રેઈની સિઝન જામી જતાં જ વાતાવરણ ઠંડુંગાર થઈ ગયું છે. લોકો ગરમાહટ માટે ગરમ-ગરમ ભજીયા અને આદુની ચાની ચુસ્કી લઈ રહ્યા છે. એવું નથી લાગતું કે, વાતાવરણ આહલાદક બન્યું છે ત્યારે તદ્દન ધીમી ધારે વરસાદ વરસતો હોય અને ચાલતા-ચાલતા ગરમા-ગરમ મકાઈ ભુટ્ટોની મજા લઈએ. ત્યારે સુરતની કિટ્ટી પાર્ટીમાં એન્જોય કરતી મહિલાઓ મોનસૂન થીમ પર કિટ્ટી પાર્ટીનું આયોજન કરી રહી છે. વર્તમાન સમયમાં એક ટ્રેંડ અથવા કહો કે એક ફેશન બની ગયું છે. કિટ્ટી પાર્ટીને બહાને મહિલાઓ એક-બીજાના સંપર્કમાં રહે છે અને થોડોક સમય એન્જોય કરે છે. આપણે અહીં કિટ્ટી પાર્ટીના સિઝનલ થીમની વાત કરીએ. અત્યારે માનસુનને લઈને છત્રી, રેનકોટની થીમ અને ભજીયા થીમ બેઝડ કિટ્ટી પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે.
સીઝલીંગ રાઇસ, મન્ચુરીયનની માણી લીજ્જત: ગુંજા ભાદાની
પાલ-ભાઠા વિસ્તારમાં રહેતાં 35 વર્ષીય ગુંજાબેનનું કહેવું છે કે હું અને મારી ફ્રેન્ડ્સ વરસાદી સિઝનને એન્જોય કરી શકીએ એટલે આ માટે અને વરસાદમાં ગરમ-ગરમ વાનગીઓ આરોગવાની મઝા આવે એટલે સિઝલિંગ રાઈસ, સ્પેશ્યલ ચિઝી પાઉં, મન્ચુરિયન, ભજીયા, સરસિયા ખાજા, લોચો મેનુ રાખેલું. અમે બધાં જ થીમ બેઝડ કિટ્ટી પાર્ટી કરીએ છીએ. આ વખતે રેઇની સિઝનને ધ્યાનમાં રાખી રેઈનબો થીમ મુજબ કલરફુલ ડ્રેસ, અમ્બ્રેલાની થીમ રાખેલી. સાથે જ ફૂડ મેનું પણ ગરમાગરમ ને ચટાકેદાર હતુ઼. પાર્ટીનું ઇન્વીટેશન કાર્ડ પણ યુનિક બનાવેલું. કાર્ડ પર રંગબેરંગી છત્રીના ચિત્ર તૈયાર કરેલાં અને દરેક છત્રી પર ઇનવાઇટી ફ્રેન્ડના નામ લખી કાર્ડ સેન્ડ કરેલાં. તથા ગેમ પણ રેની સિઝનની થીમ પર જ રમેલાં. એક કાર્ડમાં વરસાદી સિઝનને લગતી તમામ વસ્તુના નામ લખેલાં જે કિટ્ટીના તમામ મેમ્બરને એક વખત બતાવી પછી દરેકને કહેવામાં આવેલું કે કાર્ડમાં કઈ-કઈ વસ્તુ હતી તેના નામ લખવા આ એક પ્રકારની મેમરી ટેસ્ટ હતી. જીતનાર મેમ્બરને હોસ્ટ તરફથી ઇનામ આપવામાં આવેલા.
અમ્બ્રેલા અને રેનકોટ થીમ પર કરી પાર્ટી: વિધિબેન મહેતા
પાલ-ભાઠા વિસ્તારમાં રહેતાં વિધિબેન મહેતાનું કહેવું છે કે હું અને મારા સોસાયટીની 12થી 13 ફ્રેન્ડ્સ છેલ્લાં 5-6 વર્ષથી કિટ્ટી પાર્ટી કરીએ છીએ. અમે કિટ્ટી પાર્ટી થીમ બેઝડ પણ કરીએ છીએ અને થીમ વગર પણ કરીએ છીએ. કિટ્ટી પાર્ટીમાં હાઉઝી જેવી એક-બે રમત રમીએ અને લોટ્સ ઓફ એન્જોયમેન્ટ કરીયે છીએ. પહેલાં અમે ઘરમાં જ કિટ્ટી પાર્ટી કરતા પણ એના કારણે કિટ્ટી પાર્ટીની હોસ્ટ બીઝી રહે છે. ફૂડ તૈયાર કરવામાં અને કિટ્ટીની તમામ ઇનવાઇટીની આગતા-સાગતામાં બીઝી રહેવાને કારણે હોસ્ટ એન્જોય નથી કરી શકતા એટલે અમે હોટેલમાં કિટ્ટી પાર્ટી રાખીએ અને આ પાર્ટીના ખર્ચ સોલ્જરીમાં ઉઠાવીએ છીએ. આ વખતે અમે રેઇની સીઝનને લઇને રેઇનકોટ અને છત્રીની થીમ પર પાર્ટી કરી કારણકે વરસાદની સીઝન ચાલે છે એટલે ઘરમાંથી છત્રી અને રેઇન કોટ કાઢી પાટી કરી.
હવે હોટેલમાં કરાય છે કિટ્ટી પાર્ટી
પહેલાં ઘરમાં કિટ્ટી પાર્ટી થતી પણ હવે ટ્રેંડ બદલાયો છે. હવે હોટેલમાં પાર્ટી રાખવામાં આવે છે. બધાં જ મેમ્બર્સ કોઈપણ કામના બર્ડનમાં ના રહે એટલા માટે હોટેલ પ્રીફર કરવામાં આવે છે. પાર્ટીનું મેન્યુ સિઝન પ્રમાણેનું હોય છે. અત્યારે રેની સિઝન ચાલતી હોવાથી ગરમ-ગરમ કાંદાના ભજીયા, રતાળું પુરી, લોચો, સરસિયા ખાજાનું મેનુ રાખવામાં આવે છે. હવે શ્રાવણનો મહિનો આવશે એટલે ફરાળી વાનગીઓ મેનુમાં રખાશે અને ગ્રીન થીમ પર કિટ્ટી પાર્ટી યોજવામાં આવશે.
પુલ પાર્ટી અને ભજીયા પાર્ટી કરી: મીતા પટેલ
ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતાં 43 વર્ષીય મીતાબેન પટેલએ જણાવ્યું કે, વરસાદી સિઝન હોવાથી વરસતા વરસાદમાં સ્વિમિંગ માટે તેમની તમામ ફ્રેન્ડસે પુલ કિટ્ટી પાર્ટીનું આયોજન કર્યું હતું. ડુમસ વિસ્તારમાં આ પાર્ટીનું આયોજન કર્યું હતું. પૂલમાં છત્રી લઈને ઉતર્યા હતા અને થોડું એન્જોય કર્યું હતું. રેની સિઝનમાં તો રેન ડાન્સ પાર્ટીનું આયોજન તો ઘણાં કરતા જ હોય છે એટલે અમે હટકે કરવા માટે છત્રી લઈને પૂલમાં ઉતર્યા હતાં. વરસાદી સિઝનમાં ભજીયા હોય તો મજા બેવડાઈ જતી હોય છે, એટલે અમે મિક્સ ભજીયા, ગરમા-ગરમ પુલાવ, પાઉં-ભાજી અને પનીર ટુકડા ચીઝ ભાજીની લિજ્જત માણી હતી.