એક માણસ કામ મેળવવા ભટકી રહ્યો હતો પણ તેને કોઈ કામ મળતું ન હતું. ત્યાં પાછળથી એક બૂમ સંભળાઈ કે મજૂર જોઈએ છે. પેલો માણસ દોડીને પહોંચી ગયો. એક સફેદ દાઢીવાળો વૃધ્ધ માણસ ત્રણ મોટા થેલા લઈને ઊભો હતો.વૃદ્ધ માણસે કહ્યું, ‘‘આ સૌથી મોટો થેલો તું લઇ લે. બીજા બે થેલા હું ઉપાડીશ. બે રૂપિયા મજૂરી આપીશ.’’
પેલા માણસે થેલો ઉપાડ્યો, ‘‘થેલો ઘણો ભારી છે’’ તે ઉપાડતાં બોલ્યો એટલે વૃદ્ધે ધીમા અવાજે કહ્યું, ‘‘હા તેની અંદર એક એક રૂપિયાના સિક્કા છે.’’ માણસે વિચાર્યું ભલે હોય, મારે શું? વૃદ્ધની ચકોર નજર તેની ઉપર જ હતી. માણસે વિચાર્યું કે કદાચ આ વૃધ્ધને એમ હશે કે હું આ સિક્કા લઈને ભાગી ન જાઉં.
આગળ એક નદી આવી. વૃદ્ધ માટે બે થેલા સાથે નદી પાર કરવી અઘરી હતી. વૃદ્ધે કહ્યું, ‘‘ભાઈ હું બે થેલા સાથે નદી પાર નહિ કરી શકું. તું આ બીજો એક થેલો લઇ લે. મજૂરી વધારે આપીશ પણ હા, આ થેલામાં ચાંદીના સિક્કા છે તેને લઈને ક્યાંય ભાગી નહિ જતો સમજ્યો.’’ માણસે કહ્યું, ‘‘દાદા, હું મજૂરીનું કામ કરવા તૈયાર છું પણ ચોર કે બેઈમાન નથી. તમે ફિકર ન કરો.’’ તેણે બે થેલા ઊંચકીને નદી પાર કરી લીધી.તેના મનમાં કોઈ લાલચ ન જાગી. આગળ જતાં હવે એક ટેકરી ચઢવી પડે તેમ હતી. તેણે વૃધ્ધને કહ્યું, ‘‘વાંધો ન હોય તો આ ત્રીજો થેલો પણ મને આપી દો?’’ વૃધ્ધે હા ના કરતાં ધીમેથી કહ્યું, ‘આ થેલામાં સોનામહોરો છે.
તું એ લઈને ભાગી જશે તો હું તને પકડી પણ નહિ શકું,પણ ભરોસો રાખું છું. તું આગળ જા. હું પાછળ ધીમે ધીમે આવું છું.’’ મજૂર બોલ્યો, ‘‘દાદા, હું ક્યાંય નહિ ભાગી જાઉં.’’ વૃદ્ધે થેલો આપ્યો. માણસ ત્રણ થેલા લઈને ટેકરી ચઢી ગયો અને પેલે પાર ઊતરી વૃદ્ધની રાહ જોવા લાગ્યો. ઘણી વાર થઇ વૃધ્ધ આવ્યો નહિ.પેલા માણસના મનમાં થયું વૃદ્ધને કંઈ થયું તો નહિ હોય ને…પણ આ થેલા મૂકીને તપાસ કરવા કેમ જાઉં. ત્યાં તો દૂરથી રાજાના મંત્રી આવતા દેખાયા.માણસ મંત્રી પાસે ગયો અને બધી વાત જણાવતાં કહેવા લાગ્યો, ‘‘તમે આ થેલા સંભાળી લો. હું દોડીને તપાસ કરી આવું કે આ થેલાના માલિક વૃધ્ધ દાદા કયાં ગયા.’’
મંત્રી હસ્યા અને સફેદ લાંબી દાઢી અને વાળ બતાવતાં બોલ્યા, ‘‘કયાંય તપાસ કરવાની જરૂર નથી. તે વૃદ્ધ હું જ હતો અને આ થેલામાં માટીના બનેલા સિક્કાઓ ભરેલા છે. નાટક રાજ્યના ખજાનાની સુરક્ષા માટે એક સાચા ઈમાનદાર સુરક્ષા મંત્રીને શોધવા માટે કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ચાર મજૂરો થેલા લઈને ભાગી ગયા છે અને આજે તું ન ભાગ્યો એટલે તારી આ સૌથી મહત્ત્વના ઇમાનદારીના ગુણને કારણે તને હું રાજ્યના ખજાનાનો સુરક્ષા મંત્રી બનાવું છું.’’ માણસના ઇમાનદારીના ગુણે તેને મહત્ત્વની પદવી અપાવી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.