સુરત: દેશભરમાં હવાના પ્રદૂષણનો (Air Pollution) મુદ્દો હવે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. હાલમાં જ એક અહેવાલ મુજબ હવાના પ્રદૂષણને કારણે અનિયમિત વરસાદ થતો હોવાની ઘટના બની રહી છે તેવું જાણવામાં આવ્યું છે. જેથી હવે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (National Clean Air Program ) અંતર્ગત દેશનાં તમામ સ્માર્ટ શહેરોએ જે-તે શહેરમાં હવામાં પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યાં છે તેનો રિપોર્ટ દિલ્હી સુધી કરવાનો રહેશે.
જે અંતર્ગત ગુરુવારે આ પ્રોગ્રામના સુરત શહેરના (Surat City) ચેરમેન મનપા કમિશનર બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને ટ્રાફિક, જી.પી.સી.બી., આર.ટી.ઓ. તેમજ મનપાના અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં જે શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સની (Air Quality Index) માત્રા શહેરમાં 90થી 120ની વચ્ચે રહે છે તેનું સ્તર આવનારા એક વર્ષ સુધીમાં 15 ટકા સુધી ઘટાડવાનો લક્ષ્યાંક મનપા દ્વારા રાખવામાં આવ્યો છે. આ ઇન્ડેક્સ 50ની અંદર હોય તો સારી સ્થિતિ મનાય છે.
દેશભરમાં એવાં ઘણાં શહેરો છે કે જેમાં હવાના પ્રદૂષણનું સ્તર (એર ક્વોલિટી ઈન્ડેક્સ) 100ની ઉપર રહે છે, જેમાં સુરત શહેરનો પણ સમાવેશ થાય છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ 50ની અંદર જાળવવા માટે સુરત શહેર દ્વારા શું પગલાં લેવામાં આવશે તેનો રિપોર્ટ કમિટીએ હવે આપવાનો રહેશે. સુરતમાં જીપીસીબી (GPCB), આર.ટી.ઓ. (RTO), ટ્રાફિક (Traffic) અને સુરત મનપાના (Surat Municipal Corporation) અધિકારીઓની કમિટીનું ગઠન કરાયું છે. આ કમિટીની મળેલી મીટિંગમાં વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
કયાં કયાં પેરા મીટર્સ ઉપર ધ્યાન અપાશે
- શહેરમાં ગ્રીન એરિયા (Green Area) કેટલો છે અને આ સ્પેસ વધારવા ભવિષ્યમાં શું આયોજનો છે?
- એર મોનિટરિંગ સ્ટેશન (Air Monitoring Station) વધારાયાં છે કે કેમ?
- સોલિડ વેસ્ટ (Solid Waste) બર્નિંગ કરનાર સંસ્થા સામે શું પગલાં લેવાયાં?
ટૂંક સમયમાં હવા પ્રદૂષણ મુદ્દે ફરિયાદ અને નિવારણ તેમજ અન્ય માહિતીઓ માટે ખાસ વેબસાઈટ લોન્ચ કરાશે
સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં હવાના પ્રદૂષણ મુદ્દે ફરિયાદો લેવા, તેના નિરાકરણ તેમજ માહિતી આપતી વેબસાઈટ બનાવવા પર કામ કરવામાં આવી રહ્યું છે. જે ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ વેબસાઈટ પર શહેરીજનો કે સંસ્થા હવાના પ્રદૂષણ મુદ્દે કોઈપણ ફરિયાદ હોય તે કરી શકશે અને તેનો સ્ટેટસ રિપોર્ટ પણ જાણી શકશે. સાથે સાથે આ વેબસાઈટ પર આવનારી તમામ ફરિયાદોનો ઓટો મેઈલ જનરેટ થશે. જે કમિટીના તમામ સંસ્થાઓને મળી જશે.
દિવાળીમાં ઓછા ફટાકડા ફોડવા અને એર ક્વોલિટી ઈન્ડેક્સને નિયંત્રિત કરવા શહેરીજનોને અપીલ
કમિટી દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે, શહેરીજનો દ્વારા દિવાળી દરમિયાન ઓછામાં ઓછા ફટાકડા ફોડવામાં આવે. જેથી હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય તેમજ દિવાળી દરમિયાન શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 150 પર પહોંચી જાય છે. જેને નિયંત્રિત કરી શકાય.