Comments

ચાંદની ઓઢું ઓઢું ને ઊડી જાય…!

કવિ થવું હોય ને તો, માત્ર ફળદ્રુપ ભેજું નહિ ચાલે..! શબ્દોનું ખાતર-પાણી પણ જોઈએ. ચાંદ-ચાંદરણું- નદી-તળાવ-સરોવર-શબનમ-સ્મશાન-આંસુ- દરિયા-ફૂલ-સિતારા જેવી શબ્દોની મૂડી ને શરદ પૂર્ણિમાની રાત અને ચાંદની ઓઢું-ઓઢું થતી હોય એવો માહોલ પણ જોઈએ. તો જ અંદરથી કવિતાનો ખિલવાડ આવે બોસ..! Fatherની property હોય એમ પ્રકૃતિનાં પ્રસાધનો ઉપર તૂટી પડીએ તો જ, પડે કવિતાનો પ્રસવ થાય.! કવિતાઓ ચંદી પડવાની ઘારી જેવી Tasty બને..! દરેક પૂનમમાં આ શરદ પૂર્ણિમાની રાત જ એવી કે, આળસુ કવિને પણ કવનની કૂંપળ ફૂટે. મગજમાં શબ્દોના આટાપાટા રમાતા શરૂ થઇ જાય. જ્યારે સુષુપ્ત ઇન્દ્રિય ફાટવાની થાય ત્યારે જ કવિતા પ્રગટ થાય. કંઈ નહિ તો છેલ્લે નવરાત્રીના નશામાં એવું પણ ચીતરાય કે, “ચાંદની ઓઢું ઓઢું ને ઊડી જાય..!”એ વખતે કવિને એવું નહિ કહેવાય કે, ‘ઊડે તો ચૂંદડી ઊડે જાલિમ..! ચાંદની તે વળી ઊડતી હશે..? પણ ચમનિયાનું કહેવું છે કે, ઊડે…!

જેની પાસે ઉપર આભ ને નીચે ધરતીનું ઢાંકણ છે, એને જ આવા ચાંદરણાંની પ્રાપ્તિ થાય..! આ માટે ફાટ ફાટ થતી ગરીબીની મિલકત જોઈએ..! ફાટેલી ગોદડીનાં ઓઢણ હોય, એને જ ખબર પડે કે, ફાટેલી ગોદડીમાંથી દેખાતો શરદ પૂર્ણિમાનો ચાંદ કેવો આહ્લાદક હોય. પેલી સ્વાદિષ્ટ ઘારી કરતાં પણ રૂપાળો લાગે. ફાટેલી ગોદડીની ફાંટમાંથી આવતું ચાંદરણું પણ માંહ્યલો હરખાવી જાય. જાણે ઓઢે ઓઢે ને આઘુંપાછું થઇ જાય..! ચાંદરણાં સાથે સંતાકૂકડી રમતા હોય એવું લાગે..! અલબત્ત..! ચાંદરણું પામવું હોય તો, ટી.વી.ની ચેનલની જેમ ગોદડીને ‘સેટ’કરવી પડે! કારણ કે શ્રીમંતોની રેશમી રજાઈમાં આ સુવિધા નથી. આવા સુખની પ્રાપ્તિ માટે, ધાબે સૂવું પડે ને, ગોદડી ફાડવી પડે! તંઈઈઈઈ..?

 એના કપાળમાં કાંદા ફોડું, આ વરસે તો અંબાલાલે આકાશને ભાડા પટે લઇ લીધું હોય એમ, આકાશ તો દેખાય જ નહિ, વાદળાં જ વધારે દેખાય. ભરી નવરાત્રીમાં પણ વરસાદ અને વાદળાંઓ, અંબાલાલના આદેશ પ્રમાણે ઝીંગાલાલા કરતાં આપણે જોયા છે. એની જાતને,ચાંદ શરદનો હોય કે સાદો હોય, એક વાર વાદળાંઓની લપેટમાં આવી ગયો એટલે ખલ્લાસ..! ‘ચાંદની ઓઢું ઓઢું ને ઊડી જાય..! ચાંદો દૂરબીનથી પણ શોધેલો નહિ જડે ને ચાંદનીને પણ જાણે કોઈ Kidnap કરી જવાનું હોય એમ, ડરતાં ડરતાં બહાર નીકળે. ચંદી પડવાની ઘારી ઝાપટવાનો ચાનક જ મારી નાંખે. શરદ પૂર્ણિમા એટલે ઊંચું જોવાનો દિવસ. ફાટેલી ગોદડીમાંથી જેટલું આકાશ દેખાયું એટલું જ આપણું..! જેટલો ચાંદો દેખાયો, એટલો જ આપણો. એમાં જ જલસા કરી લેવાના..! એક વાત છે, અમાસ છે તો પૂનમની કિંમત છે બોસ..! ને પૂનમ છે તો અમાસની અસર છે.

બિલકુલ સંસાર જેવું જ..! સંસારમાં એવાં ઘણાં જોડાંઓ હશે કે, જેમાં એક અમાસ જેવું હોય ને બીજું પૂનમ જેવું..! ઐય્યર અને બાબીતા એનો પુરાવો છે. જિંદગી પત્તાના ખેલ જેવી છે મામૂ..! બાજી જેવી પણ નીકળે તેવી, રમી નાંખવાની..! છણકા કરવા ગયા તો છમ્મ્મ્મ થઇ જવાય. શરદ પૂર્ણિમાને પણ ગ્રહણ લાધે, ને વઘારેલી ઘારી ખાતા હોય એવું લાગે. આવું જોડું હોય ત્યારે કાળજી એટલી જ રાખવાની કે, કોઈ જેઠાલાલ આપણા સંસારની અડફટે આવવો જોઈએ નહિ..! પાત્ર ભલે અમાસ જેવું હોય, પણ બુદ્ધિમાં ઝગારા મારતું હોય તો ચલાવી લેવાનું, ને પૂનમ જેવું હોય તો ઘારી ઝાપટી લેવાની. એટલા માટે કે, આજકાલ લગન કરતાં છૂટાછેડાનો ખર્ચ બહુ આવે છે..! ચેતેલો નર સદા સુખી…!

 ચંદી પડવો એ શરદ પૂર્ણિમાનો આંગળિયાત તહેવાર છે. જેને ઘારીનો પ્રાગટ્ય દિવસ પણ કહી શકાય ..! શરદ પૂનમની રાતે વાઈફ કરતાં પણ ઘારી વધારે વ્હાલી લાગે. વાઈફને ધારી ધારીને નહિ જુએ, પણ ‘ઘારી’ને ધારી-ધારીને જુએ..! કારણ કે ઘારીની અનેક ફ્લેવર હોય..! લગન વખતે વાઈફને પસંદ કરવામાં કાળજા ભલે આળસાઈ કરી ગયા હોય, પણ ઘારીનો રસિયો ઘારીની પસંદગી કરવામાં થાપ ખાતો નથી. ઘારી એ તો રસિક જનોની સાળી જેવી છે. ચંદી પડવો આવે એટલે, સુરતીઓ ઘારી પાછળ ઓળઘોળ થઇ જાય. વાઈફની જન્મ તારીખ કદાચ ભૂલી જાય, પણ ચંદી પડવાની તારીખ નહિ ભૂલે. સુરતીઓનો સ્વાદિષ્ટ તહેવાર એટલે જ ચંદી પડવો..! એટલે તો એક જ દિવસમાં સુરતીઓ બસો ટનથી ઉપરની ઘારી ઉલાળી જાય એનું નામ સુરતી..!

અમુક તો ઘારીનાં એવાં શોખીન કે, જીવતરની Expiry Date આવી હોય તો પણ, ચંદી પડવા સુધી શ્વાસને રોકી રાખે, છૂટવા નહિ દે..! કહેવાય છે કે, સુરતના દેવશંકરભાઇએ ઇ.સ. 1838માં લાલગેટ ખાતે સૌ પ્રથમ ઘારી અને ફરસાણની દુકાન શરૂ કરેલી..! પણ લગન થયા પછી કેટલાં લોકો કંકોતરી સાચવે, એમ ઈતિહાસ વિસરાઈ ગયો ને ઘારી જીભના તાળવે ચોંટી ગઈ. લોકો ધાબે કે દરિયા કિનારે બેસીને, ચાંદરણું ઓઢી ઓઢીને કરોડોની ઘારીનો કચ્ચરઘાણ કાઢી નાંખે, એનું નામ ચંદી પડવો..! મોજ-મઝા અને મસ્તી એટલે જાણે સુરતીની પોતાની જાગીરી. ભગવાને સુરતીઓનો કોઠો જ એવો બનાવેલો કે, ખાણી-પીણીમાં હજી આજે પણ સુરતીનો નંબર અવ્વલ છે..! સુરતીલાલા એટલે ઉત્સવ પુત્રો..! કહેવાય છે કે,

 મારો સુરતી સહેલાણી મન મોજ મનાવી જાણે છે.
 રંગીલો છે સુરતી મારો જેને દુનિયા આખી જાણે છે.
 ફાફડા જલેબી લોચો ખાઈને ભુસાનો ફાંકો રાખે છે
 ઊંચા ભાવની ઘારી ખાઈને ફાંદ વધારી જાણે છે.

લાસ્ટ બોલ
જલેબી જલ્લાદ અને અદેખી પણ ખરી દાદૂ..! કેમ ?
જલેબીએ ‘ઘારી’ને ક્યારેય ફાફડા સાથે ગોઠવાવા દીધી નથી. ફાંચરુ જ માર્યું હશે..! નહિ તો ફાફડા જલેબીને બદલે ‘ઘારી-ફાફડા’ની જોડી જામેલી હોત..! માણસ જેવા સીધા ફાફડાને ‘ઘારી’જેવી સીધી ને બદલે, જલેબી જેવી ગૂંચવાડાવાળી જોડી મળે એ ભાગ્યની જ બલિહારી કહેવાય ને..?
એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top