Columns

સૌથી સફળ પુસ્તક

એક યુવાન લેખક, સિદ્ધહસ્ત નવલકથાકાર પાસે ગયો અને તેમને કહેવા લાગ્યો કે ‘‘મને તમારો શિષ્ય બનાવી દો. મને તમારી સાથે રાખો. હું સફળ લેખક બનવા માંગુ છું. હું લેખક છું, નાનું મોટું લખું છું. નાની નાની વાર્તાઓ લખું છું પણ મારે સૌથી સફળ પુસ્તક લખવું છે.’’ અનુભવી નવલકથાકારે આંખ પરથી ચશ્માં કાઢીને યુવાનની સામે જોવા લાગ્યા અને પછી હસીને પૂછ્યું, ‘‘યુવાન, શું તું જાણે છે કે સૌથી સફળ પુસ્તક લખવા માટે શું કરવું જોઈએ? અને તું કઈ રીતે નક્કી કરીશ કે તે સૌથી સફળ પુસ્તક છે?’’

યુવાને કહ્યું, ‘‘મને ખબર છે, એકદમ નવી વાર્તા શોધીને, નવા ટોપિક ઉપર નવા વિષયો ઉપર સુંદર રજૂઆત સાથે એક એક શબ્દને વિચારીને ગોઠવીને લખીને જે એક રસપ્રદ પુસ્તક, એક રસપ્રદ નવલકથા તૈયાર થશે એ સફળ પુસ્તક બનશે. સૌથી સફળ પુસ્તક એ ત્યારે કહેવાશે જ્યારે તેની દુનિયાભરમાં સૌથી વધુ પ્રત વેચાશે. જ્યારે વાચકો તેને વાંચવા માટે પડાપડી કરશે. વાચકો એકી બેઠકે દળદાર નવલકથાને વાંચી નાખશે. અને હું આવી નવલકથા લખવા માંગુ છું .મારું સપનું છે કે હું દુનિયાનું સૌથી સફળ પુસ્તક લખું.’’

 નવલકથાકાર હસવા લાગ્યા અને પછી બોલ્યા, ‘‘યુવાન, મેં પણ જ્યારે લખવાની શરૂઆત કરી ને ત્યારે મારા મનમાં પણ આવા જ સપનાં અને આવા જ જોમભરેલા વિચારો હતા અને મેં લખ્યું. ઘણું લખ્યું પણ મેં જે લખ્યું એ સૌથી સફળ પુસ્તક છે કે નહીં તેની મને હજી સુધી ખબર નથી.’’ યુવાન બોલ્યો, ‘‘મારે સફળ પુસ્તક લખવું જ છે.’’ નવલકથાકાર બોલ્યા, ‘‘સારી વાત છે કે તું સૌથી સફળ પુસ્તક લખવા માંગે છે પણ તું મને જણાવ કે સૌથી સફળ પુસ્તક કોને કહેવાશે? તેં અત્યાર સુધી જે કહ્યું તે સફળ પુસ્તકની વ્યાખ્યા નથી.’’  યુવાન બોલ્યો, ‘‘ જે પુસ્તક સૌથી વધારે વંચાય અને સૌથી વધારે વેચાય તે જ સૌથી સફળ પુસ્તક કહેવાય ને. બીજી શું વ્યાખ્યા હોઈ શકે?’’

 નવલકથાકારે કહ્યું, ‘‘મારા અનુભવે એક વાત સમજાવી છે તે તું સમજ. સૌથી સફળ પુસ્તક એ પુસ્તકને કહેવાય છે કે જે પુસ્તક વાંચીને વાચકનું જીવન કે વિચારો અચૂક બદલાયા હોય, વાચકના વર્તનમાં ફેરફાર થયો હોય. ભલે કોઈ પુસ્તકની વધુ પ્રત ન વેચાય. હું પણ જો તે  પુસ્તક વાચકનાં મન હૃદય પર અસર કરીને તેનામાં બદલાવ લાવે છે તો તે પુસ્તક સૌથી સફળ પુસ્તક છે. યુવાન, તું કંઈક એવા નવા વિચારો લખ કે જે વાંચીને વાચકના હૃદયમાં બદલાવ આવે. વિચારો સમર્થ હશે તો પછી પુસ્તકની પ્રત સૌથી વધુ વેચાય કે નહીં તે મહત્ત્વનું નથી પણ જો તે પુસ્તક એક વાચકનાં મન હૃદયને પણ બદલી શકશે તો તે સફળ પુસ્તક કહેવાશે.’’ નવલકથાકારે સુંદર સમજ આપી.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top