પાન-માવા ગુટખા શરીરને હાનિકારક છે અને કેન્સર અને બીજી અનેક ગંભીર બિમારી નોતરે છે એ બાબત સૌ કોઇ જાણે પણ છે અને બીજાને સલાહ આપવાનું ડહાપણભરેલું કાર્ય પણ કરે છે. પોતાની આ ખરાબ ટેવને કારણે પોતાને અને પરિવારનાં સભ્યોને તો હાનિ પહોંચાડે જ છે. પરંતુ જાહેર સ્થળો અને જાહેર રસ્તાઓને પણ ગુટખાની પિચકારીના રંગે રંગી દે છે. ‘અહીં પાન-માવા ખાઇને થૂંકવું નહીં’ આ લખાણ જે દિવાલ પર લખ્યું હોય એ જ દિવાલ ગુટખાની પિચકારીથી લાલ રંગે રંગાયેલી જોવા મળે છે. એટલું જ પૂરતું નથી.
પરંતુ ચાલુ વાહને ગુટખાની પિચકારી રસ્તા પર મારીને પાછળ આવતાં વાહનચાલકોને પણ તેના છાંટણાંનો ભોગ બનાવી દે છે. ચાલુ વાહને ગુટખાની પિચકારી આપણી ઉપર ઊડે તો કોઇ પણ માણસને ચીતરી ચઢે! પરંતુ શું કરી શકાય? ચાલુ વાહને આપણે પિચકારી મારનારને ન તો કંઇ કહી શકીએ ન તો એના છાંટાને સહન કરી શકીએ! બસ મનમાં મુંઝાઇને બે – ચાર કડવાં વેણ મનમાં બબડીએ! ગુટખા ખાનાર કે પિચકારી મારનારને કોઇ અસર થવાની નથી, જયાં સુધી આ સમસ્યા પાછળ કોઇ કડક સજા કે દંડની જોગવાઇ ન થાય.
અમરોલી – પાયલ વી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
૨૦૨૩ની આઇ પી એલ ક્રિકેટ ટુર્નામેન્ટ અન્યત્ર શિફ્ટ કરો
હમણાં દેશમાં કોરોના વાવર અંગે દહેશત ફેલાયેલી છે. સરકાર પ્રજાને સાવધાની રાખવા માટે કહે છે. જો કે હજુ સુધી કોઈ કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં નથી સિવાય કે માસ્ક પહેરવા જણાવવામાં આવ્યું છે અને ભીડભાડ હોય ત્યાં તો માસ્ક પહેરવાનું અત્યંત જરૂરી થઈ જાય છે. હવે આવા માહોલમાં ૨૦૨૩ માં યોજાનાર આઇ પી એલ ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની તૈયારી શરૂ થઇ છે અને ક્રિકેટના ખેલાડીઓ કેમ જાણે કોઈ કંપનીની પ્રોડક્ટ હોય તેમની હરાજી બોલાઈ રહી છે. મબલખ પૈસા મળતા હોવાને કારણે કોઈ ક્રિકેટરોને તેમાં વાંધો પણ નથી. પણ મૂળ વાત જે છે તે એ છે કે હાલના સંજોગોમાં આ આઇ પી એલ ક્રિકેટ ટુર્નામેન્ટ ક્યાં તો મુલત્વી રાખવી જોઈએ ક્યાં તો અન્યત્ર બીજા દેશમાં શિફ્ટ કરવી જોઈએ કારણ કે તેની શરૂઆત માર્ચ ૨૬ ,૨૦૨૩ થી થનાર છે અને તે ૨૮ મે ૨૦૨૩ સુધી ચાલશે.
મતલબ શરૂ થવા આડે માત્ર બે અઢી મહિનાની જ વાર છે અને તે ખાસ્સી બે મહિના ઉપર ચાલશે. વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેતાં આ ટુર્નામેન્ટ હાલ પૂરતી રદ કરવામાં જ ડહાપણ રહેલું છે. બીજું હવે ક્રિકેટની રમત એક ધંધાદારી રમત બની ગઈ છે, તેમાં રમતનું મહત્ત્વ ઓછું અને પૈસાનું મહત્ત્વ વધારે છે. લગભગ બારે માસ કોઈક ને કોઈક જગ્યાએ ક્રિકેટ રમાતી હોય છે અને આપણા દેશની પ્રજા, તેમાં પણ વિદ્યાર્થીઓ આ રમત પાછળ ઘેલાં છે, પરિણામે કેટલાંય વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મૂકાય છે. જે હોય તે એક વાત ચોક્કસ છે કે હાલ પૂરતો તો જે શિડ્યુલ નકકી કરવામાં આવ્યું છે તે સમયે આ ટુર્નામેન્ટ રમાવી ન જોઈએ જે દેશની પ્રજાના ભલા માટે છે. જો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તેમ ન કરે તો સરકારે તેને તેમ કરવાની ફરજ પાડવી જોઈએ.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે