગરિક અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં કોરોના કાળમાં આંશિક લોકડાઉન દરમિયાન જ્યારે જ્યારે છૂટછાટ મળી હતી.ત્યારે ત્યારે નાગરિકો જે રીતે શહેરોના રોડ ઉપર ફરવા નીકળી પડતા હતા , તે સમયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈનું માસ્ક નીચું હોય , કોઈએ માસ્ક પહેર્યું ના હોય કે રૂમાલ બાંધ્યો ન હોય તેવા સંજોગોમાં પાલિકાની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા દંડ ઉઘરાવવામાં આવ્યો હતો.

જે અલગ અલગ વોર્ડ માંથી 1 લાખથી વધુનો દંડ એમ કુલ મળીને 43 લાખથી વધુનો દંડ ઉઘરાવ્યો છે.બીજી તરફ પોલીસ દ્વારા પણ મસમોટો દંડ ઉઘરાવવામાં આવે છે.કહી શકાય કે વડોદરા મહાનગર પાલિકા એ સ્વાયત સંસ્થા છે.તો કયા હિસાબે પાલિકાએ આ દંડ ઉઘરાવ્યો છે.બીજી બાજુ જોવા જઈએ તો કોરોના કાળમાં લોકો બેરોજગાર છે , કોઈની પાસે નાણાં નથી , ખાવા પીવાના રૂપિયા નથી.સાથે સાથે કોરોના કપરો કાળ હતો.ત્યારે વડોદરા મહાનગર પાલિકાએ જનતાને મદદ કરવી જોઈએ.

માસ્ક , રૂમાલ, સેનેટાઈઝર આપવું જોઈએ એની જગ્યા પર શહેરના નાગરિકોને માસ્કના નામે લૂંટયા છે.તેવું સાબિત થાય છે.આગામી દિવસોમાં શહેરના મેયર અને કમિશનરને આ બાબતે રજૂઆત પણ કરીશું.જે રીતે આ દંડની રકમ વસુલી છે.હવે પછી ક્યારેય પણ આરોગ્યલક્ષી કાર્યક્રમ કરવામાં આવે તો આ દંડના વસુલેલા નાણાં જનતા પાછળ વાપરવામાં આવે,જનતાને માસ્ક, સેનેટાઈઝર આપવામાં આવે કેમકે ત્રીજી લહે આવશે.ત્યારે વધુમાં વધુ તકલીફ પડશે તે સમયે આ તમામ નાણા જનતા માટે વાપરવામાં આવે તેવી માંગણી જાગૃત નાગરિક અતુલ ગામેચીએ કરી હતી.નોંધનીય છે કે કોરોના કાળમાં લોકોની આર્થિક પરિસ્થિતિ દયનીય બની છે.ખાસ કરીને કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઇ હતી. જેમાં ઘણા લોકોએ પોતાના સ્નેહી સબંધી ગુમાવ્યા છે.

સાથે સાથે વેપાર ધંધાને પણ માઠી અસર પહોંચતા લોકો બેકાર બન્યા છે.આવા કપરા સમયે સેવાભાવી સંસ્થાઓ અને યુવકો દ્વારા બનતી સહાય પુરી પાડવામાં આવી હતી.તો બીજી તરફ આ મહામારીમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા માસ્ક નહીં પહેરવા મુદ્દે લોકો પાસેથી દંડ ઉઘરાવવાનો મનસ્વી નિર્ણય લીધો હતો.આ નિર્ણયની જી.પી.એમ.સી એક્ટમાં જોગવાઈ નથી.તેમ છતાં અધિકારીઓ અને પદાધિકારીઓએ માસ્કના નામે દંડ ઉઘરાવવાનો નિર્ણય લઇ પોલીસની ભૂમિકા ભજવી હોય તેમ લાગી રહ્યું છે.

દંડના નાણાં નગરજનોના વિકાસ પાછળ ખર્ચો

આરટીઆઇ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ કરેલી આરટીઆઇમાં પોલીસ અને પાલિકાની જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ તથા વહીવટી વોર્ડના જવાબદાર અધિકારીઓ દ્વારા માસ્ક ના મુદ્દે લાચાર નગરજનો પાસેથી દંડ પેટે 43,81,100 રૂ.ની માતબર રકમ વસૂલવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવી છે.ત્યારે આ સમગ્ર ઘટના મામલે તપાસ કરી પાલિકાએ દંડની ખોટી રીતે વસૂલાત કરી હોય તો આ નાણાં નગરજનોને પાછા આપવામાં આવે અથવા નગરજનોની સહાયમાં આ નાણાંનો ઉપયોગ થવો જોઈએ તેવી માંગ કરી હતી.

Most Popular

To Top