રીવાબા પહેલવહેલી વાર પ્રેગ્નન્ટ (ગર્ભવતી) થયાં અને, તે બાદ પતિ રવીન્દ્ર જાડેજાનો જયારે જન્મદિન આવ્યો ત્યારે…પતિને જન્મદિનની ભેટ આપવા માટે રીવાબા પોતાનો મોબાઈલ “સ્વીચ્ડ ઓફ”કરીને રાજકોટથી ચોરી-છુપીથી છેક મુંબઈ સુધી પહોંચી ગયેલાં અને આટલે દૂરથી મહામુસીબતે પતિ પાસે પહોંચીને તેમણે પતિને શું ગિફ્ટ આપી હતી તે ખબર છે ?…પોતાનું અસ્તિત્વ ! હા, એમણે પતિને કહ્યું હતું કે આ મારી સરપ્રાઈઝડ ગિફ્ટ છે કે, હું પોતે જાતે તારી પાસે હાજરાહજૂર છું ને આનાથી વધુ કિંમતી બીજી કઈ ગિફ્ટ હોઈ શકે ?!
આપણા જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજા કરતાં તેમનાં ધર્મપત્ની રીવાબા આશરે બે વર્ષ નાનાં હશે, ઘણાંને એમ થતું હશે કે તેઓનાં સ્નેહલગ્ન હશે ! પણ, એવું કંઈ નથી. બંને જણાંને લગ્ન માટે તેઓએ પોતે નહિ પણ એકબીજાંનાં બુઝુર્ગોએ પસંદ કરેલાં…સંબંધ નક્કી કરવા માટે જયારે તે બંનેને એક અંગત મિટીંગ કરવાની થઇ ત્યારે તે બંનેનો અરસપરસને એક સવાલ એકસરખો હતો ! તેઓએ બંનેને એમ પૂછી લીધું હતું કે, આ તારી પોતાની પસંદ છે ને…કોઈનું કોઈ વાતે દબાણ તો નથી ને સંબંધ નક્કી કરવા માટે ? બંનેએ એકબીજાને પોતાની જ પસંદ હોવાનું જણાવતાં સંબંધ આગળ વધ્યો હતો.
રીવાબા રાજકોટની આત્મીય કોલેજમાંથી મીકેનીકલ એન્જીનીયરીંગનું ભણ્યાં છે અને, રવીન્દ્ર જાડેજા માંડ બારમું ધોરણ ભણ્યા છે. રવીન્દ્રના પિતા વોચમેન હતા અને, રીવાબાના પિતા બિઝનેસમેન તેમજ માતા રેલ્વેમાં ઓફિસર હતાં ! રીવાબાના પિતા નાની-મોટી અનેક સ્કૂલો પણ ચલાવે છે.
રીવાબાને તમે પૂછો કે, તમારો ફેવરીટ હીરો કોણ, તો સલમાન ખાન સિવાય બીજું કોઈ નામ કદાચ જ તેઓ આપશે ! રીવાબા મિયામી જવા માટે હમેશા તલબગાર રહે, મિયામી લોકોમાં મેજીક સીટી અથવા ગેટ વે ઓફ અમેરિકા તરીકે પણ ઓળખાય છે. ભારતના તિરંગાની માફક મિયામીનો પણ ઝંડો તિરંગો જ છે અને તેમાં પણ સૌથી નીચે લીલો-સૌથી ઉપર કેસરી તેમજ વચમાં સફેદ પટ્ટો જોવા મળે છે. કદાચ તિરંગા ઝંડાના સામ્યને લીધે તો ધરતી પરનું પ્રિય સ્થળ રીવાબા માટે મિયામી નહિ હોય ને ?!
પોતે ભણ્યાં ભલે, મિકેનીકલ એન્જીનીયરીંગનું પણ એ ક્ષેત્રમાં એમણે સમ ખાવા પૂરતું કોઈ પ્રદાન કર્યું હોય તેવું ધ્યાનમાં નથી. હા, એમણે એન્જીનીયરીંગ બાદ યુપીએસસી માટે તૈયારી કરેલી પણ સેવા વિષયક વિદ્યાભ્યાસ કરવા કરતાં તેઓ સીધા જ સેવાયજ્ઞમાં જોડાઈ ગયાં…બહુ જ ઝડપભેર, કરણી સેનાએ રીવાબાને પોતાને ત્યાં જગ્યા કરી આપી.રીવાબા કરણી સેનાની ગુજરાતની મહિલા પાંખના અધ્યક્ષ બની ગયાં.
રીવાબાના જીવનમાં એક વિચિત્ર વાત બનતી રહી છે અને, તે બાબત સ્વયં રીવાબાને પણ અપાર આશ્ચર્ય થતું રહ્યું છે…કે, રવીન્દ્ર જોડે સંબંધ નક્કી થયા બાદ એમના જીવનમાં બધું બહુ જ જલ્દી-જલ્દી બનતું ગયું ! રીવાબાનો સંબંધ બહુ જ જલ્દી-જલ્દી નક્કી થઇ ગયો…તે પછી, તે બંને એકબીજાંની નજદીક પણ બહુ જલ્દી-જલ્દી આવતાં ગયાં…લગ્ન પણ બહુ જલ્દી-જલ્દી થઇ ગયાં…પોતાને ત્યાં પુત્રીનો જન્મ પણ ક્યાં થઇ ગયો તે ખબર જ નહિ પડી ! રીવાબાને જો, ભવિષ્યે બીજું સંતાન અવતરે તો રીવાબા એમ તો નહિ જ કહી શકે કે, આ બીજું સંતાન પણ બહુ જલ્દી-જલ્દી થઇ ગયું ! હા, રીવાબાને ભાજપ તરફથી ચૂંટણી લડવાની ટિકિટ બહુ જલ્દી-જલ્દી મળી ગઈ એમ તેઓ જરૂર કહી શકે છે ! પોતાને ટિકિટ મોદીજીએ જ આપી હોવાનો રીવાબાનો સ્પષ્ટ એકરાર છે. તેઓ મોદીજીને “સર”તરીકે જ ઓળખે-બોલાવે !
રીવાબા ભાજપમાં છે અને, તેમનાં નણંદ નયનાબા તેમજ શ્વસુર અનિરુદ્ધ સિંહ જાડેજા કોંગ્રેસમાં છે. કેવું વિચિત્ર !! નણંદબાએ (રીવાબાને નહિ, પણ !) જાહેર જનતાને કહ્યું છે કે રીવાબા આ ચૂંટણી હારી જશે…ચૂંટણી માત્ર રૂપિયાથી નથી જીતી શકાતી ! પરંતુ વાતચીત દરમ્યાન, આપણે રીવાબાને પૂછ્યું કે…તમે બીજેપીમાં છો ને તમારાં નણંદ તેમજ સસરા કોંગ્રેસમાં છે…તો, એક જ ઘરમાં રહીને આમ વિરોધી પાર્ટીઓમાં કામ કરવાનું ?! તો, તેઓ પ્રેમથી કહેવા લાગ્યાં કે…ભાજપ-કોંગ્રેસ બંનેનો Motive તો એક જ છે ! રીવાબા એવું ચુસ્તપણે માને-સમજે અને આપણને સમજાવે કે…ગુજરાતની પ્રજા ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજા કોઈ પક્ષને કદાપિ સ્થાન આપવાની નથી !
“First of All”એ રીવાબાનો તકિયાકલામ છે, એકસાથે ઘણા બધા સવાલો પોતાની સામે દૂરથી ધસી આવેલા માલમ પડે એટલે તરત જ રીવાબા આ તકિયાકલામનો ઉપયોગ કરતાં આપણને માલમ પડે ! પણ, રીવાબા ‘ફર્સ્ટ ઓફ ઓલ’બોલીને જે મુદ્દો સર્વ પ્રથમ ઉઠાવે તે સાચે જ એમના માટે પણ નંબર વન મુદ્દો હોય તે જરૂરી નથી…’ફર્સ્ટ ઓફ ઓલ’બોલ્યા બાદ, સમગ્ર ચર્ચામાં નંબર વન મુદ્દો તેઓ લઇ જ નહિ આવે તેવું પણ ઘણી વાર બન્યું છે…તદન મહત્વહીન મુદ્દો ‘ફર્સ્ટ ઓફ ઓલ’મથાળા નીચે ખૂબીપૂર્વક રાખી દે તે આપણા લોકલાડીલા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા !