એક મુશાયરામાં એક શાયરે સુંદર શેર કહ્યો.ચારે બાજુથી વાહ વાહ અને તાળીઓ ગૂંજી ઊઠી.દોબારા દોબારાના પોકાર થયા. શાયરે કહ્યું, ‘આભાર આભાર.જરૂર હું આ શેર ફરી એક વાર રજૂ કરીશ પણ તે પહેલાં મને આ શેર કઈ રીતે સૂઝ્યો તેની વાત સાંભળો.’બધા આટલો સરસ શેર ક્યાંથી સૂઝ્યો તે વાત સાંભળવા ઉત્સુક બન્યાં. શાયરે કહ્યું, ‘હું ફક્કડ મિજાજ શાયર.એક મુશાયરા પછી મોડી રાતે ટ્રેન પકડી ઘર તરફ જઈ રહ્યો હતો.મારું સ્ટેશન આવ્યું.ઊતર્યો.મોડું થયું હતું એટલે સ્ટેશન પર ખાસ ગર્દી ન હતી.થોડી ચહલપહલ હતી.થોડે દૂર એક ભિખારી પોતાને ભીખમાં મળેલા પૈસા વાટકામાંથી ગણી રહ્યો હતો.
પૈસા ગણી તે ઊભો થયો અને નજીકના ફુડ સ્ટોલ પર ગયો. બિસ્કીટનાં ચાર પેકેટ લીધાં અને કટિંગ ચા.મેં વિચાર્યું, ભિખારી ચા બિસ્કીટ ખાઈને પોતાનું પેટ ભરશે….પણ ત્યાં તો જે જોયું તે જોઈ હું ત્યાં જ ઊભો રહી ગયો. મેં જોયું કે ભિખારીની આજુબાજુ ચાર પાંચ કૂતરાઓ કૂદી રહ્યા હતા.ભિખારી તેમને બિસ્કીટ પ્રેમથી ખવડાવતો હતો. પોતે માત્ર બે બિસ્કીટ ખાધા અને ચા પીધી.બાકી બધાં બિસ્કીટ ભિખારીએ આ કૂતરાંઓને ખવડાવી દીધાં. કૂતરાંઓ જોડે થોડી મસ્તી કરી.વ્હાલ કર્યું અને પછી પોતાની જગ્યા પર જઈને ટૂંટિયું વળીને સૂઈ ગયો.તેના ચહેરા પર મેં અજબ ખુશી અને ચમક જોઈ અને મને શેર સૂઝ્યો ‘માંગીને પણ બધું વહેંચી દે છે સાહિબ…આનાથી વધારે દોલતમંદ ઇન્સાન આજ સુધી નથી જોયો.’
તાળીઓનો ગડગડાટ ગૂંજી ઊઠ્યો અને એક વિચાર પણ કે ‘પોતાની પાસે હોય …ઈશ્વરે આપ્યું હોય તેમાંથી થોડું દાનમાં આપી વાહ વાહ ખરીદતા પૈસાદાર શેઠ કરતાં….. પોતાની પાસે કંઈ જ ન હોય …ભીખ માંગીને જે મળે તે બીજા માટે વાપરી નાખતો ગરીબ ભિખારી સાચે જ ક્યાંય વધારે શ્રીમંત છે.તેનું પ્રેમ, દયા, કરુણાથી ભરેલું હ્રદય તેને સૌથી શ્રીમંત બનાવે છે.દુનિયામાં અન્યનું લોહી ચૂસીને..શોષણ કરીને શ્રીમંત બનતાં માણસો પોતાની મિલકતમાંથી એક નાનકડો અંશ દાનમાં આપે છે….અને જાણે આખા સમાજનો ભાર પોતે ઊંચકતા હોય તેટલું અભિમાન રાખે છે અને આ ભિખારી જેવાં લોકો પોતાની પાસે કંઈ ન હોવા છતાં માંગીને પણ જે મળે તેમાં સમાજ અને અન્ય જીવને મદદરૂપ થઈને મસ્તીથી જીવે છે.હોય અને આપવું સારું કાર્ય છે અને કંઈ ન હોય ..માંગીને જે મળ્યું હોય તે પણ બીજાને આપી દેવું ઉમદા કાર્ય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.