ઈશ્વરની ભક્તિ કરવાની જુદી જુદી રીત નવધા ભક્તિમાં જણાવવામાં આવી છે. નવ પ્રકારની જુદી જુદી રીત તેમાં વર્ણવવામાં આવી છે. એક દિવસ પંડિતો સાધુઓ સંતોમાં કઈ ભક્તિની રીત ચઢે, તે બાબતે ઘણો વાદવિવાદ થયો. ક્રિયાકાંડવાદી પંડિતે કહ્યું, ‘યજ્ઞ સૌથી પવિત્ર ભક્તિની રીત છે. યજ્ઞના પાવન અગ્નિમાં અર્પણ કરવામાં આવેલ સામગ્રી ઈશ્વરનાં ચરણોમાં પહોંચે છે.’ પ્રસિદ્ધ કથાકાર બોલ્યા, ‘ સત્સંગ કથા શ્રવણ ભક્તિની સૌથી સારી અને સહેલી રીત છે. એક સાથે અનેક લોકો સત્સંગનો લાભ લઈ ઈશ્વરની નજીક પહોંચે છે.’ હિમાલયમાં ધ્યાન તપમાં મગન સાધુ બોલ્યા, ‘ ભક્તિની સાચી રીત તો સંસારનો, દુન્યવી વસ્તુઓનો ત્યાગ કરી સતત ધ્યાન તપ કરવું છે, તો જ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે.’
વાદવિવાદ તો વધતો જ ગયો. સંસારી અને સામાન્ય લોકો સુધી આ વિવાદ ફેલાયો. ગૃહિણી કહે, ‘ઘરકામ કરતાં કરતાં જે નામસ્મરણ કરી શકાય, મારા માટે તો એ જ સાચી ભક્તિ છે.’ મોટા મોટા દાન કરનારા શેઠ સાહેબ બોલ્યા, ‘ દેવસ્થાનો અને મંદિરો બંધાવવાં એ જ ભક્તિની સાચી રીત છે.ઈશ્વર માટે સ્થાનક બંધાવવાથી મોટી કઈ વાત હોઈ શકે.’ વળી પાછું કોક સામાન્ય જન બોલ્યું, ‘ રોજ મંદિરે જવું… પગપાળા જવું એ જ સાચી ભક્તિ છે.’ મંદિરના પૂજારી બોલ્યા, ‘ મંદિરમાં ઈશ્વરની મૂર્તિની પૂજા અર્ચના કરવી, ભગવાનને શણગાર સેવા આરતી ભોગ કરવાં એ જ ભક્તિની સાચી રીત છે.’
હવે આ વાત એટલી વધી કે દરેકની વાત પોતપોતાની રીતે સાચી હતી. કોઈ ખોટું ન હતું. ત્યાં આકાશવાણી થઈ કે એક મસ્જિદની બહાર ઓલિયો ફકીર, રોજ ગરીબ લોકોને ખાવાનું ખવડાવવા આવે છે. તે ભક્તિની સાચી રીત જાણે છે. તેને જઈને પૂછો કે ‘ભક્તિની સાચી રીત કઈ? શું આપવાથી અને શું કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે.’ બધા પેલા ફકીર ઓલિયા પાસે દોડી ગયા અને પ્રશ્ન પૂછ્યો કે ‘ભક્તિ કરવાની સાચી રીત કઈ? ઈશ્વરને શું આપીએ તો ઈશ્વર મેળવી શકાય.’
ફકીરે બહુ જ સરસ જવાબ આપ્યો, ‘આપણે ઈશ્વરને કંઈ આપી ન શકીએ. ઈશ્વરે આપણને માટીમાંથી બનાવ્યા છે. આ દેહ પણ તેણે જ આપ્યો છે અને શરીરની અંદર જે આત્મા પણ તેણે જ આપ્યો છે. બધું જ ઈશ્વરનું છે. તેને આપણે શું આપી શકીએ? આપણે તેના બનાવેલા માનવીની સેવા કરીએ, મદદ કરીએ તો ઈશ્વર રાજી થાય. ઈશ્વરની ભક્તિની આ જ સાચી રીત છે.’ જન જનની સેવા કરો. ભૂખ્યાંને અન્ન આપો. રડતાંનાં આંસુ લૂછો છો અને તેના મુખ પર સ્મિત પ્રગટાવો. આ જ ભક્તિની રીત છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
