એક તરફ એવા દાવાઓ કરવામાં આવે છે કે ભારતીય પરિવારોની ખરીદશક્તિ વધી છે પરંતુ સાથે સાથે એ વાત પણ સત્ય છે કે ભારતીય પરિવારોનો માસિક ખર્ચ ખૂબ જ વધી ગયો છે. આજના સમયમાં મોંઘવારી એટલી હદે વધી છે કે પરિવારોએ બે છેડા ભેગા કરવાં મુશ્કેલ બની રહ્યા છે. હાલમાં ભારતમાં મોંઘવારીના સમયમાં સામાન્ય પરિવારોનો ત્રિમાસક ખર્ચમાં ગત વર્ષની સરખામણીમાં સીધો 33 ટકાનો વધારો થઈ ગયો છે.
ગત વર્ષે જે આંકડો 42000નો હતો તે આ વર્ષે વધારા સાથે 56000 થઈ ગયો છે. આ બતાવી રહ્યું છે કે જો સરકાર દ્વારા મોંઘવારી પર કાબુ કરવામાં નહીં આવે તો બની શકે છેકે પરિવારોએ જીવવું અઘરૂં થઈ જશે. શહેરી અને ગ્રામીણ ભારતમાં ગ્રાહક વર્તણૂંક પર ન્યુમેરેટર દ્વારા વર્લ્ડપેનલના અહેવાલમાં ભારતમાં મોંઘવારી વધ્યાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતમાં શહેરી વિસ્તારોમાં સ્થાયી થયેલા પરિવારોના ઘર ખર્ચમાં દર વર્ષે વિક્રમી વધારો થઈ રહ્યો છે. સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ આ વધારો જોવાઈ રહ્યો છે.
ગ્રામીણ વિસ્તારોમાં આ વધારાનું પ્રમાણ શહેરી વિસ્તારો કરતાં ઓછું છે. આ અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં પરિવારોનો ઘર ખર્ચ સતત વધી રહ્યો છે. જે ઘર ખર્ચનો ત્રિમાસિક આંકડો 42000 હતો તે વધીને એક જ વર્ષમાં 56000 થઈ ગયો છે. શહેરી પરિવારો દ્વારા ખર્ચ કરવાનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. ગ્રામીણ પરિવારો દ્વારા પણ કરાતાં ખર્ચમાં મોટો વધારો જોવા મળ્યો છે. આ ખર્ચના વધારાથી દેશના બજેટ પર પણ ભારણ વધી રહ્યું છે. આ અહેવાલમાં જણાવાયું છે કે, શહેરી બજારોમાં જૂન-2022માં સરેરાશ ત્રિમાસિક ખર્ચ રૂપિયા 52711 હતો, તે માર્ચ-2024માં વધીને રૂપિયા 64593 થઈ ગયો હતો અને હવે માર્ચ-2025માં વધીને રૂપિયા 73579 થઈ ગયો છે.
આ જ રીતે ગ્રામીણ પરિવારોનો સરેરાશ ત્રિમાસિક ખર્ચ જૂન-2022માં રૂપિયા 36104 હતો તે માર્ચ-2025માં વધીને રૂપિયા 46623 થઈ ગયો છે. દેશભરમાં 6000 પરિવારોનો સરવે કર્યા બાદ આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. અહેવાલ એવું બતાવી રહ્યો છે કે ભારતમાં જે રીતે માસિક ખર્ચ વધી રહ્યો છે તે વધી રહેલી મોંઘવારીને આભારી છે. એકપણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મોંઘવારીની માર જોવામાં આવી નહીં હોય. હાલના સમયમાં ભૌતિક સુખ વધી રહ્યા છે. ભૌતિક સાધનોનો ખર્ચ વધી રહ્યો છે. સાથે સાથે મેઈન્ટેનન્સ કોસ્ટ પણ મોંઘી પડી રહી છે. રોટી-કપડા-મકાનથી માંડીને પેટ્રોલ-ડિઝલ અને સીએનજીના ભાવમાં છાશવારે કરાતા વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ લોકોની કમર તોડી રહ્યો છે.
વાહનો મોંઘા થઈ રહ્યા છે. અનાજ મોંઘુ થઈ ગયું છે. સવારે વ્યક્તિ ઉઠે ત્યારથી રાત્રે સુઈ જાય ત્યાં સુધી જે કોઈપણ વસ્તુનો વપરાશ કરે તે તમામનો ખર્ચ વધી રહ્યો છે. મહિને 50000 રૂપિયા કમાનાર વ્યક્તિ માટે આજે 2 રૂમ રસોડાનો ફ્લેટ લેવો અઘરો છે. જે રીતે તમામ સ્તરે ભાવો વધી રહ્યા છે તે બતાવી રહ્યું છે કે દેશમાં મોંઘવારીમાં મોટો વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જ મોંઘવારીએ માઝા મુકી છે. ફુગાવો વધી રહ્યો છે. આમ તો જે દેશની પ્રગતિ થાય ત્યાં ફુગાવો થાય પરંતુ તે પ્રગતિના પ્રમાણમાં હોય. ભારતમાં જે રીતે પ્રગતિ થઈ રહી છે તેના પ્રમાણમાં ફુગાવો વધુ છે. જે મોંઘવારીનો વધારો બતાવી રહ્યું છે. સરકારે ખરેખર દેશમાં વધી રહેલી મોંઘવારી પર ધ્યાન આપવાની જરૂરીયાત છે. લોકો પાસેથી નાણાં લેવાના ચક્કરમાં સરકાર પોતાના દ્વારા અપાતી કોઈપણ સુવિધાના દરમાં ઘટાડો કરવા માટે તૈયાર નથી.
પેટ્રોલ-ડિઝલથી માંડીને જીએસટીના દરોમાં અત્યાર સુધી કોઈ જ ઘટાડા કરવામાં આવતા નહોતા. પરિવારોની આવક વધે તેના કરતાં મોંઘવારી વધારે પ્રમાણમાં વધી જાય છે. હાલમાં લોકોની એવી સ્થિતિ છે કે ભવિષ્યમાં આવક વધશે તેની આશામાં લોકો લોન લઈને આયોજનો કરી રહ્યા છે. લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. હાલના સમયમાં શિક્ષણ ખુબ જ મોંઘુ થઈ ગયું છે. જો પરિવારમાં બે બાળકો હોય તો બંનેને ભણાવવા જે તે પરિવાર માટે અઘરૂં બની જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અનાજના ભાવો આસમાને પહોંચી ગયા છે. એક જ પરિવારમાં બે છેડા ભેગા કરવા માટે પતિ અને પત્ની, બંનેએ નોકરી કરવી પડે તેમ છે. સંયુક્ત કુટુંબનો સમય રહ્યો નથી. તબીબી સારવારનો ખર્ચ પણ વધી રહ્યો છે. જીવન જીવવા માટેના તમામ સાધનો મોંઘા થઈ ગયા છે.
દેશમાં બે જ વર્ગોને વાંધો નથી. એક જે ખૂબ જ ધનિક છે અને બીજો ગરાબ વર્ગ. આ સિવાય સામાન્ય નાગરિક કે જેની ગણના મધ્યમવર્ગમાં થાય છે તેની હાલત ખૅરાબ થઈ રહી છે. મધ્યમવર્ગના પરિવારોનો જ ત્રિમાસિક ખર્ચ અનહદ વધી રહ્યો છે. જો સરકારો આ મામલે જાગૃત નહીં થાય અને મોંઘવારીને કાબુમાં લેવા માટે યોગ્ય પગલાઓ લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોંઘવારીની માર સામાન્ય પરિવારોનો પુણ્યપ્રકોપ ભડકાવશે તે નક્કી છે.