પર્યાવરણને થઈ રહેલા નુકસાન વિશે વાત થાય એટલે તરત જ આપણને જમીનનું, હવાનું અને જળનું પ્રદૂષણ યાદ આવી જાય. જળપ્રદૂષણમાં પણ મુખ્યત્વે નદી, તળાવ અને એવાં જળાશયોમાં કરાતું પ્રદૂષણ વધુ ચર્ચાય છે. તેની સરખામણીએ દરિયામાં કરાઈ રહેલું પ્રદૂષણ અને તેનાથી થતું નુકસાન સામાન્ય સંજોગોમાં ઝટ ધ્યાને પડતું નથી અને તેને કારણે ખાસ ચર્ચાતું નથી.
સાગરતટે વસનારાં મોટા ભાગનાં લોકોનો તેમજ એ સિવાયનાં ઘણાં લોકોનો રોજિંદો ખોરાક દરિયાઈ આહાર હોય છે, જેમાં માછલીનું પ્રમાણ વધુ હોય છે. અલબત્ત, આવો આહાર ખાનારાં ભાગ્યે જ જાણતાં હશે કે પોતાની થાળીમાં પીરસાયેલી માછલી શી રીતે ત્યાં પહોંચી હશે! હકીકત એ છે કે મોટા ભાગનો દરિયાઈ આહાર ‘બોટમ ટ્રોલિંગ’ના નામે ઓળખાતી પદ્ધતિ દ્વારા પ્રાપ્ત કરાયો હોય છે. નામ સૂચવે છે એમ ‘બોટમ ટ્રોલિંગ’ એટલે દરિયાને તળિયે ઔદ્યોગિક જાળ નાખીને પકડવાની પદ્ધતિ.
પહેલાં આ પદ્ધતિ વિશે વાત. વ્યાપારી ધોરણે માછલીઓ પકડવાની માછીમારીની આ પદ્ધતિમાં વજનદાર જાળને સાગરના તળ પર આમતેમ ઢસડવામાં આવે છે. આને કારણે તળમાં રહેલા માછલી સહિતના અન્ય જીવો જાળમાં ફસાય છે. ધાતુના ‘હળ’માં આવેલી જાળમાં કંઈ એકલા દરિયાઈ આહાર જ ફસાય એવું ઓછું છે? વચ્ચે જે પણ આવે એને આ જાળ સમાવી લે છે. ‘નેશનલ જિઓગ્રાફિક’ના એક અંદાજ અનુસાર આ પદ્ધતિથી વિશ્વભરમાં વરસે દહાડે ત્રણ કરોડ મેટ્રિક ટન દરિયાઈ આહાર પ્રાપ્ત થાય છે.
માછલી પકડવાની આ સૌથી નુકસાનકારક પદ્ધતિ છે, કેમ કે, મોટે ભાગે એ માછલીની સાથોસાથ પરવાળાં, વાદળીઓ, દરિયાઈ કાચબા, શાર્ક અને બીજું જે કંઈ જાળમાં આવે એને એકઠું કરે છે. પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત ‘ગ્રીનપીસ’ સ્વૈચ્છિક સંગઠનના જણાવ્યા અનુસાર, યુરોપના કેટલાક વિસ્તારોમાં આ પદ્ધતિએ પકડાયેલી 92 ટકા વસ્તુઓ માણસ માટે કામની નથી હોતી. અકસ્માતે અને અનાયાસે પકડાયેલા આવા મૃત કે મૃત:પ્રાય શિકારોને પાછા દરિયામાં ફેંકવામાં આવે છે. આ તો હજી દેખીતું નુકસાન થયું. દરિયાઈ પર્યાવરણને આ પદ્ધતિ વિવિધ રીતે હાનિકારક છે.
તે પરવાળાંના ખડકોને નષ્ટ કરી દે છે. દરિયાઈ જૈવવિવિધતાને તે ગૂંગળાવી મૂકે છે. દરિયાને તળિયે સદીઓથી સંઘરાયેલા કાર્બનને તે મુક્ત કરી દે છે. એક અંદાજ મુજબ, આ પ્રવૃત્તિને કારણે પ્રત્યેક સેકન્ડે ફૂટબોલના એક મેદાન જેવડો દરિયાના તળનો વિસ્તાર ઘસાઈને છોલાઈ જાય છે. પણ કથા આ નથી. ખરી કથા એ છે કે માછીમારીની આ પદ્ધતિને કારણે થઈ રહેલા દરિયાના તળના નુકસાનના વૈજ્ઞાનિક પુરાવાનો ઢગ ખડકાતો રહે છે, છતાં તે બંધ થવાનું નામ લેતી નથી. જાણે કે સાગરનાં મોજાં તળે એ ઢંકાયેલી રહે છે અને આમ થતું રહે એ માટે રાજકીય નિષ્ક્રિયતા તેમજ અનિચ્છાશક્તિ મુખ્ય પરિબળ બની રહ્યાં છે.
આ પદ્ધતિને કારણે પર્યાવરણને થતું નુકસાન કાયમી હોય છે. જે સંરચનાઓને બનતાં સેંકડો કે હજારો વર્ષ લાગ્યાં હોય તે આ જાળની એક જ થપાટે નષ્ટ થઈ જાય છે. આગલે વરસે કરાયેલા એક અભ્યાસમાં જણાયું કે ઔદ્યોગિક ઉપયોગવાળી આવી જાળને કારણે સાગરતળના કાંપમાં ધરબાયેલા કાર્બનના જૂના જથ્થાને ખલેલ પહોંચે છે. તેને કારણે આ કાંપ અંગારવાયુને મુક્ત કરે છે, જેનું પ્રમાણ પ્રતિ વર્ષ 37 કરોડ મેટ્રિક ટન જેટલું હોય છે. સરખામણીથી વધુ ખ્યાલ આવશે કે વિશ્વભરના સમગ્ર ઉડ્ડયન ઉદ્યોગ દ્વારા ઉત્સર્ગ કરાતાં અંગારવાયુનો જથ્થો આટલો હોય છે.
વૈજ્ઞાનિક અભ્યાસમાં જણાયું છે કે છેલ્લાં સાતથી દસ વર્ષ દરમિયાન, સાગરના તળિયાના કાંપની સપાટી અસ્તવ્યસ્ત થવાથી નીકળતો 55-60 ટકા અંગારવાયુ પૃથ્વીના તાપમાનમાં વધારો કરી રહ્યો છે અને દરિયામાં રહેલો બાકીનો 40-45 ટકા અંગારવાયુ દરિયાના એસિડીકરણમાં વૃદ્ધિ કરી રહ્યો છે અને દરિયાઈ જૈવપ્રણાલીને હાનિ પહોંચાડી રહ્યો છે. દરિયાઈ જીવોની આહારકડી ખોરવાય છે, વધુ પડતી માછીમારીને કારણે નબળી પડેલી અન્ય પ્રજાતિઓને પણ તે નષ્ટ કરે છે.
એવું નથી કે આ પદ્ધતિ વડે થતા નુકસાનની સત્તાતંત્રને જાણ નથી. જાણ પૂરેપૂરી છે અને કેટલાક વિસ્તારોમાં આ પદ્ધતિ પ્રતિબંધિત પણ છે. છતાં વિશ્વભરમાં પ્રચલિત વિવિધ પદ્ધતિઓમાં પચીસ ટકા માછીમારી આ પદ્ધતિએ થાય છે. આ પદ્ધતિએ થતી કુલ માછીમારીમાં 64 ટકા હિસ્સો ચીન, વિયેટનામ, ઈન્ડોનેશિયા સહિત દસ દેશોનો છે. ચીન, વિયેટનામ જેવા દેશોમાં આ પદ્ધતિને નિયંત્રિત કે પ્રતિબંધિત કરતા કાનૂન પણ બનેલા છે. અભાવ છે તેના કડક અમલનો.
ઘણા ખરા દેશોએ પોતાની રાષ્ટ્રીય સીમાની અંદર આ પદ્ધતિને પ્રતિબંધિત કરી હોય તો પણ રાષ્ટ્રના અધિકારક્ષેત્રની બહાર આવેલા ખુલ્લા સમુદ્રમાં કોણ આને નિયંત્રિત કરવાનું? એક તો આ પદ્ધતિ સસ્તી અને આકર્ષક છે, એટલે કે તેના દ્વારા વધુ દરિયાઈ જીવો પકડી શકાય છે. બીજું કે કેટલાય દેશની સરકારો આ પદ્ધતિએ માછીમારી કરવા પર ભારે રાહત આપે છે. નિયંત્રણ માટે નીતિઓ બને તો પણ તેનો ચુસ્ત અમલ જોવા મળતો નથી અને માછીમારી લૉબી બહુ બોલકી તેમજ વગદાર છે.
આમ, આ મામલે શું સરકાર કે શું નાગરિક, સૌ સરખા જ જવાબદાર છે. કાયદાથી બચી શકાશે, પણ કુદરતને થતું નુકસાન ક્યાં સુધી છૂપું રહી શકશે? એ એક યા બીજા સ્વરૂપે પોતાનો પરચો બતાવી જ રહ્યું છે અને હજી વધુ રૌદ્ર રૂપે તે સામે આવશે. આ બાબતે સૌ કોઈ ભેગાં મળીને આ પ્રથાને તિલાંજલિ આપે તો જ નુકસાન અટકવું સંભવ છે. પણ એ શક્ય બને એમ હાલ તો જણાતું નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.